મહિલાઓના રાહબર લીલાબહેન પટેલનો જન્મ ૩-૨-૧૯૧૪ના રોજ વડોદરામાં થયો હતો. વિધાર્થીકાળથી જ તેજસ્વી કારકિર્દી ધરાવતા તેમણે ડીપ્લોમાં ઈન બેઝિક એજ્યુકેશન અને મોન્ટેસરી જેવી શિક્ષણોપયોગી પદવીઓ પ્રાપ્ત કરી. સ્ત્રી સામયિકમાં તેમજ સામાજિક સંસ્થા ‘સ્ત્રી નિકેતન’ માં દીર્ધકાલીન સેવાઓ આપી, ઉપરાંત ગુજરાત રાજ્ય નશાબંધી સમિતિ, જેલ સુધારણા સમિતિ, બાલ ઉત્કર્ષ સમિતિ, રેડક્રોસ સોસાયટી જેવી રાજ્યની અનેકવિધ સંસ્થાઓમાં મહત્વના હોદ્દા પર રહી પોતાની સેવાઓનો લાભ આપ્યો છે. ‘સંદેશ’માં જીવનના અંતરંગ કોલમ દ્રારા સ્ત્રીઓના શોષણ અને કુરિવાજો સામે સમાજમાં જાગૃતિ ફેલાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે. એટલું જ નહીં, કાનૂની સલાહ માટે ખાસ તંત્ર પણ ઊભુ કર્યું હતું. કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે એ માટે બોર્ડની પરીક્ષામાં પ્રથમ આવનાર વિધાર્થિનીને સ્ત્રી નિકેતન દ્વારા સુવર્ણચંદ્રક એનાયત કરતાં હતાં સંદેશના મોભી સ્વ. ચીમનભાઈ પટેલને એક આદર્શ ધર્મપત્ની તરીકે ‘સંઘર્ષના સાથી’ તરીકેની જે ભૂમિકા લીલાબહેને બજાવી તે તેમના આદર્શ દંપતીના પ્રેમભર્યા સહકારની સાક્ષી પૂરી પાડે છે. સામાજિક મહિલા કાર્યકરોની એક આખી પેઢી તૈયાર કરનાર લીલાબહેન ઈ.૨૦૦૪માં ‘સંદેશ’ પરિવારને અનાથ બનાવી ચિરનિદ્રામાં પોઢી ગયા.