હોમ
મોતીભાઈ અમીન
-
ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિ શરૂ કરી તેને વિસ્તારી ગુજરાતની પ્રજાને જ્ઞાન અને સંસ્કારનો સ્પર્શ કરાવનાર મોતીભાઈ અમીનનો જન્મ ઈ. ૧૮૭૩માં થયો હતો. ગ્રેજ્યુએટ થઈ શિક્ષક તરીકેની કારકિર્દિ પ્રારંભ કર્યો અને શિક્ષણની સાથે સાથે પુસ્તકાલય પ્રવૃત્તિ વ્યાપક બનાવવામાં અમૂલ્ય ફાળો આપ્યો. સભા સમારંભો, ભાષણો, ઉદધાટનો અને પ્રમુખસ્થાનેથી દૂર રહી મોતીભાઈએ જે અવિરત સેવાયજ્ઞ કર્યો છે તે આજે કોઈપણ ક્ષેત્રના સેવકો માટે ઉમદા દ્રષ્ટાંતરૂપ છે. એમના ‘પુસ્તકાલય’ માસિકે ગુજરાતની પ્રજામાં શિષ્ટવાચનનો શોખ વધારવાનું ભગીરથ કાર્ય કર્યું. બે જ વર્ષમાં વડોદરા રાજ્યમાં એમણે ૪૦૦ પુસ્તકાલયો શરૂ કર્યાં હતા. ઉપરાંત સાવ નાના ગામોમાં ફરતાં પુસ્તકાલયો સ્થાપીને મોતીભાઈએ જ્ઞાન અને સંસ્કૃતિની સમૃદ્ધિ ગુજરાતના છેડા સુધી પહોંચાડવામાં ફાળો આપ્યો હતો. અખિલ હિંદ પુસ્તકાલય પરિષદે ‘ગ્રંથપાલ ઉધમ પિતામહ’નું બિરુદ આપી તેમને નવાજ્યા હતા. સ્ત્રી શિક્ષણ અને સ્ત્રી સ્વાતંત્ર્યના પ્રખર હિમાયતી મોતીભાઈએ સામાજિક દૂષણો અને જડ રૂઢિઓ સામે બળવો પોકારીને અનેકવાર પોતાની નૈતિક તાકાતનો પરચો આપ્યો હતો. એ જમાનામાં રિવાજ મુજબ સ્ત્રીઓ પગરખાં પહેરી ન શકતી. આવી સ્ત્રીઓના સહાય અર્થે તેમણે ‘પગરખાંની પરબ’ શરૂ કરી હતી. ગાંધીજીએ મોતીભાઈને ‘ચરોતરનું મોતી’ કહી બિરદાવ્યા હતા. તા. ૧-૨-૧૯૩૯ના રોજ તેમનું નિધન થતાં ગુજરાતે એક અઠંગ કર્મયોગી, તપસ્વી શિક્ષક અને સાધુપુરુષ ગુમાવ્યાનો અપાર ખુદ અનુભવ્યો.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved