કળથીનો આપણે ત્યાં દાળ બનાવવામાં કે ખાવામાં ભાગ્યે જ ઉપયોગ થાય છે, પરંતુ તેમાં ઔષધીય ગુણ વિશેષ હોઈ તેનો પ્રચાર જરૂરી છે.
કળથી સ્વાદે તૂરી અને સહેજ મીઠી છે. તે સ્વભાવે ગરમ છે. તે વાતકર, કફહર, પિત્તહર અને મેદહર છે. તે પેશાબ સાફ લાવે છે, મળને સાફ લાવે છે, શક્તિ વધારે છે. હરસ, કૃમિ, પથરી, મેદ રોગ, પેશાબના રોગ, માસિકના રોગ વગેરેમાં ઉપયોગી છે. વળી હેડકી, કફના રોગ શ્વાસ, ઉધરસ, વાના રોગો, શરદી, તાવ, સોજા, પેટના ગોળા વગેરેમાં લાભદાયી છે.
કળથી મૂત્રલ છે, જેથી જેને પેશાબ અટકી અટકીને આવતો હોય, ઓછો આવતો હોય, બળતરા થઈને આવતો હોય તો તેને કળથી આપવી, જે પેશાબની છૂટ કરી પેશાબના રોગ મટાડશે.
પથરીના રોગી માટે કળથી ખૂબ સારી છે. કળથીનો ઉકાળો, તેની દાળ, સૂપ કે શાક નિયમિત ખાવાથી ખૂબ પેશાબ થઈ, પથરી તોડીને બહાર કાઢી નાખશે.
મેદ રોગ અને તે સંબંધી બીજા રોગ જેવા કે ડાયાબિટીસ, બ્લડપ્રેસર, હ્રદયરોગ, કોલેસ્ટરોલ વગેરેમાં પણ કળથી ખાવાથી મેદ ઓછો થશે અને રોગ ઉપર કાબૂ આવશે.