કલિયુગના કલિએ રાજા પરીક્ષિતના કાળમાં પ્રવેશ કર્યો એમ મનાય છે. તે વિશે એક કથા છે. કલિને રહેવા માટે કોઈ જગ્યા નહોતી. તેથી તે રાજા પરીક્ષિત પાસે ગયો. રાજાને તેણે વિનંતી કરી, ‘‘મહારાજ, તમારા રાજમાં રહેવા માટે મને કોઈ જગ્યા આપો.’’ પરીક્ષિતે તરત જ કહ્યું, ‘‘જા ભાઇ જા, તારા માટે મારા રાજયમાં કોઈ જગ્યા નથી.’’ કલિએ બહુ કાકલુદી કરી. પરીક્ષિતને દયા આવી. તેમણે કલિને કહ્યું,‘‘કલિ, જા,જુગારખાનાં,કસા ઈખાનાં, વેશ્યાવાડા અને દારૂના પીઠામાં તને આશ્રયસ્થાન આપું છું. તારે માટે તે જગ્યા ઓ જ યોગ્ય છે. ત્યાં જઈ રહેજે.’’
કલિએ રાજાનો આભાર માન્યો, પણ કહ્યું, ‘‘મહારાજ, એકસાથે હું ચાર સ્થળોએ કેવી રીતે રહી શકું ? મને કોઈ એક આશ્રયસ્થાન આપો.’’
પરીક્ષિતે બહુ વિચાર કર્યો પછી તેમણે સોનાની એક લગડી બતાવી કલિને કહ્યું, ‘‘કલિ, આ સોનાની લગડી ધનવાનોની વધારાની લક્ષ્મી છે. ધનવાનો પોતાના ધનને ખાવા- પીવા- રહેવા અને જરૂરી કામોમાં વાપરે છે. તે પછી તેમની પાસે જે વધારાનું ધન રહે તે ધનને તેઓ સોનાની લગડી બનાવી કે બીજા રૂપે પોતાની તિજોરીઓમાં રાખે છે. તે વધારાના ધનમાં તું સુખેથી રહેજે.’’ રાજી થઈને કલિ ગયો. હવે તે ધનવાનોની વધારાની લક્ષ્મીમાં રહેવા લાગ્યો. તેના પ્રતાપે ધનવાનો તે વધારાનું ધન જુગાર રમવામાં, માંસ- મટન ખાવામાં, વેશ્યાગમન કરવામાં અને દારૂ પીવામાં વાપરવા લાગ્યા.
માણસે પોતાના ઉપયોગી પૂરતી લક્ષ્મી રાખવી જોઈએ. વધારાનું ધન તેણે સમાજ માટે, દીન- દુખિયાં અને ભૂખ્યા લોકો માટે અને સારાં કામો માટે વાપરી નાખવું જોઈએ. જો તે વધારાનું ધન પોતાની પાસે રાખે તો તેની પાસેનું તે વધારાનું ધન જુગાર,માંસ- મચ્છી, વેશ્યાગૃહ અને દારૂ પીવામાં વેડફાય છે, કારણ કે તેમાં કલિ વાસ કરે છે અને માણસને કુબુધ્ધિ સુઝાડે છે. તેને કારણે માણસનું અધઃપતન થાય છે.