પરિચય :
ઉનાળામાં અમૃતફળ ‘કેરી‘ આપનાર ઝાડને આંબો (આમ્રવૃક્ષ, આમકા પેડ) કહે છે. તે ગુજરાત તથા ભારતમાં સર્વત્ર વ્યાપકપણે થાય છે. તેની ૭૦૦થી વધુ જાતો છે. આંબા જંગલોમાં જાતે થાય છે. અને ખેતર-વાડીમાં તે વવાય પણ છે. તેના વૃક્ષો ૧૫ થી ૩૦ ફૂટ ઊંચા અને ઘટાદાર થાય છે. તેના પર આસોપાલવના પાન જેવા લાંબા, ચમકતા પાન થાય છે. તેના પર પ્રથમ નાનાં ફળ ‘મરવા‘ થાય છે. તે ફળ મોટા થઈ પાકે ત્યારે ઉતારી લેવાય છે. તેને દાબામાં નાંખી ‘પાકી‘ કેરી તૈયાર કરી વેચાય છે. કેરી એ તમામ ફળોમાં સર્વોત્તમ ફળ છે. તે ખૂબ ગુણકારી ફળ છે. કાચી કેરીનું અથાણું અને તેનો મુરબ્બો ખાસ મોટા પાયે થાય છે. પાકી કેરીનો રસ ડબ્બા પેક થઈ વેચાય છે અને પાકી કેરી વિદેશોમાં નિકાસ થાય છે. દવા રૂપે આંબાના થડની છાલ, તેનાં પાન, ચીક, મૂળ, મરવા તથા કેરી અને કેરીની ગોટલી ખાસ વપરાય છે.
ગુણધર્મો :
આંબાના થડની અંતરછાલ મધુર, ખાટી, ઠંડી છે તથા ઝાડા, મરડો અને ગરમી મટાડે છે. આંબાના પાન અને મૂળ પણ ઠંડા હોઈ ગરમીના દર્દોમાં ખાસ વપરાય છે. મરવા (કાચી કેરી) તૂરી, ખાટી, મધુર, સુગંધી, રૂચિકર, જરા ગરમ, લૂખી, કાંતિકર, પિત્ત, કફ અને રક્તદોષ કરનાર તથા પ્રમેહ, વ્રણ-ઝાડા મટાડનાર છે. પાકી કેરી મધુર, શીતળ, બળકર, ધાતુ પુષ્ટિકર્તા અને ત્રિદોષનાશક, વીર્યવર્ધક, સુખ અને કાંતિવર્ધક, તૃષા, પિત્તગરમી, શ્રમ અને શ્વાસ મટાડે છે.
ઔષધિ પ્રયોગ :
(૧)
આમદોષના ઝાડા-કૉલેરા : આંબાની ગોટલી વાટીને દહીંમાં આપવી.
(૨)
કૃમિ (કરમ) : આંબાની ગોટલીનું ચૂર્ણ આપવું.
(૩)
લોહીવા, દૂઝતા હરસ, મરડો : આંબાની ગોટલી શેકીને કે કાચી કેરીનુ; ચૂર્ણ સાકર સાથે દેવું.
(૪)
નવા પ્રમેહ : આંબાના પાનનો રસ કે અંતરછાલના રસમાં ચૂનાનું નીતર્યું પાણી ૧૦ ગ્રામ ઉમેરી પીવું.
(૫)
નસકોરી ફૂટવી : આંબાની ગોટલી પાણીમાં ઘસીને તેનાં ટીપા નાકમાં નાખવા.
(૬)
લોહીની ઊલટી : આંબાની ગોટલીનું ચૂર્ણ સાકર સાથે આપવું.
(૭)
દરેક ગરમીમાં : આંબાની આંતર છાલ, ઉંબરાના મૂળની છાલ અને વડવાઈનો રસ કાઢી, તેમાં જીરું અને ખડીસાકર નાંખી પીવું.
(૮)
અંડકોષ વૃદ્ધિ : આંબાના ઝાડ પરની ગાંઠ ગૌમૂત્રમાં ઘસી, લેપ કરવો અને શેક કરવો.
(૯)
અવાજ બેસી જવો – આંબાના પાનનો કાઢો કરી, તેમાં મધ નાંખી પીવો.
(૧૦)
પ્રદર (સ્ત્રીનું દર્દ) : આંબાની છાલ પાણીમાં ભીંજવી રાખી, તે પાણી સાકર નાંખી રોજ પાવું
(૧૧)
ચાંદી (સિફીલીસ) : આંબાની છાલનો રસ બકરીના દૂધમાં મિશ્ર કરી રોજ પીવો.
(૧૨)
ઊનિયો તાવ : આંબાના મૂળ ગળે કે હાથે બાંધવા.
(૧૩)
શક્તિ-પુષ્ટિ માટે : પાકી કેરીનો રસ રોજ ભોજન સાથે લેવો. અથવા માત્ર રસ, રોટલી અને દૂધ ઉપર જ ૧-૨ માસ રહેવું. જેથી ખૂબ શક્તિ-પુષ્ટિ અને વીર્ય વધી શરીર નિરોગી થશે.
(૧૪)
અરૂચિ – અપચો : કાચી કેરીનું પદ્ધતિસર બનાવેલું અથાણું ભોજન સાથે લેવું.
(૧૫)
લૂ લાગવી : કાચી કેરી અને ગોળ અથવા ખાંડથી બનેલું શરબત પીવાથી, લૂની ગરમીમાં લાભ થશે.