
બિહાર અને ઓરિસાના લોકો તરફ બાપુના મનમાં ખાસ કરુણા છે. ઓરિસાની પ્રજા બિલકુલ અસહાય ને કચડાયેલી છે. બિહારના ગોરા નીલવરોએ ત્યાંની જનતાને ઓછી નહોતી. કચડી. બિહારની જનતા ભોળી અને નિષ્ઠાવાન છે. ત્યાં પરદાની રૂઢિ છે. તે બંધ કરવાને માટે ત્યાંના લોકોએ બાપુ પાસે એક પ્રચારિકાની માગણી કરી. બાપુને આશ્રમવાસીઓની શક્તિ પર વધારે વિશ્વાસ હોય છે. તેમણે પોતાના ભત્રીજા, આશ્રમના વ્યવસ્થાપક શ્રી મગનલાલ ગાંધીની દીકરી રાધાને? બિહાર મોકલી. ચિ. રાધા પણ આત્મવિશ્વાસપૂર્વક ત્યાં ગઈ. તેણે ત્યાં સારું કામ કર્યું. એક વાર મગનલાલભાઈ પોતાની દીકરીને મળવા ત્યાં ગયા. ત્યાં તેઓ માંદા પડ્યા અને અવસાન પામ્યા. આશ્રમને માથે જાણે વજ્રપાત થયો. તાર આવતાં જ સૌના હોશ ઊડી ગયા. તે દિવસે સોમવાર હતો. બાપુનું મૌન હતું. તારની વાત સાંભળતાંવેંત બાપુ પોતાની જગ્યાએથી ઊઠીને મગનલાલભાઈને ત્યાં પહોંચી ગયા. એટલામાં હું પણ ત્યાં પહોંચી ગયો. મારાથી ન રહેવાયું ને હું રોઈ પડ્યો. એટલે બાપુએ પોતાનું મૌન તોડીને મને દિલાસો આપ્યો. મગનલાલભાઈનાં દીકરાદીકરીઓને બોલાવીને તેમણે પોતાની પાસે બેસાડ્યાં. હું ત્યાંથી જવા તૈયાર થયો એટલે બાપુએ કહ્યું, ‘મેં સોમવારના મૌનનું વ્રત લીધું હતું ત્યારે જ બે અપવાદ રાખ્યા હતા; મારા શરીરને કંઈ અસહ્ય પીડા થાય અથવા બીજાને એવું જ દુઃખ આવી પડે તો જરૂરી વાત કરવાને માટે મૌન તોડી શકાય. આટલાં વરસો પછી આજે એ અપવાદનો આશરો લેવો પડ્યો.‘
બાપુ મગનલાલભાઈને ઘેર ગયા હતા. તેમનાં પત્ની તથા બાળકોને આશ્વાસન આપવાને માટે ત્યાં જ રહેવા લાગ્યા. પોતાની જગ્યાએ પાછા ન ગયા. જરૂરી બધી વસ્તુઓ ત્યાં જ મંગાવી લીધી. ‘હવે આપણે અનાથ થઈ ગયાં છીએ‘ એવી લાગણી તેમણે મગનલાલભાઈના કુટુંબને જરાયે થવા ન દીધી.
- કાકાસાહેબ કાલેલકર