
એક વાર ગાંધીજીને મેં પ્રશ્ન પૂછ્યો : "આપ અમ સહસાધકોના સાથી જ નહિ, માર્ગદર્શક પણ છો. અમારા દોષ આપ સહન કેમ કરો છો ? અમને તે બતાવતા કેમ નથી ?"
ત્યારે એમણે કહ્યું કે, "હું એક કુશળ માળી છું. માળી શું કરે છે ? એ એક છોડ વાવે એટલે એને ખાતરપાણી મળે છે. છોડની ર્દષ્ટિએ ઘાસ અનિષ્ટ છે. છતાંય માળી એને તરત ઉખેડી નથી નાખતો. એને ખબર હોય છે કે, ઘાસ ઉખેડવા જઈશ તો પેલો છોડ પણ કદાચ ઉખડી જશે. તેથી એ ધીરજ રાખે છે. પછી કાળાંતરે જ્યારે એને ખાતરી થાય છે કે હવે છોડનાં મજબૂત થયાં છે, ત્યારે જ એ કુશળતાપૂર્વક પેલું ઘાસ ઉખેડી નાખે છે."
ગાંધીજીની આ વાત સાંભળીને તે જ ક્ષણથી હું પોતાના આચારવિચારમાં ગાંધીજીને ન ગમતા ક્યા ક્યા દોષો છે તે શોધવાના પ્રયત્નો કરવા લાગ્યો. દોષો શોધવા અધરા ન હતા. પરંતુ નજરે ચડેલા દોષોને ફેંકી દેવા એ કેટલું અઘરું છે, એની તે દિવસથી મને ખબર પડવા લાગી.
ગાંધી-ગંગામાંથી સાભાર...