ગોંડલની ભુવનેશ્વરી પીઠના સ્થાપક આચાર્ય ચરણતીર્થ મહારાજનું પૂર્વાશ્રમનું નામ જીવરામ શાસ્ત્રી હતું. તેમનો જન્મ જામનગરન મેવાસા ગામે થયો હતો. અનેક મુશ્કેલીઓ પાર કરીને માત્ર સોળ વર્ષની વયે ‘શાસ્ત્રી’ની પદવી લીધી. આયુર્વેદ ક્ષેત્રે કંઈક કરી બતાવવાની અદમ્ય ઈચ્છા થઈ. ત્યાં જ ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ એમને ગોંડલ રાજ્યના ‘રાજવૈદ્ય’ તરીકે નિમણૂક કરી. એમણી સ્થાપેલી ‘રસશાળા ઔષધશ્રમ’ ની મુલાકાત ગાંધીજીએ પણ લીધી હતી. તેમને માનપત્ર અર્પણ કરતા જીવરામભાઈએ ગાંધીજી માટે સૌ પ્રથમ વખત ‘મહાત્મા’ શબ્દ પ્રયોજ્યો હતો. રાજવૈદ્ય તરીકે તેમની ખ્યાતિ દૂર દૂર ફેલાઈ હતી. જોધપુર, ઈન્દોર, જયપુર, મૈસુર, વગેરે રાજ્યના રાજવીઓ પણ તેમની આયુર્વેદની નિપુણતાનો લાભ લેતા. રાજવૈદ્ય હોવા છતાં આર્થિક રીતે નબળા વર્ગના અસંખ્ય દર્દીઓની વિના મુલ્યે દવા સારવાર આપતા. તત્વજ્ઞાન, જ્યોતિષ, કર્મકાંડ, પુરાણ, વ્યાકરણ વગેરે વિવિધ વિષયો ઉપર તેમણે લગભગ ૨૦૦થી વધુ ગ્રંથો પ્રસિદ્ય કર્યાં છે. એમણે ૬૦૦૦ જેટલી હસ્તપ્રતો પણ એકત્ર કરી હતી. તેમની વિદ્વતાની કદરરૂપે વિશ્વની અનેક સંસ્થાઓએ એમને માનાર્હ પદવીઓ અર્પણ કરી હતી. ભુવનેશ્વરી પ્રતિષ્ઠા મહોત્સવમાં રાજા-મહારાજાઓ સહિત અસંખ્ય લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ૨-૯-૧૯૭૮ ના રોજ તેમનો દેહવિલય થયો.