
કન્યા અને વરની પસંદગીમાં કુટુંબ અને તેના સંસ્કાર ખાસ જોવાતા. ઉચ્ચ સંસ્કારોવાળા, વેદાધ્યયનશીલ, આચારરત ગુણશાલી કુટુંબમાંથી પસંદગી કરવામાં આવે એ એક સામાન્ય નિયમ હતો.
કન્યાની લાયકાતોમાં દેખાવ, વર્તન, સંસ્કાર, ગુણ, ધર્મચરણ, સામાજિક જવાબદારીઓ, પ્રજાને મળતો વારસો વગેરેનો વિચાર કરવામાં આવ્યો છે. મનુ અને યાજ્ઞવલ્કય અનુસાર બાહ્ય અને આભ્યંતર શુભ લક્ષણોવાળી કન્યા સાથે વિવાહ કરવો જોઇએ. કન્યા અક્ષતયોનિ હોવી જોઇએ. કન્યાની ઉંમર વર કરતાં ર,૩ કે ૫ વર્ષ ઓછી હોવી જોઇએ. તેનામાં સ્ત્રીત્વ હોવું જોઇએ અને માતા બનવાની ક્ષમતા હોવી જોઇએ.
વરની પ્રથમ વિશેષતા બ્રહ્મચર્યની સમાપ્તી હતી. એ વિદ્યા, સંસ્કાર અને ચારિત્ર્યથી યુકત હોવો જોઇએ. વિવાહયોગ્ય વય, સંપતિ, સૌંદર્ય, વિદ્યા, બુદ્ઘિથી યુકત અને ઉમદા કુળવાળો હોવો જોઇએ. આપસ્તંભ ધર્મસૂત્ર અનુસાર સારું કુળ, સત્ ચરિત્ર, શુભ ગુણો અને સુંદર સ્વાસ્થયયુકત હોવો જોઇએ. એના પુંસ્ત્વની પરીક્ષા થયેલી હોવી જોઇએ. વધૂની જેમ એની પાસેથી પણ બ્રહ્મચર્યની અપેક્ષા રખાતી, મનુ અને યાજ્ઞવલ્કય અનુસાર નપુંસકોને વિવાહ માટે અયોગ્ય ઠરાવ્યા છે. વારાહ ગૃહ્યસૂત્ર અનુસાર વિનીતક્રોધ તથા હર્ષિત પુરુષે હર્ષિત સ્ત્રી સાથે વિવાહ કરવો જોઇએ. વસિષ્ઠ અનુસાર જે અત્યંત નિકટ કે દૂર હોય, અતિ બળવાન કે અત્યંત દુર્બલ હોય, જેની પાસે આજીવિકાનું કોઇ સાધન જ હોય તથા જે મંદબુદ્ઘિ હોય તેવા વર સાથે કન્યાનો વિવાહ ન કરવો.