
-
ભારત સરકાર વાઘના સંરક્ષણની ચિંતા કરે છે પણ ગુજરાતના સિંહની ઉપેક્ષા કેમ ?
-
ગુજરાત વાઇલ્ડ લાઇફ એડવાઇઝરી બોર્ડમાં ઠરાવ પસાર કરાયો
મુખ્યમંત્રી શ્ર નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને ગુજરાત વન્યપ્રાણી સલાહકાર બોર્ડની બેઠકમાં સિંહ સંરક્ષણની ખાસ કાર્ય યોજના માટે કેન્દ્ર સરકારે મહત્તમ નાણાંકીય જોગવાઇ કરે તેવો આગ્રહપૂર્વક અનુરોધ કરતો ઠરાવ કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં એકમાત્ર એશિયન ગીર સિંહોની વન્ય પ્રાણીસૃષ્ટિની અલભ્ય સંપદા છે અને આ સિંહ ભારતની ગૌરવશાળી અનામત છે તેને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકારે જે રીતે વાઘના રક્ષણ માટે ખાસ બજેટ ફાળવ્યું છે પરંતુ સિંહના સંરક્ષણની ઉપેક્ષા થઈ રહી છે. ગુજરાતની આ લાગણીનો પ્રતિસાદ આપવા વડાપ્રધાનશ્રી સમક્ષ વન્ય પ્રાણી સલાહકાર બોર્ડના તમામ વન્ય પ્રાણી તજજ્ઞોએ વ્યક્તિગમ રજૂઆત કરવાનો નિર્ણય લઇને મુખ્યમંત્રીશ્રીના મંતવ્યને સમર્થન આપ્યું હતું.
ભારત સરકારના આયોજન પંચે પણ વાઘના સંરક્ષની જેમ સિંહના રક્ષણ માટે ખાસ બજેટ ફાળવવાની શ્રી નરેન્દ્ર મોદીની રજૂઆતને સંપૂર્ણ વ્યાજબી અને આવકાર્ય ગણાવી હતી પરંતુ હજુ સુધી આ સંદર્ભમાં, કેન્દ્ર સરકારે સિંહ-રક્ષણ અંગેના બજેટ વિશે કોઈ જોગવાઇ કરી નથી તે ધ્યાનમાં લઇને બોર્ડની બેઠકમાં મુખ્યમંત્રીશ્રીએ કરેલા સૂચનનો અત્યંત ગંભીરતાથી પ્રતિસાદ વન્ય પ્રાણીવિદોએ આપ્યો હતો.
ગુજરાત વન્ય પ્રાણીસૃષ્ટિની વૈભવશાળી સંપદાની વિરાસત ધરાવે છે તેની ભૂમિકા આપી મુખ્યમંત્રીશ્રીએ આ વન્ય પ્રાણીઓના સંરક્ષણમાં જનભાગીદારીને નિર્ણાયક બનાવવા અને ગુજરાતના જીવદયાના સંસ્કારને ઉજાગર કરવા પર્યુષણ-પર્વના સપ્તાહની સાથે વન્ય પ્રાણી કલ્યાણ કલ્યાણ સપ્તાહ (વાઇલ્ડ લાઇફ વેલ્ફેર વીક)ની ઉજવણી જોડવાનું પ્રેરણાદાયી સૂચન કર્યું હતું તેને પણ સર્વાનુમતે બોર્ડના સભ્યોએ આવકાર આપ્યો હતો. રાજ્યની વન્ય પ્રાણી સૃષ્ટિની વૈશ્વિક ઓળખ ઉભી કરવા માટે શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત વાઇલ્ડ લાઇફ ઇન્ટરનેટ સોસાયટી રચવા તેમજ અભ્યારણ્યો તથા વન્ય સૃષ્ટિના પર્યટનો માટે આવતા વિવિધ નાગરિક સમુદાયોને પ્રશિક્ષિત કરવાનો પ્રબંધ ગોઠવવા પણ સૂચવ્યું હતું.
ગુજરાતમાં વન અને પર્યાવરણ વિભાગે અભ્યારણ્યો તથા વન્ય પ્રાણી સૃષ્ટિના રક્ષણ અને જાળવણી માટે જે યોજનાઓ અમલમાં મૂકી છે તેમાં જનભાગીદારીનું ફલક વિસ્તૃત બનાવવા, વલ્ચર (ગીધ) કન્ઝરવેશન એકશન પ્લાન, કચ્છ બાયોસ્ફિયર રિઝર્વ, ગીરનાર વાઇલ્ડ લાઇફ સંવર્ધન, ઇકોટુરિઝમ, બૃહદ્ ગીર અભ્યારણ્યમાં સિંહોના ઉછેરની નવી વસાહતો તથા સિંહોના રક્ષણ માટે ગુજરાત સરકારના રૂ. ૫૦ કરોડના પેકેજની પ્રગતિ અંગે પણ વિગતવાર ચર્ચા થઈ હતી.