
આત્મકથા વિશે એક દિવસ ચર્ચા નીકળતાં મેં કહ્યું, ‘બાપુજી આત્મકથામાં આપે બહુ કંજૂસાઈ કરી છે. કેટલીયે સારી સારી વાતો છોડી દીધી છે. આપે આત્મકથા જ્યાં પૂરી કરી છે ત્યાંથી આગળની વાતો આપ ભાગ્યે જ લખશો. પણ ફક્ત છોડી દીધેલી બાબતો લખો તોય આત્મકથા જેવડો જ એક મોટો ગ્રંથ તૈયાર થાય.‘ બાપુ કહેવા લાગ્યા, ‘બધી વાતો મારે પોતે લખવી એવું થોડું છે ! તમે જાણતા હો તે તમે લખો.‘ મેં કહ્યું, ‘કોઈ કોઈ જગ્યાએ તો એમ લાગે છે કે આપે જાણી જોઈને કેટલીક વાતો છોડી દીધી છે. આપની વિરુદ્ધની વાતો આપે જાણે ચાહીને લખી છે પણ બીજાઓની બાબતમાં એમ નથી કર્યું. દાખલા તરીકે દક્ષિણ આફ્રિકામાં આપને ત્યાં રહેતો એક મિત્ર આપની ગેરહાજરીમાં ઘરમાં વેશ્યાને લાવેલો તેનું વર્ણન આપે બરાબર કર્યું છે, પણ એમ નથી કહ્યું કે આ માણસ પેલો જ મુસલમાન મિત્ર હતો જેણે હાઈસ્કૂલના દિવસોમાં આપને માંસ ખાવામાં ખેંચ્યા હતા અને જે માટે આપે ઘરમાં ચોરી કરી હતી.‘
બાપુ બોલ્યા, તમારી વાત સાચી છે. એ મેં જાણી જોઈને જ નથી લખ્યું. મારે આત્મકથા લખવી હતી. તેમાં આ વાતનો ઉલ્લેખ જરૂરી નહોતો. બીજી વાત એ કે એ માણસ હજી જીવે છે. કેટલાક લોકો મારો ને એનો સંબંધ જાણે પણ છે. બંને પ્રસંગો ભેગા થવાથી એના તરફ લોકોની ધૃણા વધે એવો સંભવ ઊભો થાય.‘
દરેક માણસ હિંદુ યુનિવર્સિટીવાળા બાપુના ભાષણ પછી છાપામાં બાપુ અને શ્રીમતી બિસેન્ટની બાબતમાં લાંબી ને તીખી ચર્ચા ચાલી હતી. એ સંબંધમાં મુંબઈના ઇન્ડિયન સોશિયલ રિફૉર્મરમાં શ્રી નટરાજને બાપુને વિશે લખ્યું હતું : એવરી સન્સ ઑનર ઇઝ સેફ ઇન હિઝ હેન્ડ્ઝ – બાપુના હાથમાં સૌની આબરૂ સલામત છે.
બાપુના ચારિત્ર્યની આ બાજુ નટરાજને બહુ સુંદર શબ્દોમાં વ્યક્ત કરી છે.આ પ્રસંગની સાથે એક બીજો પ્રસંગ પણ યાદ આવે છે.
એક મુખ્ય મુસ્લિમ કાર્યકર્તા વિશે વાત ચાલતી હતી. મેં એના કોઈ અનુચિત જાહેર વહેવારની વાત કરી. બાપુ દુઃખી થઈને બોલ્યા, ‘ત્યારથી મારા મનમાં તેની પહેલાં જેવી કિંમત નથી રહી. પણ તેથી શું ? તેને કશું નુકસાન નહીં થાય. મારા મનમાં કોઈની કિંમત વધી તોય શું ને ઘટી તોયે શું ? મારો પ્રેમ થોડો જ ઓછો થવાનો હતો ?‘
- કાકાસાહેબ કાલેલકર