-
ગુજરાતમાં ‘કલા’ શબ્દના પર્યાયસમા કનુ દેસાઈનો જન્મ ૧૨-૩-૧૯૦૭ના રોજ અમદાવાદમાં થયો હતો. મોસાળમાં ઉછરેલા કનુએ કલાગુરુ રવિશંકર રાવળ પાસે ચિત્રકલાની તાલીમ લીધી હતી. થોડા સમય બાદ કનુભાઈને શાંતિનિકેતન જવાની તક મળી. કવિવર ટાગોરની નિશ્રામાં તેઓ કલાક્ષેત્રે ખૂબ કીર્તિ પામ્યા. ત્રણ વર્ષ બાદ પાછા ફરીને તેમણે તેમનો પ્રથમ ચિત્રસંપુટ ‘સત્તર છાયાચિત્રો’ પ્રગટ કર્યો. પછી તો ઉપરાઉપરી એમના લગભગ ત્રીસ જેટલા આલ્બમ પ્રગટ થયાં. ૧૯૩૦માં એમણે ભાગ લીધો હતો એની સ્મૃતિરૂપે એક ચિત્રસંપુટ પણ પ્રગટ કર્યો હતો. એ દાયકામાં એમનું એકાદ ચિત્ર કે આલ્બમ ઘરમાં હોવું એ સંસ્કારિતાનું ધોતક ગણાતું. તેમણે ‘પૂર્ણિમા’, ‘ભરત મિલાપ’, ‘રામ રાજ્ય’ તથા ‘જનક જનક પાયલ બાજે’ જેવી ફિલ્મમોમાં સફળ કલાનિર્દેશન કર્યું હતું. ભાવનગરના કોંગ્રેસ અધિવેશનમાં ‘ગુજરાત દર્શન’નું યશસ્વી રીતે તેઓએ પાર પાડ્યું હતું. લગભગ ૫૦૦૦ જેટલા ચિત્રો, ૩૦ સંપુટો, ૫૫થી વધુ કલા દિગ્દર્શન વગેરે સેંકડો કલામય નમુનાઓ વડે જનસમાજમાં તેઓ આજે પણ હયાત છે. ઈ. ૧૯૮૦માં તેમનું નિધન થયું. ગુજરાત અને ગુજરાત બહાર ગુજરાતી કલાના ઝળહળતા ધ્વજની જે ધુતિ પ્રસરી ચૂકી છે એ પ્રકાશ પાથરનારાઓમાં કનુ દેસાઈનું નામ પ્રથમ પંક્તિમાં આવે છે.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com