
ઇસ્વીસનની છઠ્ઠી સદીમાં થઈ ગયેલા ભારતીય જ્યોતિષાચાર્ય વરાહ મિહિરે પોતાના "બૃહત્ સંહિતા" નામના જ્ઞાનસભર ગ્રંથમાં "કુસુમલતા" નામના અધ્યાયમાં વનવગડાની વનસ્પતિઓ અને કૃષિ ઉપજ અંગે એક સ્વતંત્ર પ્રકરણ આપેલ છે. તેના સિદ્ધાંતો પશ્ચિમ ભારતના પ્રદેશોમાં વધુ અસરકારક જણાય છે.
વરાહ મિહિર જણાવે છે કે, ખેતીવાડીની જે જે ચીજો છે તે કોઈને કોઈ વનસ્પતિ સાથે ગુણદોષમાં મળતી આવે છે. આથી ભરઉનાળામાં ઉગતી વનસ્પતિઓનો ફાલ જોઈને આપણે આગામી ચોમાસામાં કે આવતા શિયાળામાં થનારી ખેતીની પેદાશ-ઉપજ અંગે પૂર્વાનુમાન-આગાહી કરી શકીએ છીએ.
આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ કર્યા પ્રમાણે વિવિધ વૃક્ષો-વનસ્પતિઓને જે તે સમયગાળા દરમ્યાન આવતા ફળ-ફૂલ અને તેના પર્ણો વગેરેના કદ, રંગ, પ્રમાણે વિવિધ વૃક્ષો-વનસ્પતિઓને આધારે ખેતીના જુદા જુદા પાકો કેટલા પ્રમાણમાં ઉગશે તેની આગાહી દર્શાવતી વિગતો નીચે પ્રમાણે છે.
(૧) જે વરસે ખાખરો ખૂબ જ ફાલે, તેને પુષ્કળ કેસુડાં આવે તે વરસમાં કોદરા તથા બંટીનો પાક વધુ થાય છે.
(૨) વડ ખૂબ ફૂલે ફાલે તો જવ અઢળક થાય છે.
(૩) મહુડા ઉપર ફૂલ અતિશય આવે તો તે વર્ષમાં ઘઉં પુષ્કળ થાય છે.
(૪) જાંબુડાના વૃક્ષ ઉપર જાંબુ પુષ્કળ આવે તે વર્ષમાં તલ તથા અડદ પુષ્કળ થાય છે.
(૫) સુગંધી ફૂલ જૂઈ, મોગરો વગેરે ખૂબ ફાલે તે વર્ષમાં કપાસનો પાક સારો થાય છે.
(૬) બોરડી ઉપર બોર વધારે આવે ત્યારે કળથી વધુ પાકે છે.
(૭) જે વરસે પીપળો ફાલે ફૂલે તે વરસે બધાં જ અનાજ-ખાદ્ય ધાન્ય(ઘઉં-ચોખા- બાજરી -જવ-જુવાર) સારી નીપજે છે.
(૮) બીલીવૃક્ષ વધુ ફૂલે ત્યારે મગ વધુ થાય છે.
(૯) દાભડો અને ધરો ખૂબ થાય ત્યારે શેરડી પુષ્કળ નીપજે છે.
(૧૦) રક્ત અશોકના ફળફુલની વૃદ્ધિથી લાલ રંગના ચોખાની વૃદ્ધિ થાય છે. ક્ષીરિકા-
?દુધીની વૃદ્ધિથી પાંડુક નામના ચોખાની વૃદ્ધિ થાય છે. નીલ અશોકની વૃદ્ધિથી સૂકરક (જાડા-બરછટ) ચોખાની વૃદ્ધિ થાય છે.
(૧૧) તિન્દુક, અનિમુક્ત (તમરનું ઝાડ), ગોવવૃક્ષ નામના વૃક્ષની વૃદ્ધિથી સાઠી ચોખાની વૃદ્ધિ થાય છે.
(૧૨) પીપળાના ફળફૂલની વૃદ્ધિથી સર્વે પ્રકારના ધાન્યોની વૃદ્ધિ થાય છે.
(૧૩) શિરીષની વૃદ્ધિથી પ્રિયંગુ (કાંગ, ઘઉંલા)ની વૃદ્ધિ થાય છે.
(૧૪) સાતપર્ણની વૃદ્ધિથી જવની વૃદ્ધિ થાય છે.
(૧૫) માધવી લતા તથા મોગરાના પુષ્પોની વૃદ્ધિથી કપાસની વૃદ્ધિ થાય છે.
(૧૬) આસનની વૃદ્ધિથી સરસવની વૃદ્ધિ થાય છે.
(૧૭) નેતરના પુષ્પોની વૃદ્ધિથી અળસીની વૃદ્ધિ થાય છે.
(૧૮) ઇંગુદવૃક્ષના ફળફુલની વૃદ્ધિથી શણની વૃદ્ધિ થાય છે.
અન્ય આગાહીઓ
પીલુડી વધારે ફાલે ત્યારે રોગચાળો ઓછો રહે છે. પશુ-પક્ષી-માનવીમાં આરોગ્ય વૃદ્ધિ જોવા મળે છે.
હસ્તિકંદ, હસ્તિકર્ણી (રાતા એરંડા)ની વૃદ્ધિથી હાથીઓની વૃદ્ધિ થાય છે અને અશ્વકર્ણ (સુરપંખો, રાળના વૃક્ષ) ની વૃદ્ધિથી અશ્વોની વૃદ્ધિ થાય છે. પાયલ પુષ્પોની વૃદ્ધિથી ગાયોની વૃદ્ધિ થાય છે અને હદલિઓની વૃદ્ધિથી ઘેટાં-બકરાંની વૃદ્ધિ થાય છે.
તિલકવૃક્ષ (કાળા તલનો છોડ) ની વૃદ્ધિથી શંખ, મોતી અને ચાંદીની વૃદ્ધિ થાય છે.
ચંપક પુષ્પોની વૃદ્ધિથી સુવર્ણ અને બંધુજિવ પુષ્પોની વૃદ્ધિથી વિદ્રસોની વૃદ્ધિ અને કુરવડ પુષ્પોની વૃદ્ધિથી હીરાની વૃદ્ધિ અને નન્દિકાવૃર્તની વૃદ્ધિથી વૈદૂર્યની વૃદ્ધિ થાય છે.
સિંધુવાર (નિર્ગુડીા ની વૃદ્ધિથી મોતીની વૃદ્ધિ થાય છે, કેસરના પુષ્પોની વૃદ્ધિથી કારીગરોના વર્ગોની વૃદ્ધિ થાય છે. રક્તકમલથી રાજાની વૃદ્ધિ, નીલકમલથી મંત્રીની વૃદ્ધિ, સુવર્ણ પુષ્પોથી શ્રેષ્ઠીઓની. કમલોથી બ્રાહ્મણોની અને કુમુદ (શ્વેત કમલા થી પુરોહિતની વૃદ્ધિ થાય છે. અર્ક પુષ્પોની વૃદ્ધિથી સુવર્ણની વૃદ્ધિ થાય છે. આમ્રવૃક્ષના ફળફુલની વૃદ્ધિથી પ્રજાના કલ્યાણની વૃદ્ધિ થાય છે.
ભીલામાની વૃદ્ધિથી ભય ઉત્પન્ન થાય છે. જે વરસે ખીજડા વધુ ફૂલેફાલે ત્યારે દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાય છે.
ખેર અને શમી વૃક્ષની વૃદ્ધિથી દુકાળ પડે છે. લીમડા અને નાગકેસરની વૃદ્ધિથી પૃથ્વી પર સુકાળ પ્રવર્તે છે. કપિત્થ વૃક્ષ (કોઠાનું વૃક્ષ)ની વૃદ્ધિથી વાયુની વૃદ્ધિ થાય છે. નિચુલ (નેતરનું ઝાડ)ની વૃદ્ધિથી અનાવૃષ્ટિ અને કુટજની વૃદ્ધિથી વાયુની વૃદ્ધિ થાય છે.
કોવિદાર (કાંચનાર) ની વૃદ્ધિથી અગ્નિ ભય વધે છે. શ્યામલત્તાની વૃદ્ધિથી વારવનિતાઓની વૃદ્ધિ થાય છે. જ્યારે વૃક્ષો અને લત્તાઓના પર્ણ સ્નિગ્ અને છીદ્ર રહિત હોય છે ત્યારે સુંદર વૃષ્ટિ થાય છે. પરંતુ પર્ણ રૂક્ષ અને છીદ્રવાળા હોય તો અલ્પવૃષ્ટિ થાય છે. લીમડો અને લીંબોળી વધુ થાય ત્યારે વરસાદ સારો જોવા મળે છે.
મૂલ બ્રહ્મ ત્વચા વિષ્ણુ શાખે રુદ્ર મહેશવઃ
પત્રે પત્રે તુ દેવસ્નામ વૃક્ષરાજ નમસતુભ્યં ॥
અર્થાત જેના મૂળમાં જગત પિતા બ્રહ્માનો વાસ છે શરીરમાં વિષ્ણુ ભગવાન, ડાળીઓમાં શંકર ભગવાનનો વાસ છે અને દરેક પર્ણમાં દેવતાઓને ધારણ કર્યા છે તેવા વૃક્ષને હું નમસ્કાર કરું છું.
યાવદ્ ભુમંડલમધતે સશૈલમ કાનનમ ।
તાવત તિષ્ઠતિ મે દિન્યામ સંતતિ પુત્રૈ પૌત્રકીઃ ॥
જ્યાં સુધી આ પૃથ્વી વનોથી આચ્છાદિત રહેશે ત્યાં સુધી મનુષ્યના સંતાનો માટેની તમામ જરૂરિયાત પૂરી થતી રહેશે.
અન્નાત ભવંતિ ભુતાનિ પર્જન્યાદન્ન સંભવ ।
યજ્ઞાદ ભવતિ પર્જન્યા યજ્ઞઃ કર્મ સમુદભવ ॥
અન્નથી પ્રાણી માત્રનું પોષણ થાય છે. અન્ન ઉત્પાદન માટે પાણીની જરૂર છે અને જળપ્રાપ્તિ (વરસાદ) વનોથી થાય છે જેથી વન ઉછેરનું યજ્ઞકાર્ય કરવું જોઈએ.