ઠંડીની મોસમમાં વાળની સંભાળ

બદલાતી ઋતુની ત્વચા અને વાળ ઉપર ઝડપથી અસર થાય છે. થોડા જ દિવસોમાં ઠંડીની ઋતુ આવી પહોંચશે. આ ઋતુમાં વાળની વિશેષ માવજત લેશો તો વાળની સમસ્યાઓ નહીં સતાવે.
સુંદર, લાંબા અને ઘટાદાર વાળ દરેક વ્યકિતના મનને મોહી લે છે. સાથે ચમકતા સુંદર વાળ સમગ્ર વ્યકિતત્વને બદલી નાખવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ બદલાતી મોસમની અસર વાળ ઉપર થયા વિના રહેતી નથી. ગુલાબી ઠંડીનો આરંભ થઈ ચૂકયો છે ત્યારે એની અસર વાળ ઉપર પણ થવા લાગી છે. આવી મોસમમાં વાળ ડ્રાય થવાની સાથે માથામાં ખોડાની સમસ્યા પણ સર્જાય છે.
જેટલું ઘ્યાન આપણે આપણા ચહેરા અને હાથ-પગની માવજત અને તેને નિખારવામાં આપીએ છીએ એટલું જ ઘ્યાન વાળની માવજત પાછળ પણ આપવું જોઈએ.
સૌ પ્રથમ આપણે વાળની સ્વરછતા પર પૂરતું ઘ્યાન આપવું જોઈએ. ઠંડીની ઋતુમાં અઠવાડિયામાં ૨-૩ વખતે હૂંફાળા કોપરેલ કે ઓલિવ ઓઈલથી આંગળીઓના ટેરવાથી માથામાં માલિશ કરો. માલિશ ધીરે ધીરે કરો, જેથી માથામાં લોહીનો સંચાર વધશે તથા વાળના મૂળ મજબૂત થશે. માલિશ કર્યા પછી એક કલાક બાદ કોઈ સારા શેમ્પૂથી વાળ ધોઈ લો.
કયારેક કયારેક વાળમાં માલિશ કર્યા પછી વરાળ લેવાનું પણ રાખો. એ માટે સ્વરછ ટુવાલને ગરમ પાણીમાં ડૂબાડી, નીચોવી એને માથા પર એ રીતે લપેટો કે ટુવાલમાં બધા જ વાળ આવી જાય. લગભગ પાંચ મિનિટ રહેવા દો. પછી ફરી ૨-૩ વખત આ રીતે કરો. આનાથી તેલ વાળના મૂળમાં સારી રીતે પહોંચશે. પરિણામે વાળના મૂળ મજબૂત બનશે.
ઠંડીમાં વાળ ધોતી વખતે વધારે પડતાં પાણીનો ઉપયોગ ન કરો. એનાથી વાળના મૂળ નબળા પડી જશે. માત્ર નવશેકા પાણીથી વાળ સાફ કરો. વાળને ધોયા પછી એને ટુવાલના ઝટકાથી ન સૂકવતા હળવા હાથે સૂકવો. કયારેય ભીના વાળમાં કાંસકો ન ફેરવો. વાળને સ્વાભાવિક રીતે જ સુકાવા દો. એને સૂકવવા માટે ડ્રાયરનો ઉપયોગ ન કરો. એનાથી વાળ વધુ શુષ્ક બની જાય છે. માટે બને ત્યાં સુધી હેર ડ્રાયરનો ઉપયોગ ટાળો.

૧૫ દિવસના અંતરે વાળમાં કંડિશનિંગ જરૂર કરો. આજકાલ બજારમાં અનેક પ્રકારની મેંદી ઉપલબ્ધ છે. કોઈ લોખંડના વાસણમાં કોફી, આંબળાનો પાઉડર વગેરે મિકસ કરી મેંદીમાં પલાળી એને વાળમાં લગાવો. ઓછામાં ઓછી બે કલાક સુધી મેંદી વાળમાં લગાવી રાખો.
કયારેક કયારેક વાળમાં લીંબુનો રસ અથવા દહીંમાં ચણાનો લોટ મિકસ કરી લગાવો. ૧૫ મિનિટ પછી ધોઈ લો. આનાથી ખોડાથી મુકિત તો મળે જ છે સાથે વાળ ચમકદાર અને મુલાયમ થઈ જાય છે. મહિનામાં એક વખત ટ્રિમિંગ જરૂર કરાવો. એનાથી દ્વિમુખી વાળ કપાઈ જાય છે અને વાળની વૃદ્ધિ થાય છે.
મોટા ભાગની મહિલાઓને વાળ ખરવાની સમસ્યા સતત સતાવતી રહે છે. શિયાળામાં આ સમસ્યા વધી જાય છે. વાળ ખરવાનું મુખ્ય કારણ છે પોષણ વગરનો આહાર, અપૂરતી ઉંઘ, માનસિક તણાવ, હોરમોન્સનું વધતું-ઘટતું પ્રમાણ, આનુવંશિકતા વગેરે. ખરતા વાળ અટકાવવા આહાર ઉપર પૂરતું ઘ્યાન આપો. પૂરતું પાણી પીઓ. ઠંડીની ઋતુમાં ખાવાપીવામાં પ્રોટીન તથા વિટામિનનું પ્રમાણ વધારો. દૂધ, ફળો તથા રેસાવાળાં શાકભાજી, લીલી ભાજીઓ વધુ ખાઓ. એનાથી શરીર તંદુરસ્ત રહેશે. સાથે વાળને પણ પોષણ મળશે. જેનાથી વાળની વૃદ્ધિ સ્વાભાવિક રીતે થતી રહેશે. પછી તમને વાળ ખરવાની કે વાળ ડ્રાય થવાની સમસ્યા કયારેય નહીં સતાવે.