-
આઝાદીના જંગનો સમગ્ર ઈતિહાસ કેમેરામાં કંડારનાર મહાન તસવીરકાર જગન મહેતાનો જન્મ ૧૧-૫-૧૯૦૯ના રોજ વિરમગામમાં થયો હતો. કેમેરાનો ઉપયોગ કરતા શીખ્યા ત્યારે તેમણે પ્રથમ તસવીર નાનકડા બોક્સ કેમેરાથી રાષ્ટ્રપિતા ગાંધીજીની જ પાડી હતી. બિહારની ગાંધીજીની પ્રવૃત્તિઓ તેમણે પોતાના કેમેરામાં કંડારી લીધી. પૃથ્વીરાજ કપૂરના ત્રણ વિખ્યાત નાટકોના કેટલાંક દ્રશ્યો તેમણે પોતાના કેમેરામાં કેદ કરી લીધા હતા. જ્યારે શરીર સ્વસ્થ હતું ત્યારે તેમને પ્રવાસનો કોઈ કંટાળો નહોતો. પંચમહાલથી માંડીને ડાંગ જિલ્લા સુધી આદિવાસીઓની આખી પટ્ટીમાં ખૂબ રખડપટ્ટી કરી હતી અને અર્ધનગ્ન આદિવાસીઓની કારમી ગરીબી પણ તેમણે પોતાની તસવીરોમાં ઝીલી લીધી હતી. ભારતવર્ષના ભવ્ય મંદિરો, તીર્થસ્થાનો, ગુફાઓમાં જળવાઈ રહેલા શિલ્પ સ્થાપત્યની ફોટોગ્રાફી લઈને વારસાના જતનમાં પણ તેમણે અનેરું યોગદાન આપ્યું છે. ત્યારપછી જગનભાઈની તસવીરોનાં અનેક પ્રદેર્શનો દેશ-વિદેશમાં યોજાયા. મુંબઈ ખાતેના ‘પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ’માં ફોટોગ્રાફી વિભાગના વડા તરીકે કામ કર્યું હતું. ૯૪ વર્ષની ઉંમરે અમદાવાદના વિશ્વવિખ્યાત ફોટોગ્રાફર શ્રી જગન મહેતાનો દેહ વિલય થયો. ફોટોગ્રાફરો આવશે અને જશે પણ બીજા જગન મહેતા ગુજરાતમાં નહીં પાકે.
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com