શિયાળામાં ત્વચાની નીચે મુજબ કાળજી લેવી :

૧ :દર મહિને એકવાર બ્યુટીપાર્લરમાં જઈ રીચ ફેસિયલ કરાવવું. ર :દર અઠવાડિયે ઘરે હોમ ફેસિયલ કરવું. હોમ ફેસિયલ કરવા માટે પહેલા ત્વચાને ડીપ ક્લીનસિંગ મિલ્ક લગાવી પાંચ મિનિટ હળવા હાથે ચહેરાના દરૈક ખૂણામાં બરાબર મસાજ કરો. મસાજ કરી પાંચ મિનિટ ક્રિમને ત્વચામાં ઊંડે ઊતરવાનો સમય આપો. પછી હૂંફાળા પાણીથી અથવા રૂથી ચહેરો સાફ કરો.
૩ :શિયાળામાં સ્ટીમ લેવાનું ટાળો. તેનાથી છિદ્રોની અંદર રહેલી કુદરતી ચીકાશ બળી જશે, જે અત્યારે જરૂરી છે.
૪ :શિયાળામાં એસ્ટ્રીન્જન્ટનો ઉપયોગ પણ ટાળો.
૫ :સ્ક્રબનો ઉપયોગ પણ અઠવાડિયે એકવારને બદલે પંદર દિવસે એકવાર કરી નાખો.

૬ :મહિને એકાદ વાર દશેક મિનિટ સારા રીચ ક્રિમથી મસાજ કરો. રીચ ક્રીમમાં આલ્મન્ડ, ઓલિવ ઓઈલ, એલોવેરા કે વિટામિન ‘ઈ‘ ધરાવતું કોઈ પણ ક્રીમ ચાલે. ઘરગથ્થુ ઉપાય તરીકે મલાઈમાં બદામનું તેલ મિક્સ કરી મસાજ કરી શકાય. મસાજ કરવાથી મૃત કોષો જીવંત બનશે, ત્વચામાં કસાવ પેદા થશે, ત્વચામાં ભીનાશ આવી જશે.લોહીનું પરિભ્રમણ વધશે, ઘટતાં વિટામિન્સ મળવાથી ત્વચા ફરી તંદુરસ્ત, સ્વસ્થ અને તાજગીભરી ચમકતી લાગશે.

૭ :મસાજ બાદ છેલ્લે ફેસપેક લગાડવાનું ભૂલવું નહીં. ફેસપેક જેટલા કુદરતી હોય તેટલા વધારે સારા. એ માટે તાજાં ફળોને ક્રશ કરી તેમાં ગ્લિસરીન કે વિટામીન ‘ઈની કેપ્સ્યુલ નાખી પેક મોઢા પર લગાવડવો. દસ-વીસ મિનિટમાં પેક સૂકાઈ જાય એટલે કાઢી નાખો. ફેસપેકથી ત્વચામાં કસાવ આવશે, કરચલી નાબૂદ થશે અને ત્વચા એકસરખી સુંદર લાગે છે.
૮ :શિયાળામાં માત્ર ચહેરાને જ નહીં, પણ આખા શરીરની ત્વચા પર મોઈશ્ચરાઈઝર લગાડવું જરૂરી છે. મોઈશ્ચરાઈઝર ત્વચાને રક્ષણ આપે છે.
શિયાળામાં વાળની સંભાળ :
કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વ અને શૃંગારમાં એના વાળ અને હેરસ્ટાઈલ વિશેષ ભૂમિકા અદા કરે છે. ચહેરો ગમે તેટલો સુંદર હશે, કપડાં ગમે તેટલા આકર્ષક પહેર્યા હશે, ફીગર પણ ફીટ હશે, પણ જો વાળ બરછટ અને ચમક વગરના હશે તો ચાંદમાં દાગ જેવું અજુગતું અને કદરૂપું લાગશે. વાળનું પણ ત્વચા જેટલું જ મહત્વ છે. તેથી તેની યોગ્ય દેખભાળ કરવી જોઈએ. એ માટે જરૂરી છે તેના ઉપચારની સમજ.

શિયાળાની ઠંડીની અસર જેમ ત્વચા પર થાય છે તેમ જ વાળ પર પણ થાય છે. વાતાવરણમાં ભેજ ઓછો થવાથી ઠંડીને કારણે રોમછિદ્રો બંધ થઈ જાય છે. જરૂરી ચીકાશ ન મળતાં માથામાં ફોતરી થાય છે, જેને આપણે ખોડો કહીએ છીએ. એટલે બાહ્ય ઉપાય તરીકે ‘ઓઈલ મસાજ‘ જરૂરી છે. વાળને તંદુરસ્ત અને જાડાઈ સાત્વિક ખોરાક જરૂરી છે. સાથે જ પૂરતી ઊંઘ અને મનની શાંતિ પણ એટલી જ જરૂરી છે. માનસિક તણાવ વાળ ખરવાનું એક મહત્વનું કારણ છે. ઉપરાંત દિવસમાં સાતથી આઠ ગ્લાસ પાણી પીવું જોઈએ.
શિયાળામાં વાળની ગુણવત્તા પ્રમાણે અઠવાડિયે ત્રણેક વાર તેલનો મસાજ કરવો. તેલમાં બદામનું ઓલિવ ઓઈલ કે રિફાઈન્ડ કોપરેલ તેલ કોઈ પણ વાપરી શકાય. તેલને હૂંફાળું ગરમ કરી, પાથીએ પાથીએ લગાવી આંગળીના ટેરવા વડે વાળના મૂળમાં અડધો કલાક મસાજ કરો.

વાળમાં તેલ એક કલાક રાખો તો પણ એટલું જ પોષણ મળે છે અને બે ત્રણ દિવસ રાખો તો પણ તેટલું જ પોષણ મળે છે. અલબત્ત, તેલ વધુ સમય વાળમાં રાખવાથી તે હવામાં ઊડ્યા કરતા નથી અને તેમાં તેલના સ્તરને કારણે તેમાં ધૂળ વગેરે મેલ ભરાતો નથી. પરિણામે વાળમાં ચમક વધે છે. ભીના વાળમાં કે તરત શેમ્પુ કરેલા વાળમાં દાંતિયો ફેરવશો તો વાળ તૂટી જશે. દાંતિયા વધુ પડતા જૂના ન વાપરતા સારી કવૉલિટીના વાપરવા જેથી વાળ તૂટે નહીં. વાળા ધોયા બાદ તેને ટોવેલમાં વીસેક મિનિટ રાખી મૂકવા અને ઝાટકવાને બદલે ટુવાલથી મૂળમાંથી લૂછવા. ભીના નીતરતા વાળમાં ડ્રાયર પણ ન ફેરવવું. ટુવાલથી સરખી રીતે લૂછી લીધા બાદ ડ્રાયરથી વાળ સૂકવવા. વાળમાં દિવસમાં ૬૦ થી ૭૦ વાર દાંતિયો ફરવો જોઈએ. એટલે સવારે ઊઠીને કે રાત્રે સૂતાં પહેલાં અચૂક વાળમાં દાંતિયો ફેરવવો જેથી બંધ છિદ્રો ખૂલી જશે. તેને તાજી હવા મળશે, ઑક્સિજન મળશે, લોહીનું પરિભ્રમણ સુધરશે. તેલ લગાડ્યા બાદ વાળને સ્ટીમ પણ આપી શકાય, પરંતુ શિયાળામાં સ્ટીમ કે હેરપેકનો ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી ટાળવો. વધુ પડતી સમસ્યા હોય તો બ્યુટિશિયનની સલાહ લેવી.