
જૂનાગઢ અત્યંત પ્રાચીન તેમજ ઐતિહાસિક શહેર છે. જૂનાગઢને લગતો પ્રથમ ઐતિહાસિક ઉલ્લેખ ચંદ્રગુપ્ત મોર્યનો છે. (ઈ. પૂ. 322-298) અશોકના ગિરનારના લેખમાં જણાવ્યા મુજબ તેના રાષ્ટ્રીય વૈશ્ય પુષ્યમિત્રે સુવર્ણસિકતા નદી પર બંધ બાંધીને સુદર્શન સરોવરનું નિર્માણ કર્યું હતું. અશોકના રાપાલે સુદર્શન સરોવર ઈ. 150માં પુનઃ નિર્માણ કર્યું હતું.
ઈસુની પ્રથમ સદીમાં અહીં ક્ષત્રપ રાજાઓએ 400 વર્ષ રાજ કર્યું ત્યારે ગુજરાતમાં ગુપ્તવંશનું શાસન હતું. ત્યાર બાદ મૈત્રક વંશનું શાસન થયું. આ વંશનો સ્થાપક ભટ્ટારક હતો. આરબોએ આ વંશનો અંત આણ્યો. ત્યાર બાદ 1472 સુધી અહીં યાદવવંશી ચૂડાસમાઓનું રાજ્ય હતું પછી તો દિલ્હીથી મોગલોએ અને બાદમાં સુલતાનોએ અહીં રાજ કર્યું.
ગરવો ગઢ ગિરનાર. ને તેની તળેટીમાં વસેલું જૂનાગઢ. જૂના-ગઢ એટલે ‘જીર્ણદુર્ગ‘ માત્ર ઐતિહાસિક જ નહીં પ્રાચીન-અતિ પ્રાચીન પૌરાણિક સ્થાન. એનો નજીકનો ઈતિહાસ ઉખેળવા બેસીએ તો પાછે પગલે જતાં – આઝાદી પહેલાની નવાબી રાજ્યની વાત ને તે પહેલાંની ચૂડાસમા રાજાઓની વાત – ને તેથીય આગળ ને આગળ જતાં રુદ્રદમન – અશોક – અહીં છેક ભગવાન શ્રીકૃષ્ણના સમય સુધી જવું પડે. બૌદ્ધ ગુફાઓ – અશોક – રુદ્રાદમનનો શિલાલેખ – જૈનમંદિરો ને પછી – જૈન રાસાઓમાંની કથાઓ – નરસિંહનો ચોરો ને દામોદરકુંડ તથા નવઘણ કૂવો ને ઉપરકોટ – થી માંડીને તે બાબી નવાબોની છત્રીઓ સુધીનાં સ્મારકો પરખાય છે.
અત્યારે જે છે તે આ જૂનાગઢ. ગિરનારની છાયામાં વિસ્તરેલું નગર. પ્રાચીન – મધ્યકાલીન અવશેષો અને અર્વાચીન રચનાઓવાળું મિશ્રનગર. નજીકમાં જ ઉપરકોટનો કિલ્લો છે, જેમાં રજપૂત રાજવીનો મહેલ ને વાવો છે. ઉપરકોટમાં ત્રણ ગંજાવર તોપો પણ મળી આવી છે. વિખ્યાત બહારવટિયા ખાપરા ને કોડિયાના ભોંયરા તરીકે ઓળખાતાં સ્થાનો બૌદ્ધ વિહારો હશે એમ લાગે છે. અહીં ખોદકામ કરતાં જૂના કોટની દીવાલો, કોઠારો, કોઠીઓ, ગુપ્ત લિપિ કોતરેલી શિલાઓ, જૂની મૂર્તિઓ, પાત્રો તથા બૌદ્ધકાલીન અવશેષ મળી આવ્યાં છે. જૂનાગઢનો રા‘ખેંગાર પણ પાટણના સિદ્ધરાજની વાગ્દત્તા કુંભારકન્યા રાણકદેવીનું હરણ કરી તેને પરણી ગયો. આથી ક્રોધે ભરાયેલા સિદ્ધરાજે રાણકદેવીને પાછી ઉપડી જવાનો પ્રયત્ન કર્યો, પણ તે તો વઢવાણ પાસે ભોગાવાને તીરે સતી થઈ.
ગામમાં જોવાનું ઘણું છે. ગામ વચ્ચે ગઢ, ગઢના દરવાજા, અંદર ખેંગારના મહેલના અવશેષ, સાંકડી ઊંડી અડચડી વાવ, ને મહેમદાવાદના ભમ્મરિયા કૂવા જેવા સ્થાપત્યના વિસ્મયજનક નમૂનારૂપ નવઘણ કૂવો. કહેવત છે ને કે, ‘અડીચડી વાવ ને નવઘણ કૂવો, ના જુએ તે જીવતે મૂવો.‘ આ બાંધકામો 10માં સૈકાનાં મનાય છે. ગામમાં બાબી નવાબોની છત્રીઓ – નરસિંહ ચોરો – પ્રાણી સંગ્રહાલય – સક્કરબાગને નામે ઓળખાય છે. 19મી સદીનો રાજમહેલ છે......પણ પ્રાચીન સંસ્મરણો જાગે છે જૂનાગઢથી ગિરનારને રસ્તે.