ગુજરાતી પ્રયોગશીલ ગઝલ કવિતાના સર્જક શ્રી મનોજભાઈનો જન્મ તા. ૬-૭-૧૯૪૩ના રોજ જૂનાગઢમાં થયો હતો. બી.એસસી., એલ.એલ.બી થઈ જૂનાગઢમાં જ વકીલાતનો આરંભ કર્યો. તેમને મોરારીબાપુ જેવા સંતના આશીર્વાદ પામવાનું સદભાગ્ય મળ્યું તો અનેક કવિતાઓનું સખ્ય પણ ‘મંગળવારી’ અને ‘મિલન’ સંસ્થાના નેજા હેઠળ કવિમિત્રો મળતા. તેમના કાવ્યસંગ્રહ ‘અચાનક’ ને ગુજરાત સરકારનું, ‘અટકળ’ ને ગુજરાત સાહિત્ય અકાદમીનું અને ‘હસ્તપ્રત’ ને અકાદમી અને પરિષદના બંનેના પારિતોષિકોથી પુરસ્કૃત થયા. શ્રી અને સરસ્વતીનો ભાગ્યેજ જોવા મળતો મણિકાંચનયોગ પણ મનોજભાઈમાં થયેલો શબ્દ અને સંપતિની અઢળક સમૃદ્ધિની વચ્ચે પણ તેઓ જાતને હંમેશા જળકમળવત્ રાખી શક્યા અન્યથા જે ગઝલની મિરાત થકી પોતે જીવ્યા ને હજી પણ જીવશે એ ગઝલના કર્તુત્વ વિશે આવી હળવાશથી આટલી મોટી વાત કેમ થઈ શકે?
‘બે લખી ગઝલ-મોથ શું મારી?
તારી ક્યાં છે કમાલ, ભૂલી જા’
આઈ. એન.ટી. દ્વારા ‘કલાપી એવોર્ડ’ સાથે એમને ૨૫,૦૦૦ની રકમ મળી તે રકમ એમણે પરત કરી. ગઝલને પ્રાણવાયુનો દરજ્જો આપનારા શ્રી મનોજ ખંડેરિયાને કેન્સરનું દર્દ હોવાનું નિદાન થયું ત્યારે કોઈએ આઘાત અનુભવ્યો અને તા. ૨૭-૧૦-૨૦૦૩ની વહેલી સવારે ‘અચાનક’ના આ મૃદુ કવિ ‘અચાનક’ જ આપણી વચ્ચેથી વિદાય થયા.