એકવાર જેમણે કડુનો સ્વાદ ચાખ્યો હશે, તોતે કદાચ હજી પણ તેમની સ્મૃતિમાં હશે. અતિશય કડવા આયુર્વેદિય ઔષધોમાં આ કડુની ગણતરી થાય છે. સ્વાદમાં કડુ ખૂબ જ કડવું હોવાથી તેને આયુર્વેદમાં તિકતા અને કટુકા આ બે નામ આપવામાં આવ્યા છે. (કડવા રસને આયુર્વેદમાં તિક્ત કહે છે.) આમ તો કડવો સ્વાદ નામ માત્રથી જ અરૂચિ ઉપજાવનારો છે. તેમ છતાં તાવ અને યકૃત-લિવરમાં રોગોનું તે ઉત્તમ ઔષધ હોવાથી તેના ગુણકર્મો અને ઉપયોગો જરૂરથી જાણવા યોગ્ય છે.
ગુણધર્મો
કડુ જેવું શ્રેષ્ઠ ઔષધ આપણા નાગાધિરાજ હિમાલયમાં થાય છે. તે આપણું સદ્દભાગ્ય છે. તેના બહુવર્ષાયુ મૂળ જેવા કંદયુક્ત છોડ સાતથી બાર હજાર ફૂટની ઉંચાઈ સુધી થતા જોવા મળે છે.
આયુર્વેદિય મતે કડુ સ્વાદમાં કડવું અને કિચિત તીખું, પચવામાં હળવું અને શીતળ છે. તે ભૂખ લગાડનાર, પિત્તસારક, યકૃત ઉત્તેજક, હ્રદય માટે હિતકારી, કૃમિનાશક, રક્ત અને ધાવણની શુદ્ધિ કરનાર, કફનાશક, સોજા ઉતારનાર તથા કમળો, શીળસ, પાંડુ, દાહ, શ્વાસ-દમ-ખાસી વગેરેને મટાડે છે. તે હ્રદયની શક્તિ વધારનાર સપ્રમાણ કરનાર અને આંતરડાની નબળાઈ અને કબજીયાતને દૂર રાસાયણિક ર્દષ્ટિએ તેના મૂળમાં ડીમેનિટોલ, વેનિલિક એસિડ કુટકીઓલ, કુટકી – સ્ટિરોલ તથા બે કડવા ગ્લુકોસાઈડ પિક્રોરાઈજિન અને કુટકીન રહેલા છે આ તત્વો તેના ઉપરોક્ત ઔષધીય ગુણો માટે જવાબદાર ગણાય છે.
ઉપયોગ
કોઈપણ પ્રકારના તાવમાં કડુ ઉત્તમ પરિણામ આપનાર ઔષધ છે. તાવ સાથે મોટે ભાગે કબજીયાત પણ જોવા મળે છે. ત્યાં કડુ બે રીતે કામ કરે છે. તે ઝાડો સાફ લાવી કબજીયાતને દૂર કરે છે તેમ જ પિત્તનું સ્ત્રવણ કરી તાવને ઉતારે છે. તાવ આવતો હોય ત્યારે આશરે અડધીથી એક ચમચી જેટલું કડુનું ચૂર્ણ દિવસમાં ત્રણથી ચાર વખત ગરમ પાણી સાથે ફાકી જવું. અથવા ગોળ સાથે મિશ્ર કરી તેની ચણાના દાણા જેવડી ગોળીઓ વાળી લેવી. દર ત્રણ-ચાર કલાકે આ બે થી ત્રણ ગોળી ગરમ પાણી સાથે ગળી જવી. તાવ ઉતરશે અને કબજીયાત પણ દુર થશે.
કડુ પિત્તસારક અને શીતળ છે. એટલે પિત્તની ઉલ્ટીઓમાં તે ઉત્તમ પરિણામ આપે છે. તે આંખો, હાથ – પગના તળિયા તથા શરીરની – આંતરિક બળતરામાં પણ અકસીર છે. કડુ અને સાકરનું સરખા ભાગે લાવી તેનું ચૂર્ણ બનાવી લેવું. અડધી ચમચી જેટલું આ ચૂર્ણ સવારે, બપોરે અને સાંજે પાણી સાથે લેવાથી પ્રકોપ પામેલું પિત્ત શાંત થઈ ઉલ્ટીઓ બંધ થશે, બળતરા ઓછી થશે મોંની કડવાશ દૂર થઈ આહાર પર રૂચિ થશે.
કડુ, કરિયાતુ, કાંચકા, કાળીજીરી અને કાળી દ્રાક્ષ, આ બધા ઔષધ દસ – દસ ગ્રામ જેટલા લાવી ખાંડીને અધકચરો ભુક્કો કરી લેવો. બે ચમચી જેટલો આ ભુક્કો બે ગ્લાસ પાણીમાં નાંખી ઉકાળવો. એક કપ જેટલું દ્રવ બાકી રહે ત્યારે ઉતારી, ગાળી, ઠંડુ પાડીને પી જવું. થોડા દિવસ આ રીતે તાજે તાજો ઉકાળો બનાવીને પીવાથી પેટના કૃમિ કરમિયાં મરીને બહાર નીકળી જશે. તેમજ લિવર અને જઠરની ક્રિયા સુધરવાથી ભૂખ પણ સારી લાગશે.
કડુ તદ્દન નિર્દોષ ઔષધ છે. પ્રત્યેક કુટુંબે તેનું ચૂર્ણ ઘરમાં રાખવા જેવું છે. અપચો, કબજીયાત, અરૂચિ, જીણો તાવ એટલું જ અકસીર ઔષધ છે. કટુકાઘ, લોહ, કટુકાદિ, ધૃત, તિકતાદિ, કવાથ, તિકતાદિ ધૃત વગેરે આયુર્વેદિય ઔષધોમાં કડુ મુખ્ય ઔષધી રૂપમાં વપરાય છે.