
૧૯૨૬ની સાલની વાત હશે. બાપુ દક્ષિણ તરફ ખાદીકામને માટે પ્રવાસે નીકળ્યા હતા. તામિલનાડુનો પ્રવાસ પૂરો થયો હતો. આંધ્રમાં મોટર મારફતે પ્રવાસ ચાલતો હતો. અમે ચિકાકોલ પહોંચ્યા. રાતના દસેક વાગી ગયા હશે. ત્યાં પહોંચ્યા તો જોયું કે સારી સારી કાંતનારી બહેનોની હરીફાઈ રાખવામાં આવી હતી. ચિકાકોલની ઝીણી ખાદી આખા હિંદુસ્તાનમાં જાણીતી છે. અમે રાતદિવસની મોટરની મુસાફરીથી થાક્યા હતા. અમે વિચાર કર્યો કે બાપુને હરીફાઈમાં હાજર રહ્યા વગર છૂટકો નથી. પણ આપણે નાહક હેરાન શા સારું થવું ? સીધા જઈને સૂઈ જવું જ સારુ;. મહાદેવભાઈ અને હું અમારી જગ્યાએ જઈને ઊંઘી ગયા. બાપુની પથારી કરી રાખેલી હતી. તેઓ ક્યારે આવીને સૂતા તેની ખબર ન પડી.
સવારે ચાર વાગ્યે અમે પ્રાર્થના કરવા ઊઠ્યા. હાથમોં ધોઈ પ્રાર્થના શરૂ કરીએ તે પહેલાં બાપુએ પૂછ્યું, ‘રાત્રે સૂતા પહેલાં તમે પ્રાર્થના કરેલી ?‘ મેં કહ્યું, ‘રાત્રે આવ્યો ત્યારે એટલો થાકી ગયો હતો કે પડ્યો તેવો ઊંઘી ગયો. પ્રાર્થનાનું યાદ જ ન આવ્યું. હમણાં આપે પૂછ્યું ત્યારે યાદ આવ્યું કે રાતની પ્રાર્થના રહી ગઈ !‘
મહાદેવભાઈએ કહ્યું, ‘હું પણ પ્રાર્થના કર્યા વગર જ સૂઈ ગયેલો. પણ આંખ મળે તે પહેલાં યાદ આવ્યું એટલે ઊઠીને પથારીમાં બેસીને જ પ્રાર્થના કરી લીધી. કાકાને ન જગાડ્યા.‘
પછી બાપુએ પોતાની વાત કરી : ‘હું કલાક દોઢ કલાક હરીફાઈમાં બેઠો. ત્યાંથી આવ્યો ત્યારે એટલો થાકી ગયો હતો કે હું પણ પ્રાર્થના કરવાનું ભૂલી ગયો અને એમ ને એમ ઊંઘી ગયો. બે અઢી વાગ્યે આંખ ઊઘડી એટલે યાદ આવ્યું કે સાંજની પ્રાર્થના કરી નથી. મને એવો આઘાત લાગ્યો કે આખું શરીર ધ્રુજવા લાગ્યું. પરસેવાથી રેબઝેબ થઈ ગયો. ઊઠીને બેઠો, ઘણો પસ્તાવો કર્યો. જેની કૃપાથી હું જીવું છું, મારા જીવનની સાધના કરું છું, તે જ ભગવાનને જ ભૂલી ગયો ! આ કેવી ગફલત ! ભગવાનની ક્ષમા માગી. પણ ત્યારથી ઊંઘ નથી આવી. આમ ને આમ બેસી રહ્યો છું !‘
પછી અમે બધાએ મળી સવારની પ્રાર્થના કરી. મહાદેવભાઈએ ભજન ગાયું. પછી બાપુએ કહ્યું, ‘મુસાફરીમાં પણ સાંજની પ્રાર્થના આપણે નિશ્ચિત સમયે જ કરવી જોઈએ. આખા દિવસનો કાર્યક્રમ પૂરો કરીને સૂતા પહેલાં પ્રાર્થના કરવાનું રાખીએ છીએ એ જ ભૂલ છે. હવે આજથી સાંજના સાત વાગ્યે જ્યાં હોઈએ ત્યાં પ્રાર્થના કરીશું.‘
અમારી મોટરની મુસાફરી ચાલુ હતી. સાંજે સાત વાગ્યે ગમે ત્યાં હોઈએ, જંગલમાં હોઈએ કે ગામડામાં ત્યાં ને ત્યાં જ મોટર થોભાવી અમે અમારી પ્રાર્થના કરી લેવાનું શરૂ કર્યું.
- કાકાસાહેબ કાલેલકર