એકવાર ભગવાન કૃષ્ણનું માથું દુખતું હતું. રાજવૈદે જાતજાતના લેપ લગાડયા, પણ માથું
ઊતરતું જ નહોતું. ત્યાં નારદ આવ્યા. તેમણે કહ્યું, ‘‘ભગવન, તમે તો સર્વજ્ઞ છો, તમારા
માથાના દુખાવાનું ઔષધ તમે જાણતા જ હશો.’’ ભગવાને જવાબ આપ્યો. ‘‘ઔષધ તો હું
જાણું છું, પણ તે મેળવવું બહુ મુશ્કેલ છે.’’ નારદે કહ્યું? ‘‘તમે મને ઔષધનું નામ જણાવો, હું
ગમે ત્યાંથી એ લઈ આવીશ.’’ કૃષ્ણે નારદને ચેતવ્યા.? ‘‘નારદ, આ બહુ સહેલું કામ નથી.’’
નારદે ઉત્સાહ બતાવ્યો, ‘‘ ભગવન્, તમે ઔષધનું નામ કહો તો ખરા. પછી જુઓ કેટલી
ઝડપથી હું ઔષધ લઇ આવું છું.’’
ભગવાન કૃષ્ણે જણાવ્યું, ‘‘જેના જીવનનું પ્રયોજન હું જ છું એવા કોઈ મારા ચાહનારાની
ચરણરજ લઈ આવો. તે મારા માથે ને કપાળે લગાડીશ કે તરત માથાનો દુખાવો મટી જશે.’’
નારદ હસી પડયા, ‘‘આવી ચરણરજ લાવવાનું તો બહુ સહેલું છે. ચપટીમાં લાવ્યો સમજો.’’ નારદ સીધા ઊપડયા દેવલોકમાં અને ઈન્દ્રની ચરણરજ માગી. ઇન્દ્રે પૂછયું કે મારી
ચરણરજની શી જરૂર પડી. નારદે કારણ જણાવ્યું. તરત જ ઇન્દ્રે ચરણરજ આપવાની ના
પાડી. તેમણે કહ્યું, ‘‘ભગવાન કૃષ્ણને માથે મારી ચરણરવ ચડે તો હું પાપમાં પડું. મારે
નરકમાં સબડવું પડે.’’ એક પછી એક બધા દેવોને નારદ મળ્યા. કોઈ તેમની ચરણરજ
આપવા તૈયાર નહોતું, કારણ કે પોતાની ચરણરજ ભગવાન કૃષ્ણના માથે ચડે તો પોતાને
પાપ લાગે અને ચોક્કસ નરક મળે. નરકમાં જવાની કોઈની તૈયારી નહોતી.
નારદ થાકી ગયા. ચરણરજનો ઉપયોગ જાણ્યા પછી કોઈ ચરણરજ આપવા તૈયાર નહોતું.
છેલ્લે નારદને કૃષ્ણના બાળસખી રાધા યાદ આવ્યા. તે રાધા પાસે પહોચ્યાં અને ચરણરજ
માગી. ચરણરજ માગવાનું કારણ પણ બતાવ્યું. રાધાએ તરત જ મુઠ્ઠી ભરી પોતાની ચરણરજ પોતાની સાડી ફાડી તેના કટકામાં બાંધી આપી અને કહ્યું, ‘‘મુનિશ્રી, જલદી જલદી ભગવન્ પાસે પહોંચો અને તેમનું દુઃખ મટાડો.’’ નારદે બધા દેવોની વાત કરી અને પૂછયું,
‘‘રાધા, તને નરકમાં જવાનો ડર નથી લાગતો ?’’ રાધાએ જવાબ આપ્યો,
‘‘મુનિશ્રી, મારા માટે સ્વર્ગ? કે નરક કશાનો અર્થ નથી. મારા અસ્તિત્વનું પ્રયોજન ભગવન્ છે. તેમના માટે હું કંઈ પણ કરું.’’
વિસ્મય અને આનંદ અનુભવતા નારદજી કૃષ્ણ પાસે પહોંચ્યા. એ સમજી ગયા કે ભગવન્
એમને પાઠ ભણાવવા માગતા હતા.