આજના ગુજરાતને – ભારતને – વિશ્વને પૂ. ગાંધીજીનો પરિચય શો કરાવવાનો? બુદ્ધ-ઈસુની પરંપરાના એ યુગપુરુષ. આ યુગના સત્યાવતાર પૂજ્ય ગાંધીજીનો જન્મ તા. ૨-૧૦-૧૮૬૯માં પોરબંદર મુકામે થયો. વિદ્યાર્થી તરીકે તદ્દન સામાન્ય અને જુવાન થયા ત્યાં સુધી કેટલીક અક્ષમ્ય ભૂલો પણ કરી બેઠા, પરંતુ ભૂલનું પુનરાવર્તન ન થાય તે માટે ભારે જાગૃત. વિદેશમાં જઈ બેરિસ્ટરની પદવી પ્રાપ્ત કરી. દક્ષિણ આફ્રિકા એક કેસ લડવા ગયેલા, પરંતુ એમાંથી ત્યાં વસતા ભારતીયજનોની કફોડી હાલતથી દ્રવી ઊઠ્યા અને ત્યાં ઐતિહાસિક સત્યાગ્રહને સફળળ બનાવ્યો. સમગ્ર વિશ્વને એમણે સત્ય, અહિંસા, ન્યાય અને વિશ્વપ્રેમનો રાહ બતાવ્યો. ભારતની આઝાદી તો એમને મન એક નિમિત્તમાત્ર હતી. વાસ્તવમાં તો આ મહામાનવનો જન્મ તો એટલા માટે જ થયો હતો કે ભયંકર હિંસક શાસનકર્તાઓની હેવાનિયત સામે નૈતિક હિંમતથી, આત્મબળથી અને અહિંસાના અમોઘ શસ્ત્રથી કેવી રીતે લડી શકાય અને વિજય પ્રાપ્ત કરી શકાય એની ઝાંખી સમસ્ત માનવજાતને થાય. જીવન એ તેમની પ્રતિભાનું કાવ્ય હતું તો મૃત્યુ એ તેમની પ્રતિભાનું મહાકાવ્ય બની ગયું. દાંડીકૂચ યાત્રા કરનાર આ માનવીમાં એવી તો કઈ દૈવીશક્તિ હતી કે જેના અહિંસક સત્યાગ્રહ આગળ અંગ્રેજ સરકારના તમામ શસ્ત્રો બુઠ્ઠાં થઈ ગયા એ વિશે ભવિષ્યની પેઢી તો વિસ્મય જ પામવાની. સૂર્યનું માત્ર સ્ત્રોત જ ઉચ્ચારાય તેમ મહાત્મા ગાંધીજીને વંદન જ કરવાના હોય.