મહાત્મા ગાંધીની જીવનસંગિની, ભારત રાષ્ટ્રનું પ્રેમાળપાત્ર, પૂજ્ય બા કસ્તુરબાનો જન્મ પોરબંદરમાં થયેલો. ૭ વર્ષની વયે મોહનદાસ સાથે સગાઈ થઈ અને ૧૩ વર્ષની વયે તેમના લગ્ન થયાં. ગાંધીજીની અંગત દેખભાળની સાથે તેમણે ઉપાડેલી પ્રત્યેક પ્રવૃત્તિમાં સક્રિય ફાળો આપી એમણે જાત ઘસી નાંખેલી. જેલવાસ દરમિયાન પણ એટલાં જ પ્રસન્ન અને કાર્યરત રહેતાં. ગાંધીજી સાથે રહેવું કેવું કપરું હતું તે કસ્તુરબા સિવાય બીજું કોણ જાણી શકે? સાવ નિરક્ષરતામાંથી સાક્ષર બનવા માટે ૬૦ વર્ષે પણ અંગ્રેજી વાંચતા-લખતા શીખવવાનો આરંભ કરતાં તેને નાનપ કે શરમ ન લાગતી. દરરોજ ૪૦૦ થી ૫૦૦ તાર સૂતર કાંતવું, બાપુના પગના તળિયે માલિશ કરવી, પ્રાર્થનાસભામાં હાજરી આપવી, ઈત્યાદિ ક્રિયાઓ તેમના જીવનનો એક ભાગ જ બની ગયેલ. રાષ્ટ્રપિતા ગાંધીજીના આ ધર્મપત્ની સાચે જ હિંદના મહારાણી હતા. જો સમર્પણ, ત્યાગ, નિરાંડબર અને સહનશીલતા એ સંતોનું દેવદ્વાર હોય તો તેઓ પતિ ગાંધીજી કરતાં સો ગણા સરળ અને વંદનિય વિભૂતિ હતા. તા. ૨૨-૨-૧૯૪૪ના રોજ બાએ ગાંધીજીના ખોળામાં દેહત્યાગ કર્યો. બાપુએ કહેલું: “મારે જન્મોજન્મ સાથીની પસંદગી કરવાની હોય તો હું બાને જ પસંદ કરું.” બાપુના પરમ મિત્ર દિનબંધુ એન્ડુઝે બાની મહત્તા દર્શાવતાં કહ્યું હતું: “Bapu is no doubt great but Ba is greater still.”