વાસ્તુશાસ્ત્રમાં જમીન–પસંદગી
વાસ્તુશાસ્ત્રમાં આગળ વધતા પહેલા સૌપ્રથમ વાત જગ્યા પસંદગીની આવે છે, જગ્યા પસંદગી માટે એ જોઈ લેવું જરૂરી છે કે, જ્યાં આપણે નિર્માણ કરવા જઈ રહ્યાં છીએ એ જગા કોઈ દેવસ્થાનના દબાણમાં તો નથી ને ! વળી કોઈ મંદિરની ધજાનો પડછાયો પડતો હોય તે જગ્યામાં ન રહેવાનું શાસ્ત્રોનું સુચન છે. આ ઉપરાંત જે જગ્યાએ સ્મશાન કે કબ્રસ્તાન હોય ત્યાં કોઈ નિર્માણ કરવાનો નિષેધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જે જગ્યામાં અગાઉ કોઈ મોટી હોનારત બની હોય તે જગ્યાનો ત્યાગ કરવો, વળી જે જગ્યાએ અતિશય કાંટાળુ જમીન હોય, પોલી જમીન હોય કે ખૂબ જ જીવજંતુના રહેઠાણ હોય તેવી જગ્યાનો પણ ત્યાગ કરવાનો શાસ્ત્રમાં આદેશ છે.
હવે આપણે જમીન પસંદગીની વાતમાં થોડા આગળ વધીએ. શાસ્ત્રકારોના કહેવા મુજબ જે જમીન પર પહેલા આસોપાલવ, દ્રાક્ષ, તળાવ, કમળ, એરંડો, ચંપો, લીંબુ, નાગરવેલ, શતાવરી, આંબો, આંબળા વગેરેના વૃક્ષો થતા હોય તો તેવી જમીન સારી જાણવી તથા આવી જમીન ત્યાં રહેનારને ધન – સંપત્તિ અને પ્રતિષ્ઠા અપાવનાર બને છે. પરંતુ જો અગાઉ જમીન પર નાળીયેર, પીપળો કે વડનું વૃક્ષ હોય તો તે તકલીફદાયી બને છે. માટે આવી જમીન પર મકાન ન બાંધવું જોઈએ. જે જગ્યાએ કેળ ઉગેલી હોય તેના પર કદાપી મકાન ન બાંધવું જોઈએ.
આ ઉપરાંત મકાન બાંધ્યા પછી પણ ઘર સામે કે ફળિયામાં ક્યા પ્રકારના વૃક્ષો વાવવા જોઈએ તેની ચર્ચા આપણે કરીશું. હવે, જમીન વિશે આટલી વાત સમજ્યા બાદ જમીનનું પરિક્ષણ કેમ કરવું તે વાત આપણે સમજીએ સૌ પ્રથમ પરિક્ષણ તો આપણું હ્રદય જ કરશે. જે જગ્યાએ ઊભા રી મનમાં શાંતિ થાય તથા હકારાત્મકતા જન્મે તે જગ્યાને અવશ્ય સારી જાણવી. જે જગ્યાએ ઊભા રહેવાથી મનમાં ઉદ્વેગ થાય તથા નકારાત્મકતા જન્મે તે જમીનનો ત્યાગ કરવો. આ ઉપરાંત આપણે જમીનની માટીના રંગ તથા ગુણધર્મ પ્રમાણે નિર્ણય કરી શકીએ.
જમીન પરિક્ષણમાં મહત્વની વાત એ છે કે જમીન ફળદ્રુપ હોવી જોઈએ. આ ઉપરાંત જમીનનો રંગ સફેદ, પીળો, કે રતાશ પડતો હોય તો તે જમીનને સારી ગણવી, વધુ પડતી કથ્થાઈ જમીનને મધ્યમ ગણવી તથા કાળાશ પડતી જમીનને નેષ્ઠ ગણવી. જે જમીન ખરીદવી હોય તેના મધ્યભાગમાં એક ખાડો કરવો તથા જે ધુળ નીકળી હોય તેનાથી ફરી તેને બુરવા પ્રયત્ન કરવો.
જો ખાડો બુરતા થોડી ધુળ કે માટી વધે તો તે જમીન સારી ગણવી. માટી વધે નહિ પરંતુ ખાડો બુરાઈ જાય તો જમીન મધ્યમ ગણવી તથા ખોડો બુરવામાં માટી ઘટે તો જમીનને નેષ્ટ સમજવી. જમીન પસંદગી માટે એક અન્ય પ્રયોગ પણ કરી શકાય. જમીનના મધ્યભાગમાં એક ખાડો કરવો. તથા તેને પાણીથી ભરી દેવો. જો આ પાણી શોષાતા એકાદથી કલાક વધુ સમય લાગે તો જમીન સારી ગણવી તથા જો આ પાણી ઝડપથી શોષાય જાય તો તેને કોઈપણ ચણતરકામ માટે શ્રેષ્ઠ ન ગણી શકાય.
વધુ પડતા ઉંચાણ કે નીચાણવાળી જમીન પણ ન ખરીદવી જોઈએ. વળી જે જમીનની ઉત્તર કે પૂર્વ તરફ પુલ હોય તેવી જમીન પણ ન ખરીદી શકાય. પશ્ચિમ તરફ ઢાળ ધરાવતી જમીન સારી ન ગણાય. ઉત્તર કે પૂર્વ તરફ ઢાળ ધરાવતી જમીન ખરીદી શકાય છે.
જમીન ખરીદ્યા બાદ કોઈપણ ચણતર કરતા પહેલા હવન કરી શકાય તો જમીન પવિત્ર બની જાય છે. સામાન્ય રીતે ચોરસ કે લંબચોરસ પ્લોટ જ પસંદ કરવો જોઈએ. આ પ્રકારના પ્લોટ સમૃદ્ધિદાયક હોય છે. આમ છતાં ગૌમુખી જમીન પણ પવિત્ર ગણાય છે. અને ત્યાં રહેનારને સુખ શાંતિ આપનાર છે. વ્યાઘ્રમુખી જમીનને રહેણાંક માટેશુભ ગણવામાં નથી આવતી.
જમીનને ખોદતા તેમાંથી શંખ, છીપ, મોતી, પથ્થર, શાલિગ્રામ વગેરે પ્રાપ્ત થાય તો આવી જમીનને શુભ ગણવી તથા જો જમીનમાંથી કાચળી, મૃતપ્રાણી, હાડકા, પોલાણ વગેરે નીકળે તો આવી જમીનને અશુભ ગણવી જોઈએ.
આકાર પ્રમાણે જોઈએ તો ચોરસ, લંબચોરસ કે ગૌમુખ જમીનને શ્રેષ્ઠ ગણાય છે.
વિષમ ખૂણા ધરાવતી, અંડાકાર, ત્રિકોણ, પંખાકાર કે ‘એલ‘ આકાર ધરાવતી જમીન અશુભ ગણાય છે. જો કે સંપૂર્ણ ચોરસ, લંબચોરસ, વર્તુળ, ચતુષ્કોણ કે ષટકોણ હોય તેવી જમીન ખરીદવા લાયક ગણાય છે. તથા આ પ્રકારની જમીન શુભફળદાયી હોય છે. જમીનની વાત પૂર્ણ કરતા પહેલા છેલ્લે એક વાત કહી દઉં કે ખૂબ સૂક્ષ્મરીતે તપાસ કરવા માટે જમીનની સુગંધ પારખવી પડે. એકદમ શાંત વાતાવરણ હોય તથા મંદ મંદ પવન વાતો હોય ત્યારે જમીનમાં મધ્યમાં પલાંઠીવાળી બેસી જવું તથા જમીનને સ્પર્શ કરી તેની ખૂશ્બુ લેવા પ્રયત્ન કરવો. જો દિલને જચે તેવી ગંધ પ્રાપ્ત થાય તો અવશ્ય જમીનને સારી ગણવી.