આપણે આકાશમાં તારા જોતા હોવાનું માનીએ છીએ ત્યારે આપણે ખરેખર શું જોતા હોઇએ છીએ ?
આકાશમાં રહેલા તારાઓમાં પણ પદાર્થ – વસ્તુ છે અને તે જગ્યા રોકે છે. પૃથ્વી પરના વાયુના કેટલાંક અંશો (SPECKS) આકાશમાં પહોંચતા હોય છે. જયારે આપણને આકાશમાં રહેલા તારાઓ દેખાય છે ત્યારે આપણે તારાઓ જોઇએ છીએ, તેવું માનીએ છીએને પરંતુ જયારે આપણે આ રીતે તારાઓને નિહાળીએ છીએ ત્યારે શું બનતું હોય છે, તે જાણો છો ?
તે વખતે આપણે ખરેખર તારાઓને નિહાળતા જ નથી, પરંતુ તેમનામાંથી નીકળી ચૂકેલા પ્રકાશને નિહાળીએ છીએ. હવે પ્રકાશની ગતિ ભલે ઘણી છે, એક સેંકડે ૧,૮૬,૦૦૦ માઇલ જેટલી છે, તેમ છતાં તેને અવકાશમાંથી લાંબુ અંતર કાપીને પૃથ્વી ઉપર પહોચવામાં સમય તો લાગે જ છે. સૂર્યના કિરણને પૃથ્વી પર પહોંચવામાં આઠ મિનિટ જેટલો સમય લાગે છે, જયારે કેટલાક તારાઓ તો પૃથ્વીથી એટલા બધા દૂર છે કે, તેમનામાંથી નીકળેલા પ્રકાશને પૃથ્વી ઉપર અને આપણી આંખો સુધી પહોંચવામાં સેંકડો, અરે ! હજારો વર્ષોનો સમય લાગે છે. તેથી આપણે જે જોઇએ છીએ તે ખરેખર આકાશમાંના તારાઓ નહીં, પરંતુ તેમનામાંથી હજારો વર્ષ પહેલાં નીકળેલા અને આંદોલિત થતા પ્રકાશને જોઇએ છીએ; અને આપણે જયારે કોઇ તારાને જોઇએ છીએ તે વખતે ખરેખર તો તે તારો કદાચ કાયમ માટે અસ્ત પામી ગયો હોય તેવો પણ સંભવ છે. તેમ છતાં આપણને તે તારો દેખાય છે તે અજબ વાત છે ને ?