પરિચય :
ગુજરાત તથા ભારતમાં ચોમાસા પછી જંગલ, ખેતર, મેદાનો કે ખંડેરમાં આપમેળે થતો, એક વર્ષાયુ છોડ ‘કુંવાડિયો‘ (ચક્રમર્દ, ચકવડ/પવાડ) ૨ થી ૫ ફુટ ઊંચો, અલ્પ કડવી ગંધવાળો હોય છે. તેમાં પાન સંયુક્ત, ૫ પ્રદંડ બે ગાંઠવાળા, પાન ૩-૩ની જોડમાં, ઉપરથી ગોળાકાર, ચીકણાં, ચમકતા પોપટી કે લીલારંગના, મેથીના પાન જેવા થાય છે. તેની પર પીળા રંગના ફૂલ આવે છે અને શિયાળામાં છ ઈંચ લાંબી, ચોખંડી, જરા વળેલી, પાતળી અને અણીદાર શીંગો થાય છે. તે શીંગમાં મેથીના દાણા જેવડા, વેલણ જેવા ૨૦-૩૦ બીજ હોય છે. પાન, તેની છાલ અને બીજ દવામાં વપરાય છે.
ગુણધર્મો :
કુંવાડિયાનો સ્વાદ કડવો, ખારો – મીઠો ; ગુણમાં હળવો, ઠંડો, લૂખો, દેહકાંતિ તથા કોમળતા વધારનાર અને ચળ, ખસ, ખરજવું, કોઢ, શીળસ જેવા ત્વચાનાં દર્દો; વાયુ, પિત્ત-કફ, દમ, ખાંસી, વિષ, સોજો, ગોળો, કૃમિ, શ્વાસ, વાતરક્ત (ગાઉટ) જેવા દર્દો મટાડે છે. કુંવાડિયાનાં બીજ ગરમ, તીખા, લૂખા, ઉષ્ણવીર્ય, સંકોચક, વાયુની સવળી ગતિકર્તા, કફ દોષ બહાર કાઢનાર, પાચક અને ભૂખવર્ધક, બળ દેનાર, અને ત્વચાનાં દર્દો, મેદસ્વિતા, કૃમિ, વિષ, લકવા, અડદિયો વા, વાયુનાં દર્દો, કબજિયાત, ગોળો, હરસ, લોહી વિકાર, ખાંસી, શ્વાસ તથા હ્રદયરોગ મટાડે છે. કુંવાડિયો ચામડીના તમામ દર્દોમાં ઉત્તમ લાભ કરે છે.?
ઔષધિ પ્રયોગ :
(૧)
ખસ-ખરજવું, દાદર, ચળ : કુંવાડિયાના બીજ ૧૦ ગ્રામ, કપીલા ૧૦ ગ્રામ અને ગંધક ૨૦ ગ્રામનું ચૂર્ણ કરી, તેને લીંબુના રસનો પુટ આપી, તેમાં વેસેલીન મેળવી, મલમ બનાવી વાપરવો.
(૨)
ચરબી-ફેટવાળો ડહોળો પેશાબ : કુંવાડિયાના મૂળનો ઉકાળો કરી, બે વાર પીવો.
(૩)
બદ ગાંઠ ફોડવા : પાનની લુગદી ગરમ કરી, ગાંઠ પર પોટીસ મૂકવી.
(૪)
શીળસ : કુંવાડિયાના બીજ કે મૂળનું ચૂર્ણ ઘીમાં ચાટવું.
(૫)
આખા શરીરે સોજા : કુંવાડિયાના પાનનો ઉકાળો કરી, સવાર-સાંજ પીવો તથા તેનાં પાનની ભાજી બનાવી ખાવી.
(૬)
લોહી વિકાર : કુંવાડિયાનાં બી શેકીને તેનો પાઉડર (કૉફી રૂપે) ઉકાળો કરી રોજ બે વાર પીવો, ખૂબ લાભપ્રદ છે.
(૭)
દાદર-ખરજવું : કુંવાડિયાનાં બી, બાવચીનાં બી, ગંધક, સિંદૂર અને ફૂલાવેલ ટંકણખારનું બારીક ચૂર્ણ કરી, તેમાં લીંબોળીનું અથવા સરસિયું તેલ મેળવી, મલમ બનાવી વાપરવો. ખરજવા પર કુંવાડિયાનાં મૂળ પાણી કે ગોમૂત્રમાં ઘસીને લગાવવું.
(૮)
ગરમીનો તાવ : કુંવાડિયાના મૂળનું ચૂર્ણ ૨ થી ૫ ગ્રામ જેટલું દિનમાં ૩ વાર ઠંડા પાણી સાથે લેવાથી, ગરમી (પિત્ત) નો તાવ, હાથ પગનાં તળિયાં ગરમ રહેવા, ઠંડીમાં શરીરમાં ગરમી જણાવી અને આંખોની બળતરા મટે છે.
(૯)
કૃમિ-શ્વાસ, કફ : કુંવાડિયાના પાનની ભાજી બનાવીને રોજ ખાવી.
(૧૦)
બાળકોને દાંતની પીડા : કુંવાડિયાનાં પાનની ચા (ઉકાળો) બનાવી, મધ કે ગોળ ઉમેરી પાવી.