
હવે આપણે જે ઘર બનાવવા જઈ રહ્યાં છીએ તેનો મુખ્ય મુદ્દો છે પ્રવેશદ્વાર જેને આપણે મેઈન ગેઈટ કહીએ છીએ આપણી અવર જવર તથા મહેમાનની સામે સૌ પ્રથમ આવનાર મેઈન ગેઈટ છે, તેથી મેઈન ગેઈટની જગ્યા પસંદગી વિચાર માંગી લે છે. આવનારને પ્રવેશતાની સાથે જ ઘરની સજ્જતાનો પરિચય આપી શકે તેવો મેઈન ગેઈટ હોવો જોઈએ, વળી તેને સારી રીતે સુશોભીત કરેલો હોય તો વધુ સારૂં.
મુખ્ય દરવાજાની સામે અતિ મોટા કદાવર વૃક્ષ ન વાવવા જોઈએ. આ ઉપરાંત દરવાજાની સાવ સામે ગટર કે શોષ ખાડો ન બનાવવા જોઈએ, આ બાબતનોને કારણે સ્વાસ્થ્ય તથા સંતાન અંગેના પ્રશ્નો ઉદ્દભવી શકે, આ ઉપરાંત કાંટાળુ વૃક્ષ કે વેલ ન હોવા જોઈએ, મુખ્ય દ્વારની સામે કોઈ અતિ ભારેખમ વસ્તુ કે દાદર ન આવવા જોઈએ, મુખ્ય દ્વારથી પ્રવેશવામાં કોઈ તકલીફ પડે તેવું સ્થાપત્ય ન રાખવું જોઈએ.
આપણે પ્લોટ તથા કંપાઉન્ડ વોલ વિગેરે બાબતમાં ચર્ચા કરેલી આગળ વાત કરીએ તો, શક્ય હોય તો ચણતર કામ કરતા પહેલા કંપાઉન્ડ વોલ ચણી લેવી જોઈએ જેથી આપણા ગૃહનું પોતાનું એક અલગ તંત્ર બની જાય વળી સારી જગ્યાને કંપાઉન્ડ વોલથી ચારે તરફ વાળી લેવાથી તેની હકારાત્મક અસર પ્રાપ્ત કરી શકાય છે. જો સંપૂર્ણ કંપાઉન્ડ વોલ વાળવી શક્ય ન હોય તો દક્ષિણ તથા નૈઋત્ય તરફ વોલ કરી લેવી હિતાવહ છે. આટલું સમજ્યા બાદ હવે આપણે મેઈન ગેઈટ ક્યાં મૂકવો તે વિચારી લઈએ, એક જ દિશામાં બે ગેઈટ મૂકી શકાય પરંતુ ત્રણ ગેઈટ કદાપી ન મૂકવા જોઈએ.
હવે મેઈન ગેઈટની યોગ્ય જગ્યા નક્કી કરવા માટે આપણે પ્લોટની દરેક બાજુને નવ સરખા ભાગમાં વહેંચી દઈએ ત્યારબાદ શાસ્ત્રોક્ત રીતે મેઈન ગેઈટ ક્યાં મૂકી શકીએ તે વિચારીએ :
(૧) પૂર્વ દિશા : પૂર્વ દિશામાં મેઈન ગેઈટ મૂકવો હોય તો સૌ પ્રથમ પૂર્વ દિશાના ઉત્તર તરફના છેડાથી સરખા નવ ભાગ પાડવા આ દિશામાં ૨, ૩ તથા ૪ નંબરના ભાગ શુભ ગણાય છે.
આમ પૂર્વ દિશામાં ઉત્તર તરફથી નવ સરખા ભાગ પાડ્યા બાદ ભાગ-ર, ભાગ-૩ કે ભાગ – ૪માં મુખ્ય ગેઈટ મૂકી શકાય. ભાગ-૨ના દેવ પર્જન્ય છે તથા શુભફળમાં સંતાનસુખ છે. જ્યારે ભાગ-૩માં ગેઈટ મૂકવાથી સમૃધ્ધિમાં વૃદ્ધિ થાય છે. જેના દેવતા જય છે. તો ભાગ-૪ના દેવ ઈન્દ્ર છે તથા આ જગ્યાએ ગેઈટ મૂકવાથી તમામ જગ્યાએથી સહકાર પ્રાપ્ત થાય છે.
ઉત્તર દિશા : અગાઉ જોયું તેમ પશ્ચિમ દિશાથી શરૂ કરી ઉત્તરતરમાં ૯ ભાગ પાડવા જૈ પૈકી ભાગ-૩, ૪ તથા ૫માં ગેઈટ મૂકવો શુભ ગણાય ભાગ-૩ના દેવ મુખ્ય છે જે સુખ સમૃદ્ધિ આપનાર છે ભાગ-૪ના દેવ ભલ્લાટ છે જે ઘરમાં માંગલીક પ્રસંગ લાવનાર છે જ્યારે ભાગ-૫ના દેવ કુબેરજી છે જે વ્યાપારીક પ્રગતિ આપનાર તથા કૌટુંમ્બીક પ્રગતિ આપનાર છે.
પશ્ચિમ દિશા : પ્લોટના પશ્ચિમભાગમાં દક્ષિણ દિશા તરફથી નવ સરખા ભાગ પાડવા જેમાં ભાગ-૪ તથા પાંચ મેઈન ગેઈટ મૂકવા માટે શુભ ગણવા ભાગ-૪ના દેવ પુષ્પદંત છે તથા આ જગ્યાએ મેઈન ગેઈટ મૂકવાથી ઘરમાં હંમેશા આનંદ તથા ઉલ્લાસ રહે છે. ભાગ-૫ના દેવ વરૂણ છે જ્યાં ગૈઈટ મૂકવાથી સુખ તથા સમૃદ્ધિ રહે છે. સામાન્યતઃ પૂર્વ તથા ઉત્તરમાં મેઈન ગેઈટ મૂકવો વધુ લાભદાયી ગણાય છે, તેમ છતાં પશ્ચિમમાં ગેઈટ મૂકવો હોય તો ઉપરોક્ત ભાગ-૪ તથા ભાગ-૫માં મૂકી શકાય.
આજ રીતે સામાન્યતઃ દક્ષિણ દિશાને મેઈન ગેઈટ માટે અનુકુળ ગણાતી નથી છતાં ગેઈટ મૂકવો જ હોય તો.
દક્ષિણ દિશા : પૂર્વ તરફથી પ્લોટના દક્ષિણભાગે નવ ભાગમાં વહેંચી દેવો ત્યારબાદ બરાબર ભાગ-૪માં આ ગેઈટ મૂકી શકાય વાંચકમિત્રોને ખાસ યાદ અપાવું કે જો દક્ષિણ દિશામાં મેઈન ગેઈટ મૂકવો ફરજિયાત હોય તો એવી રીતે મૂકવો કે આ મેઈન ગેઈટ ભાગ-૪ની બહાર ન જાય અને તોજ આ મેઈન ગેઈટ ઘરવખરીમાં વૃદ્ધિ આપનાર તથા સારૂ દાંપત્યસુખ આપનાર બને છે. આ જગ્યાના દેવ ગૃહક્ષત છે.
મેઈન ગેઈટ કોઈપણ દિશામાં મૂકવાનો થાય ઉપર વર્ણવેલા ભાગમાં જ મૂકવો હિતાવહ છે જો અન્ય ભાગમાં ગેઈટ બનાવવામાં આવે તો તે બ્રહ્માંડની નકારાત્મક ઉર્જાને પ્રવેશ આપનાર બને છે. ઘણી વખત મેઈન ગેઈટની સામે જ ઈલેકટ્રીકનો થાંભલો ટ્રાન્સફોર્મર વગેરે કે ટેલીફોનનો થાંભલો આવી જતા હોય છે તો આ બાબત ખાસ ખ્યાલમાં રાખવી કે મેઈન ગેઈની સામે આ પ્રકારની કોઈ ચીજ ન આવવી જોઈએ.