
શારદા એટલે કે દેવી સરસ્વતી, જેને આપણે વિધ્યાની દેવી તરીકે પુજીએ છીએ. આ દેવી શારદાનો મહિમા એટલો અપરંપાર છે કે સૃષ્ટિ રચયિતા બ્રહ્મા, પાલનકર્તા વિષ્ણુ અને સૃષ્ટિનો વિનાશ જેમના હાથમાં છે તે દેવાધિદેવ મહાદેવ પણ અર્ચના કરે છે. દેવી સરસ્વતી જ્ઞાનની સૌરભ પ્રસરાવનારી છે, શીતળતા આ૫નારી છે અને તેનાથી સાચા વૈભવના દર્શન થઈ શકે છે. દેવી શારદાની શ્રધ્ધાપૂર્વક ભક્તિ કરનારને તેના જીવનમાં શાંતિ, શિતળતા, શોભાની અભિવૃધ્ધિતો થાય જ છે. પરંતુ તે સમગ્ર સમાજને જ્ઞાનરૂપી પ્રકાશ આપીને તેને નવજીવન બક્ષે છે. દેવી સરસ્વતીના સાચા ભક્ત થવા માટે સાચો વિદ્ધાન થવું જરૂરી છે. કારણકે દેવી સરસ્વતીની ભક્તિ અને જ્ઞાનરૂપી વિદ્યા એક જ સિક્કાની બે બાજુઓ છે.
દેવી શારદાસફેદ વસ્ત્રો ધારણ કરે છે, સફેદ રંગ શુધ્ધ અર્થાત સ્વચ્છતાનું પ્રતિક છે. સરસ્વતીની ઉપાસના કરનાર પોતાના કર્મો પણ શુધ્ધ રાખવા જોઈએ તેમાં રાગ,દ્રેષ, મોહ, માયા જેવા કોઈ દોષને દાખલ થવા દેવા જોઈએ નહિ. તેનું મન પણ ચોખ્ખુ હોવું જોઈએ. તેની વાણીમાં કટુતા ન હોવી જોઈએ કે તણે અસત્ય બોલવું જોઇએ નહિ. વિદ્યા આપતો શિક્ષક દેવી સરસ્વતીનો આરાધક જ કહેવાય અને તેનામાં આ ત્રણે વસ્તુ ખાસ હોવી જોઈએ, કારણકે જો તે પોતાના જીવનમાં ન અ૫નાવે તો તે જે બાળકોને વિદ્યા આપે છે તેની ઉપર અવળી અસર પડે છે. દેવી સરસ્વતી હાથમાં વીણા પણ ધારણ કરે છે. વીણા દ્વારા તે સંગીતના સૂર રેલાવે છે. આ સૂરોમાં સંવાદિતતા હોય છે. તેજ રીતે સંગીતની સાધના કરનારે પણ સંવાદિતતા કેળવી જીવનનાકાર્યોનો સાચો સંગીતકાર બનવું જોઈએ જેથી તેના સંગીતમાં એવો એકરાગ છૂટે જે માનવસમાજને ઉપયોગી થાય. દેવી શારદા કમળ ઉપર બિરાજે છે. કમળ આજુબાજુ બનતી ઘટનાઓથી તદન અલિપ્ત રહી માત્ર પોતાના કર્મમાં જ મગ્ન હોય છે. તે ઉગે છે પંક (કાદવ)માં પણ તેનામાં વિશુધ્ધ રહેવાની કળા છે. દેવી સરસ્વતીનું આસન આ કમળ આપણને બોધ આપે છે કે જે રીતે કાળા કાદવમાં પણ તે ચોખ્ખું રહી શકે છે તે જ રીતે આપણે પણ સમાજમાં ફેલાયેલા ભ્રષ્ટ વાતાવરણથી આપણા ચારિત્ર્યને જરાય કલૂષિત થવા દેવાનું નથી. બલકે, તેને શુધ્ધ કરી સુવાષ ફેલાવવાની છે. દેવી શારદાને જ્ઞાન અને ભક્તિ ભાવનું પ્રતિક માનવમાં આવે છે, આ બંનેના પ્રતિકરૂપે તેના હાથમાં પુસ્તક અને માળા રહેલી છે. અહિં પુસ્તક એટલે જ્ઞાનનો ભંડાર અને માળા એટલે જ ભકિતભાવ, બ્રહ્મા, વિષ્ણુ કે ખુદ મહાદેવ પણ સરસ્વતીને નમન કરે છે. કારણકે આ ત્રણે દેવોને તેના કાર્યોમાં પણ જ્ઞાન અને ભાવની જરૂર પડે છે. કારણકે આ બંને વગર તેઓનું સૃષ્ટિનું સર્જન પાલનનું અને સંહારનું કાર્ય યોગ્ય રીતે થઈ શકે જ નહિં. આમ, જેઓને બ્રહ્મા વિષ્ણુ અને દેવાદિધદેવ શંકર, ત્રિદેવ પણ નમન કરતા હોય તેવી દેવી સરસ્વતીનું પૂજન કરીને આપણે જ્ઞાનરૂપી વિદ્યા મેળવવી જોઈએ અને શુધ્ધ ચારિત્ર્યવાન થવું જોઈએ.