
આપણે રસોઈઘર એટલે કે રસોડા વિશે વાત કરીશું. પુરાતન કાળથી આપણા ઋષિમુનિઓએ અન્નને દેવ જેવો દરજ્જો આપેલો છે, તથા અન્ન જ્યાં રંધાતું હોય તેને પવિત્ર જગ્યા ગણવામાં આવી છે. અન્નના મહત્વના કારણે જ ‘અન્ન તેવો ઓડકાર‘, ‘દેને કો ટુકડા ભલા લેને કો હરિનામ‘ જેવી કહેવતો પડી છે. શાસ્ત્રમાં રાંધેલુ અન્ન વેંચવા તથા લેવાની ના કહેવામાં આવી છે. રાંધેલા ખોરાકને વ્યક્તિના વિચારો સાથે સીધો સંબંધ છે, અને તેથી જ એ ઈચ્છનીય છે કે, રસોઈ સારા વાતાવરણમાં તૈયાર થાય. રસોઈ એ અગ્નિ કોણ થાય. વાસ્તવિક રીતે જ તેના માટેની શ્રેષ્ઠ દિશા અગ્નિકોણ થાય. વાસ્તુમાં જો રસોડુ અગ્નિકોણમાં બનાવવામાં આવે તો શ્રેષ્ઠ ગણાય. રસોડાની બારીઓ પૂર્વ તથા દક્ષિણ દિશામાં રાખી શકાય. જરૂર હોય તો પશ્ચિમ દિશામાં પણ બારી મૂકી શકાય પરંતુ શક્ય હોય ત્યાં સુધી ઉત્તર દિશામાં બારી મૂકવાનું ટાળવું જોઈએ.
જો રસોડાને અગ્નિખૂણામાં બનાવવું શક્ય ન જ હોય તો અને તો જ તેને વાયવ્ય ખૂણામાં મૂકી શકાય, પરંતુ રસોડાને ઉપર કે ઈશાન દિશામાં ન જ બનાવવું જોઈએ. જો ભૂલથી કોઈએ નૈઋત્ય ખૂણામાં રસોડુ બનાવ્યું હોય તો અચૂક વાસ્તુદોષ લાગે છે, તથા ઘરમાં શાંતિ જન્મે છે. રસોડું સીધુ જ મુખ્ય દરવાજાની સામે ન આવવું જોઈએ આ ઉપરાંત ટોઈલેટ રસોડા સાથે કોઈ રીતે સંલગ્ન ન હોવું જોઈએ. કુકીંગ માટેનું પ્લેટફોર્મ બરાબર અગ્નિ ખૂણામાં કે પૂર્વ દિશામાં બનાવી શકાય. પૂર્વ દિશા સામે ઊભા રહી રસોઈ બનાવવી વધુ ઈચ્છનિય છે. રસોઈના દરવાજાની બરાબર સામે ગેસનો ચૂલો કે પ્રાઈમસ ન રાખવા જોઈએ. વળી ચૂલાને કે પ્રાઈમસને દિવાલથી થોડા દૂર રાખવા જોઈએ. રસોડામાં રખાતી ઈલેક્ટ્રોનિક કે ઈલેક્ટ્રીક આઈટેમ જેવી કે, જ્યુસર, મિક્ષર, ઘરઘંટી, ગ્રાઈન્ડર, બ્લેન્ડર, માઈક્રોવેવ ઓવન વગેરેને અગ્નિખૂણામાં સ્થાન આપવું જોઈએ.

અનાજની કોઠી કે ભારે વસ્તુ અથવા ઘરઘંટીને પણ રસોડાની દક્ષિણ બાજુએ રાખી શકાય. શક્ય હોય ત્યાં સુધી રસોઈનું પ્લેટફોર્મ તથા પાણીયારૂ પૂર્વમાં રાખી શકાય. ફ્રિજ જેવી આઈટેમને વાયવ્ય દિશામાં ગોઠવી શકાય. આ ઉપરાંત તેને ઉત્તર કે પશ્ચિમમાં પણ ગોઠવી શકાય. જો રસોડાની અંદર જ ડાઈનીંગ ટેબલ રાખવાનું થાય તો ઉત્તર કે પશ્ચિમ દિશામાં રાખી શકાય. પાણીયારા પર પાણીનું માટલું શકય તેટલું ઈશાન કોણમાં રાખવું પાણીયારા પર પૂજા કરવાની હોય તો તે પણ ઈશાન કોણમાં કરવી. રસોડાનો રંગ કરવો હોય તો પીળો, ગુલાબી, નારંગી ભૂખરો કે ચોકલેટ કલરનો રંગ કરી શકાય. શક્ય હોય ત્યાં સુધી રસોડાનો રંગ કાળો કે સફેદ કે ખૂબ ભડકા રંગનો ન કરવો.
મિત્રો હાલના હાઈટેક કિચનમાં ઘણી નવી વસ્તુઓએ સ્થાન લીધું છે. તેથી આપણને મૂંઝવણ થાય કે કઈ વસ્તુ કઈ જગ્યાએ ગોઠવવી, તો આ માટે તો સાદો નિયમ આપણે સમજી લઈએ. સૌ પ્રથમ ઈલેક્ટ્રીકની આઈટેમ્સને અગ્નિ ખુણામાં ગોઠવવી. ભારે વજનદાર વસ્તુ, કબાટ, અનાજની કોઠી વગેરે દક્ષિણ દિશામાં ગોઠવવું ફ્રિજ જેવી વસ્તુ વાયવ્ય દિશામાં ગોઠવવી સ્ટોર માળિયા જેવી વસ્તુઓ શક્ય હોય તો નૈઋત્ય દિશામાં ગોઠવવી ડાઈનીંગ સાથે હોય તો ઉત્તર કે પશ્ચિમે રાખવું. પ્લેટફોર્મ તથા પાણીયારૂ પૂર્વમાં રાખી શકાય. આ ઉપરાંત પાણીયારૂ ઉત્તરે તથા પ્લેટફોર્મ અગ્નિદિશામાં રાખી શકાય.
મિત્રો, રસોડાની રચના કરતી વખતે એ ખાસ ખ્યાલ રહેવો જોઈએ કે, રસોડામાં પુરતા હવા-ઉજાસ આવે આ ઉપરાંત રસોઈ કરતી વખતે રસોડાની બારી દ્વારા ગૃહિણીનું ધ્યાન મુખ્યદ્વાર પર રહી શકે તો વધારે સારૂ. અગાઉ જોઈ ગયા તેમ ચોખ્ખાઈ રાખી શકાય તેટલી ઘરમાં બરકત વધે છે.