પરિચય :
લવિંગને આપણે સહુ સારી પેઠે જાણીએ છીએ. દરેક ઘરમાં એ લગભગ હોય જ છે. વર્ષોથી એનો ઉપયોગ આપણા ઘરોમાં થતો આવ્યો છે, કેવળ શહેરોમાં જ નહિ, નાનાં નાનાં ગામડાંમાં પણ એનો ઉપયોગ થાય છે. ખાસ કરીને સુગંધ લાવવા અને પાન-મસાલામાં એ વિશેષ વપરાય છે. તે ઉપરાંત મુખવાસ માટે પણ તેનો ઘણો ઉપયોગ થાય છે. ઔષધરૂપે પણ તે વપરાય છે. લવિંગ બે જાતનાં મળે છે: કાળાશ પડતાં અને તપખીરી રંગનાં. કાળાશ પડતાં લવંગ વધુ સારાં ગણાય છે.
આજકાલ લવિંગમાંથી યંત્રો દ્વારા કેટલાક પ્રમાણમાં તેનું તેલ કાઢી લેવામાં આવે છે. તેથી કાળાશ પડતાં લવિંગ લેવાં.
ગુણધર્મ :
લવિંગ તીખાં, કડવાં, લઘુ, રુચિકારક, તીક્ષ્ણ, પાક કાળે મધુર, ઉષ્ણ, પાચક, અગ્નિદીપક, સ્નિગ્ધ, હ્રદ્ય અને ચક્ષુષ્ય છે. વાંતિ, તે કફનાશક અને આમનાશક છે.
ઉપયોગ :
(૧) શરદી ઉપર : લવિંગનો કાઢો પીવો.
(૨) મૂર્છા ઉપર : લવિંગનો ઘસારો આંખમાં આંજવો.
(૩) રતાંધળાપણું (રાતે ઓછું દેખાવું) : લવિંગ સ્વમૂત્રમાં ઘસીને આંખમાં આંજવું.
(૪) દાંતનો દુખાવો : રૂ પર લવિંગનું તેલ લઇ પેઢાં પર મૂકવું.
(૫) અગ્નિમાંદ્ય, અજીર્ણ અને કોલેરા પર : લવિંગનો કાઢો કરી દિવસમાં બે વખત પીવો.
(૬) ઠાલી ખાંસી : લવિંગ ચાવી તેનો રસ ગળવો.
(૭) સોજા ઉપર : લવિંગ વાટી તેનો લેપ લગાડવો.
(૮) સગર્ભા સ્ત્રીને આવતા હેળ ઉપર : થોડાં લવિંગ ગરમ પાણીમાં પલાળી રાખવાં. અવારનવાર તે પાણી થોડું થોડું પીવું.
(૯) માથાનો દુખાવો : લવંગનું તેલ કપાળ પર ઘસવું અથવા લવિંગ પાણીમાં વાટી કપાળ પર તેનો લેપ કરવો.