
માથે મટુકી ને મઈડાની ગોળી
મઈડાં વેચે છે ચંદ્રવળ રે,
વેચંતા સાંટતાં પોળમાં પેઠાં,
કા’નુડો સામો ઘેરાઈ રીઓ રે.
મે’લો મે’લો બાળા કા’ન, છેડો અમારો,
અમ ઘેર સાસરોજી રી’સાળવા રે.
તમારા સાસરાને બીજી વઉ રે લવરાવું.
તમ પે લાજ ને ઘુંઘટ સામટાં રે.
મેલો મેલો બાળા કાન, છેડો અમારો,
અમ ઘેર સાસુજી રીસાળવાં રે.
તમારી સાસુને બીજી વવારું લવરાવું,
તમ પે કામે ને કાજે સાબદાં રે.
મેલો મેલો બાળા કાન, છેડો અમારો,
અમ ઘેર છોરુડાં રીસાવળાં રે.
તમારા છોરડુંને બીજી માતા લવરાવું,
તમ પે દહીં ને દૂધે આગળાં રે.
મેલો મેલો બાળા કાન, છેડો અમારો,
અમ ,ઘેર પરણ્યોજી રીસાળવા રે.
તમારા પરણ્યાજીને બીજી રે લવરાવું,
તમ પે રુડાં ને રંગે ઊજળાં રે.
ચીર ફાડીને ચંદ્રાવળ નાઠી.
કાનુડો રીઓ આંખ્યું ચોળતો રે.
તૂટી ફૂટી ખાટ લૈને ઘોડારમાં સૂતો,
માવડી મનાવાને આવિયા રે.
કાં રે કા’ના,તારા માથડાં દુખ્યા ?
શેણે આવ્યો તમને તાવ વી રે ?
બાઈ રે પડોશણ બાઈ મારી બેની,
દવા ચીંધાડય બાળા કા’નને રે.
આંક ધતૂરો ને એ ળિયાની ગોળી,
ઈ રે વાટીને કા’નને પાઈ દે’જો રે.
નથી રે માડી મારાં માથડાં દુખ્યાં,
નથી રે આવ્યો મને તાવ જી રે.
ગોકુળિયા તે ગામમાં ચંદ્રાવળ નારી,
મારે? ઈ’ ચંદ્રાવળને વરવું જી રે.
કડય પરમાણે કા’ન ઘાઘરો પેર્ય,
ઊપર્ય ઓઢણી શોધંતી જી રે.
ડીલ પરમાણે કાન કાપડું પેર્ય,
ઊપર્ય કબજો શોભતો જી રે.
હાથ પરમાણે કાન ચૂડલો પેર્ય,
ઊપર્ય ગુજરી શોંભતી જી રે,
નાક પરમાણે કાન નથડી પેર્ય,
ઊપર્ય ટીલડી શોંભતી જી રે.
પગ પરમાણે કાન કડલાં પેર્ય,
હેડળ્ય કાંબિયું શોભંતી જી રે.
અસત્રીનો વેહ લઈ ને કાનુડો હાલ્યો
વાટમાં પાણિયારીને પૂછિયું રે.
“ બાઈ રે પણિયારી, તું મારી બેની,
કયાં રે ચંદ્રવળનાં ખોરડા; રે”
“ ઉગમણા ઓરડા, ને આથમણી ડેલી,
ઘુઘરિવાળા ઝાંપા ખડખડે રે.”
સાસુ ને વઊ બેઈ સિંધાસણ્ય બેઠી,
“વઉ રે વઉ, તમારી બે’ની આવ્યાં રે.”
નથ્ય મારે કાકાની, નથ્ય મારા દાદાની,
નથ્ય મારે માની જણી બેનડી રે.
તમે બે’ની તમારે સાસરિયે હતાં,
તી’કેડે બેન અમે જલમિયા રે.
મારા કટમ્બમાં બેની કોઈ નથી કાળું,
લવીંગ સરીખાં તમે શામળાં રે.
તમ વેળ્યે માયે ફૂલડાં સેવ્યાં,
ફૂલ સરીખાં તમે ઊજળાં રે.
અમ વેળ્યે માએ લવીંગ સેવ્યાં,
લવીંગ સરીખા; અમે શામળા રે.
ત્રાંબાળુ લોટા ને નવ ગજ મોટા,
ઉઠો બે’ની મોરી, દાતણ કરો રે.
દાતણ કરો ને ચીર્યું ઉડાડે,
આરે સરગટ જાણે પુરુષની રે.
ત્રાંબાળુ કૂંડી નવ ગજ ઊંડી,
જાવ રે બેની મોરી નાવણ કરો રે.
નાવણ કરે ને બધે નીર ઉડાડે,
સૂરજ સામી સેવા કરે રે.
લ્યો રે બે’ની મોરાં, ભોજન જમો રે.
પેલા; ભોજન તમારી સાસુ ને સાસરો,
આપણા બેઈ બેન્યું હાર્યે ખાશું રે.
પાન સોપારી ને પાનનાં બીડાં,
લ્યો રે બે’ની મોરાં, મુખવાસ કરો રે.
પેલાં મુખવાસ તમારાં જેઠ – જેઠાણી,
આપડે બેઈ બેન્યું હાર્યે લેશું રે.
સામે ઓરડીએ ઢાળેલ ઢોલિયા,
જાવ રે બેની મોરાં પલઢણ કરો રે.
પેલી પઢણ તમારા સામીને આપો,
આપણ બેય બેન્યું હાર્યે સુશું રે.
બાર બાર મૈંનાની રાત્યું રે કરિયું,
કૂકડો બોલે તો મારી નાખું રે.
લીધી કટારાને ભાંગી રે સોપારી,
લ્યોને ગોરાંદે મુખવાસ કરો રે.
ગાયુ – વાછરું કરે રે હીંહોરા,
કાને ચંદ્રાવળને છેતરી રે.
સૂરજ ઊગે તો સોને મઢાવું,
કૂકડો બોલે તો પાળું પાંજરે રે.
પોપટ બોલે તો ચાંચુડી કાપું,
મારે રે ચંદ્રાવળને વરવું રે.
કાનો ને ચંદ્રાવળ ચાળી નીસરીઆં,
આવીને ઓરડે ઊભાં રિયાં રે.
માતા તે મોરાં ઓ માવડી રે મોરાં,
કિયા તે અમારલાં ઓરડાં રે.
ઉગમણે ઓરડાં ઉઘાડા રે’શે,
ન્યાં રે કાના બેઈના બેહણાં રે.
સંઘીએ સૈયરું મળવા રે આવી,
આવીને આંગણે ઊભી રિયું રે.
કાનની માતાજી મળવા રે આવ્યાં,
મળીને લીધેલાં કાનનાં મીઠડા રે.
ચંદ્રાવળના મનમાં કરોધ રે ચડિયો,
પગે લાગંતા ઈ નો લાગી રે.
ભાઈ શે કાનજી, તું મારો દીકરો.
આપણે ચંદ્રાવળ નો જોઈએ રે.
કો’ તો માતાજી, નોખાં રે રે’શું,
અમથા તમારે ઘેર આવશું રે.