એક કણબણ બાળકુંવારી, ધોળા વસ્તર પેરે બાઈ.
કાનજી મા’રાજે હઠ લીધી, ઈ’કણબણ્ય પરણાવો ભાઈ.
તમારે કા’ના, સોળસેં ગોપી, કણબણને શું કરશો ભાઈ ?
સોળસેં ગોપી પાણી ભરશ્યે, કણબણ્યની ઘરની રાણી બાઈ.
અઢી ગજનું કાપડું શીવડાવ્યું, સાત હાથનો ઘાઘરો રે બાઈ.
તોય ચડાવો જોશે બાઈ, પેટી પડખા જોશે બાઈ.
સોળ હનથની સાડી પે’રાવી, તાણી તૂસી પૂગી બાઈ.
ડાબી કોર્યનો કરો પડાવ્યો, કણબણ્ય ઘરમાં લાવ્યા બાઈ.
હરાફરાની ઘેંશ ભરડી, છો ગોળીની છાશ્યું બાઈ.
સોળસેં ગોપી જમવા બેઠી, સનમનિયા કરી ઊઠી બાઈ.
કણબેણ્ય રાણી જમવા બેઠાં, આહરડીને ઊઠયાં બાઈ.
સવા મણનું દાતરડું, ને અઢી મણનો હાથો બાઈ.
કણબણ્ય રાણી કડબ વાઢે, વીઘે પૂળો વાળે બાઈ.
ભારબંધો ભારો બાંધ્યો, એક હાથે ચડાવ્યો બાઈ.
ઘેર આવીને હેઠે નાખ્યો બાર ગોધા ધરાણા બાઈ.
કોળીમાં કાતળિયું લાવી, ગામનાં છોકરાં સમજાવ્યાં બાઈ.
પેટીમાં પાંચીકા લાવી, ગામનો ગઢ ચણાવ્યો બાઈ.