હોમ
કેશાંત કે ગોદાન સંસ્કાર
-
શૈક્ષણિક સંસ્કારો
શૈક્ષણિક સંસ્કારોમાં વિદ્યારંભ, ઉપનયન, વેદારંભ, કેશાંત (કે ગોદાન) અને સમાવર્તન (કે સ્નાન) સંસ્કારોનો સમાવેશ થાય છે.
કેશાંત કે ગોદાન સંસ્કાર
કેશાંત કે ગોદાન એ મહાનામ્ની મહાવ્રત, ઉપનિષદ અને ગોદાન એ ચાર વેદવ્રતોમાંનું એક હતું. પહેલાં ત્રણ વ્રતો લુપ્ત થતાં ગોદાન સ્વતંત્ર સંસ્કારના રૂપમાં અસ્તિત્વમાં આવ્યો. આ સંસ્કાર વેદારંભ સંસ્કાર કરતાં પ્રાચીન છે. ગૃહ્યસૂત્રોમાં કેશાંતનો ઉલ્લેખ આવે છે, પરંતુ વેદારંભનો ઉલ્લેખ એમાં મળતો નથી. વ્યાસ સ્મૃતિમાં આ સંસ્કારનો સમાવેશ પ્રસિદ્ઘ સોળ સંસ્કારોની યાદીમાં કરવામાં આવ્યો છે.
કેશાંત સંસ્કારમાં બ્રહ્મચારીની દાઢી અને મૂછનું સર્વ પ્રથમ ક્ષૌરકર્મ (મુંડન) કરવામાં આવતું. આ સંસ્કારને ગોદાન સંસ્કાર પણ કહે છે, કારણ કે આ પ્રસંગે ગાયનું દાન કરાતું તથા નાઇને બક્ષીસ પણ અપાતી. સામાન્ય રીતે આ સંસ્કાર ૧૬ વર્ષની ઉંમરે થતો અને એ યૌવનમાં પદાપર્ણનું સૂચન કરતો. દાઢી-મૂછના ક્ષૌરકર્મ પછી બ્રહ્મચર્યનું વ્રત નવી રીતથી પાળવાનું અને એક વર્ષ સુધી કઠોર સંયમનું જીવન વ્યતીત કરવાનું હતું.
ઉંમરઃ
કેશાંત સંસ્કાર બ્રહ્મચર્યની સમાપ્તીનો અર્થાંત્ વૈદિક વિદ્યાર્થીની અવસ્થાની સમાપ્તીનો સૂચક હતો. સૂત્રકાલમાં બ્રહ્મચર્યનું વય બાર વર્ષનું હતું. મોટા ભાગના સ્મૃતિકારો આ સંસ્કાર ૧૬મા વર્ષે કરવાનું કહે છે. ‘મનૃસ્મૃતિ’ (2, 65) માં બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય માટે ૧૬મા, રરમા અને ર૪મા વર્ષે આ સંસ્કાર કરવાનું કહ્યું છે. સામાન્ય રીતે બ્રાહ્મણકુમારનો વેદાભ્યાસ ૮મા વર્ષથી શરૂ થતો. તે ૧ર વર્ષ અભ્યાસ કરે તો ર૦મા વર્ષે પૂરો થાય, વૈશ્યનો ૧રમા થી ર૪મા વર્ષ સુધી ચાલે. શાંખાયન ગૃહ્યસૂત્ર (1, 28, 20) અનુસાર આ સંસ્કાર ૧૬મા કે ૧૮મા વર્ષે કરવો જોઇએ. ઉતરરામચરિત (અં. ૧)માં રામ અને તેના ત્રણે ભાઇઓનો ગોદાન સંસ્કાર વિવાહથી થોડો પૂર્વ થયાનું સીતાના મુખે જણાવ્યું છે. આ સોળમું વર્ષ કયારથી ગણવાનું તે બાબતમાં મતભેદ છે. બૌધાયન ધર્મસૂત્ર (1, 2, 7) અનુસાર એ ગર્ભાધાનથી ગણવું જોઇએ. આશ્ર્વલાયન ગૃહ્યસૂત્રના ટીકાકાર નારાયણના મતે ઉપનયન બાદ ૧૬મા વર્ષે આ સંસ્કાર કરાવો જોઇએ. દાઢી-મૂછ કુદરતી રીતે ૧૬ વર્ષની ઉંમરના અરસામાં જ ફૂટે. આ ચૌલકર્મ જેવો શારીરિક સંસ્કાર છે, શૈક્ષણિક નહીં.
વિધિઃ
કેશાંત કે ગોદાન સંસ્કારનો વિધિ ઘણા અંશે ચૌલ સંસ્કાર જેવો જ છે. એમાં દાઢી, મૂછ અને માથાના વાળનું મુંડન થતું. દાઢી, મૂછ, માથાના વાળ અને નખ પાણીમાં ફેંકી દેવાતા. એ પછી બ્રહ્મચારી ગુરુને એક ગાયનું દાન કરતો. સંસ્કારના અંતે મૌનવ્રતનું પાલન તથા એક વર્ષ સુધી કઠોર શિસ્તબદ્ઘ જીવન વ્યતીત કરતો.
આ સંસ્કાર કાલાન્તરે લુપ્ત થઇ ગયો. ‘સંસ્કારપ્રકાશ’ અને ‘નિર્ણયસિંધુ’ જેવા મધ્યકાલીન નિબંધગ્રંથોમાં આ સંસ્કારનો ઉલ્લેખ નથી. ભારદ્વાજ, બૌધાયન જેવાં ગૃહ્યસૂત્રો અનુસાર કેશાંતમાં શિખા સાથે વાળનું મુંડન થતું.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com