“દુનિયામાં કંઇકનો હું કરજદાર છું ‘ મરીઝ ’,
ચૂકવું બધાનું લેણ જો અલ્લાહ ઉધાર દે.”
નામ-અબ્બાસ વાસી
ઉપનામ-મરીઝ
જન્મ- 22-2-1917–સુરત
અવસાન-19-10-1983
અભ્યાસ-ગુજરાતી બે ચોપડી,?આપમેળે અંગ્રેજી શીખ્યા, શેકસ્પિયર અને ટોલ્સ્ટોય પણ વાંચેલા.
કૃતિઓ- ગઝલો - આગમન, નકશા
જીવન ઝરમર-
•ગુજરાતના ગાલીબ, ગઝલોના બેતાજ બાદશાહ
•અમીન આઝાદ તેમના ઉસ્તાદ
•14 વર્ષની ઉમ્મરથી ગઝલ લખવાની શરુઆત
•1933-34 મુંબાઇ ગયા
•1936- આકાશવાણી –મુંબાઇ પરથી પહેલા મુશાયરામાં ભાગ લીધો – આસીમ રાંદેરીના દોરવણીથી
•16 વર્ષની ઉમ્મરથી દારૂની લતમાં ફસાયા, પાછલા જીવનમાં પાંચ દસ રૂ. માં લખેલી ગઝલો દારૂ પીવા વેચતા,પછી દારૂની અસરને કારણે મુશાયરાઓમાં બરાબર રજૂઆત ન કરી શકતા.
સુરતના પઠાણવાડામાં જન્મેલાં અને વ્યકિત તરીકે અત્યંત ‘લૉ-પ્રૉફાઈલ’ રહેલાં મરીઝ ગઝલકાર તરીકે સૂર્ય સમાન ઝળહળ્યાં છે. જેમની ગઝલમાં કવિતાનું ગૌરવ અને લોકપ્રિયતા, બંને સંપીને વસ્યાં હોય એવા જૂજ શાયરોમાંના અવ્વલ એટલે મરીઝ. શરાબખોરી, દેવાદારી અને ગઝલનો સમાન અને ઉત્કૃષ્ટ અંદાજે-બયાં મરીઝને ગાલિબની કક્ષાએ મૂકે છે. ૧૯૭૧ માં એમના સન્માનમાં એકત્ર થયેલાં પૈસા ખવાઈ ગયાં તો સદા ફાકા-મસ્તીમાં જીવેલાં આ ઓલિયા જીવે એમ કહીને ચલાવ્યું કે ‘ આ લોકો મારા પીવાના પૈસા ખાઈ ગયા !’ એક જ કાવ્યસંગ્રહમાંથી ઉત્તમ શેરોની સંખ્યા ગણવી હોય તો મરીઝની તોલે કોઈ ન આવે.