શ્રીપર્ણી ઓળખ
શ્રીપર્ણીના નામ ‘શ્રીપર્ણનિ‘ સંસ્કૃતમાં તથા ગુજરાતીમાં ‘સેવન‘, સૌરાષ્ટ્રમાં સેવન, રાજપીપળા તરફેવની, હિન્દીમાં ખુમર તથા ગાંભારી, કન્નડમાં શિવન્ની, મલયાલમમાં ડુમલ, લેટીનમાં મીલાઇના આર્બોરિયા, તામીલનાડુમાં પેરુગુલિમ, તૈલંગમાં શલ્લા ગુબુડીમેરુ, મધ્યપ્રદેશમાં શિવણ, મરાઠીમાં શિવણ, ગાંભારી, પણ કહે છે. દક્ષિણ ગુજરાતમાં વગોલી કહે છે.
ગુજરાત રાજ્યની પૂર્વ સરહદે આબુથી શરૂ થઈ ડાંગ સુધીના ઉચ્ચપ્રદેશમાં શ્રીપર્ણીનાં વૃક્ષો સંખ્યાબંધ થાય છે. વૃક્ષને એપ્રિલ, મે, જૂનમાં ફળો પાકી નીચે પડે છે. બીજ પંખીના માળા કે વૃ્ક્ષ નીચે મળે છે. બીજ વરસાદના પાણી મારફતે નદીઓ વિવિધ પ્રદેશમાં લઈ જાય છે. ત્યાં સાનુકૂળતાએ ઉગે છે. સૌરાષ્ટ્રમાં ગિરનાર ઉપરથી શરૂ થતી લોકમાતા-નદીઓ પણ ત્યાંના વૃક્ષોના બીજ પોતાના નીચવાસ પ્રદેશમાં લઈ જાય છે. ત્યા; સાનુકૂળતાએ ઉગે છે એટલે જ ગુજરાત સમૃધ્ધ પ્રદેશ ગણાય છે. કારણ આ વૃક્ષ જે વિસ્તારમાં હોય તેનો સર્વાંગી વિકાસ કરે છે.
શ્રીપર્ણીનો વિકાસ બીજા વૃક્ષો કરતાં ઘણો ઝડપી થાય છે અને તેના પાના બીજા કરતાં મોટા હોય છે. પાન ખરી જાય કે તુરત બીજા આવે છે. આ ઝાડ ૫૦ ફૂટ ક્યારેક ૮૦ ફૂટ સુધીની ઉંચાઈના જોવા મળે છે. તેમાં બે જાત હોય છે નર તથા માદા નર છોડની છાલ લીલી પીળાશ પડતી સફેદ હોય છે. માદા છોડમાં છાલ ઉપર કાળા ડાઘના ટપકાં હોય છે. નરના પાન તથા તેનું ડીંગ માદા કરતાં મનફેર મોટું હોય છે. છોડ નાના હોય છે ત્યારે પાનની ધાર ઉપર બન્ને બાજુ ખાંચા-ખાંચા હોય છે. માદાને બે અને નરને ત્રણ-ચાર ખાંચાઓ હોય છે. કેટલાંક છોડની ધાર ખંડિત હોતી નથી. એ કદાચ માદા છોડ હોઈ શકે. માદા છોડનું ફલિનીકરણ થાય છે. આ વૃક્ષ સાગના કૂળનું છે. મજબૂત અને ટકાઉ છે તેમજ તેમાંથી તેના દુધિયા રંગના લાકડાનું ઉત્તમ ફર્નિચર બને છે. તે પવિત્ર મનાય છે અને હોમ, હવન અને પૂજામાં વપરાય છે.
"શ્રી" એટલે "લક્ષ્મી". "પર્ણી" એટલે "પાન." જેના અંગેઅંગમાં લક્ષ્મીનો વાસ છે તે ઝાડ અને જેની આગણાંમાં હોય છે તેની આર્થિક સ્થિતિ સુધાર્યા સિવાય રહેતું નથી. નાના છોડ ત્યારે કરવતી પાન તો ક્યારેય ખંડિત કિનારી વગરના પણ મળશે. વૃક્ષ મોટું થયે પાનની ધાર કિનારી અખંડિત થઈ જાય છે. પીપળાના પાનથી મોટાં પાન હોય છે. પુષ્પો જાન્યુઆરીની આસપાસ પીળા રંગની સુવર્ણ લગડી હોય તેવા મનોહર હોય છે. પુષ્પો શરૂઆતમાં લીલા પાકે એટલે જાંબુડિયા રંગના ફળો બેસે છે. જે પુષ્પો એપ્રિલ સુધી અને તે ઉપર ફળ બેસી જાંબુડા માફક પાકે એટલે પક્ષીઓ તેનો વધુ ઉપયોગ કરે છે. ઠળિયો લગભગ શંખ જેવો અને જાંબુડાના બી જેવો લગભગ મોટો મળે. પીપળો અને શ્રીપર્ણી લગભગ એકજ પ્રકારના પીપળાના થડ સફેદ શ્રીપર્ણીના પીળા અને પીળા-કાળા ડાઘવાળા હોય છે. પીપળાનો વિકાસ ડાળમાંથી ડાળ એમ ટૂંકાગાળે નવી ફૂટ હોય છે. શ્રીપર્ણીનો વિકાસ લાંબા સોટાથી હોય છે.
શ્રીપર્ણી એટલે લક્ષ્મીનો વાસ
પીપળો વિષ્ણુ સ્વરૂપે છે. તેમાં વિષ્ણુનો વાસ છે અને મોક્ષ મેળવવા માટે ભૂતપ્રેતની ગતિ ન થઈ હોય તેવા જીવો ભમ્યા કરે છે. આપણામાં કહેવત છે કે ભૂતનો વાસ પીપળો. ભૂતપ્રેત અપવિત્ર જીવો છે. અપવિત્રતા હોય ત્યાં લક્ષ્મી રહેતી નથી. લક્ષ્મીને પવિત્રતા ગમે છે. જેથી પીપળાની ઉપાસનાથી આધ્યાત્મિક ઉન્નતિ સાધી શકાશે, પણ નાણાં ભીડમાંથી નીકળી શકાશે નહીં. તેમ શ્રીપર્ણી લક્ષ્મીનું ઝાડ છે એમને પવિત્રતા ગમે છે, વિષ્ણુ પત્ની છે. જેથી ભૂતપ્રેત એ ઝાડથી દૂર રહેવાથી પવિત્ર વાતાવરણ સર્જાવવાથી માણસની આર્થિક ઉન્નતિ થાય છે. આર્થિક ઉન્નતિ સાધવી હોય તો આપણાં મકાન સામે, તેમ ન હોય તો ઘર ગભાણમાં તેમની સામે આવતાં મકાનના મુખ્ય દ્વાર ઉપર ઉભા રહી સામે ડાબા હાથ તરફ નર અને જમણા હાથે માદાનો ઉછેર કરવો. બારણાંનો પ્રયોગ ન કરી શકાય એમ હોય તો પડછાયો કે તેની ડાળીનો છેડો ઘર ઉપર પડે તેમ બંને ઝાડ ગોઠવો. જેથી નારાયણ લક્ષ્મી આપણી મિલ્કત સામે બેસી આપણાં ઉપર આશિષ આપી રહ્યા છે એ ભાવ ઉભો થશે.
રાશિવાર ઉન્નતિકારક મંત્રથી શ્રદ્ધાથી પાણી આપશો તો કદી આર્થિક મુશ્કેલી નહીં થાય આપના ઘરમાં સદા લક્ષ્મીનો વાસ રહેશે તેમ શાસ્ત્રો જણાવે છે.
વિધિ માટે વૃક્ષ પસંદગી
મંત્ર પ્રયોગ માટે આ વૃક્ષ દેવમંદિર, નદી કિનારે, જંગલ, ચોખ્ખી જગ્યા, પવિત્ર જગ્યામાં થયેલું અને બાર વરસ કરતાં વધુ ઉંમર હોય તો સિધ્ધિ મળે છે. વાવ તથા કુવા પાસેનું પણ ચાલે. સંડાસ કે મુતરડી જેવી અપવિત્ર જગ્યાનું વૃ્ક્ષ લેવું તે અનુચિત મનાય છે. શ્રીપર્ણી વૃક્ષની સ્થાપના પૂજા કરવી હોય તો સિધ્ધદાયક નક્ષત્રવાર તિથિના રોજ શુભ ચોઘડિયામાં જમીનમાં ખાડો કરી તેમાં કંકુનો સાથિયો કરી ચોખા, ફૂલ, નાણું, સોપારી મૂકી ઝાડ વાવી દેવું તેમ શ્રીપર્ણી ઝાડ મેળવવા ઉપર પ્રમાણે શુભ સમયે ગાયના ઘીનો દીવો, અગરબત્તી, અછોતું પાણી, કંકુ, લાલ કરેણના ફૂલ, ચોખા, લઈ વૃક્ષ પાસે જઈ પુજન માટે પૂર્વાભિમુખે બેસી જાડના થડનો થોડો ભાગ અછોતા પાણીથી ધોઈ, દીવો અગરબત્તી કરી. ઝાડને સાત ચાંલ્લા કરી. તમામ પૂજાપો ચડાવી. નૈવેદ સન્મુખ મૂકી "વૈતાલાસ્ય, પિશાચાસ્ય, રાક્ષસાચ્ય, શરીરપાણ અધશર્પન્તુ તે સર્વ વૃક્ષસ્માત્ શિવાજ્ઞાયા" આમ બોલી અભિમંત્રિત કરવું પછી "નમસ્તે અમૃતે સર્ભૂતે બલવીર્ય વિવર્ધીની બલમાયુષ્યમે દેહી પાપાન્નો ચાહી દૂરતહ"- આમ મંત્ર નમસ્કાર કરવા. વૃક્ષને કાપતાં પહેલાં ભગવાન વિષ્ણુ તથા વૃક્ષને નમન કરી કહેવું કે "હું મારી તથા મારા સંબંધિત વ્યક્તિઓની સકલ મનોકામનાઓની સિધ્ધિ સારું લક્ષ્મીવાન, ધનવાન બનવા માટે આપને કાલે લેવા આવીશ. આપ મારા નિમંત્રણનો સ્વીકાર કરો." બીજે દિવસે ઉપર પ્રમાણે સમય કાઢી, તમામ પૂજાપો લઈ આગલા દિવસની જેમ પૂજા વિધિ પતાવી "શ્રી સુક્તનો ઓમ હંસઃ ઓમ ગંધ દ્વારા દુરાઘર્ષા નિત્યપુષ્યણિમ્ ઇશ્વરીં સર્વભીતાનાં તામિહો પહવચ્ચે શ્રિયમ્ ઓમ હંસઃ ઓમ" નો જપ કરવો. બે દિવસના પ્રયોગ દરમ્યાન એક વખત જમવું. સ્ત્રી સંગથી દૂર રહેવું અને સતત શ્રી લક્ષ્મી મંત્ર "ઓમ નમઃ શિવાય", ગાયત્રી મંત્ર અને "ઓમ નમો નારાયણ" મંત્રના જાપ ચાલુ રાખી કાપ મૂકવો. ઝાડ કાપતાં કરવતીથી કાપણી કરી કાપવાનું છે. તમામ વિભાગો જુદા પાડવા કુહાડીનો કદી ઉપયોગ કરવાનો નથી પણ તંત્ર પ્રયોગમાં બાર વર્ષ કરતાં વધુ ઉમ્મરનું અપવિત્ર જગ્યાઓ જેવી કે સ્મશાન, ઉકરડો, ગંદકી, વૈશ્યાગૃ્હો, માંસાહાર કે કતલખાનાના, કૂવા અંદર કે સડી ગયેલી, જીવડા ખાઈ ગયેલી હોય તેવી શ્રીપર્ણી કદી ચાલતી નથી. સિધ્ધિ આપતી નથી. શ્રીપર્ણીમાંથી તૈયાર કરવામાં આવેલ કોઈ પણ વસ્તુની શ્રદ્ધાથી ઉપાસના કરવામાં આવે તો જરૂર ફળ મળી શકે છે. શ્રીપર્ણી વૃક્ષ ઉપરોક્ત વિધિવિધાન કર્યા સિવાય લઈએ તો પણ આપે છે, પરંતુ વિધિવિધાનથી ઉપયોગમાં લેતા તુરંત ફળ આપે છે. ચમત્કારિક રીતે વિધિસર લીધેલ શ્રીપર્ણી કાષ્ટની કલમ બનાવી કોઈપણ મંત્રનું લેખન કરવાથી વહેલી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આમ શાસ્ત્રોમાં ઉલ્લેખ કરેલ છે.