
બધાં પ્રાણીઓ પોતપોતાના બચ્ચાંને જુદી જુદી રીતે સાચવે છે અને ઉછેરે છે પરંતુ કાંગારૂ નામના પ્રાણીની વાત તો કંઈક જુદી જ છે. માદા કાંગારૂ પોતાનાં બચ્ચાંને તેના પેટ ઉપર રહેલી કોથળીમાં રાખે છે. કાંગારૂ ચાલી શકતું નથી પરંતુ કૂદકા મારીને આગળ વધે છે એટલે બચ્ચાંને સાચવવા માટે કુદરતે તેના પેટ ઉપર ખીસા જેવી સરસ મઝાની કોથળી આપી છે. જેમાં તે બચ્ચાંને આરામથી મુકીને સુવરાવી પણ દે છે.
ઓસ્ટ્રેલિયામાં કાંગારૂ ખૂબજ જોવા મળે છે. કાંગારૂ ચારજાતના જોવા મળે છે. સામાન્ય કૂતરાથી થોડુ મોટું એવું કાંગારૂ ચાર પગવાળુ પ્રાણી છે પરંતુ તેના આગલા બે પગ ટૂંકા હોય છે અને પાછલા પગ લાંબા અને મજબૂત હોય છે. કાંગારૂને ભરચક વાળવાળી જાડી પૂંછડી હોય છે જેનો તે ગાદી તરીકે બેસવા માટે ઉપયોગ કરે છે. કાંગારૂ ટોળામાં જંગલમાં રહે છે તે માણસથી ડરતું નથી અને વનસ્પતિ ખાઈને જીવે છે. દેખાવે સુંદર અને રમતિયાળ પ્રાણી છે. ઓસ્ટ્રેલિયાનું તે રાષ્ટ્રીય પ્રાણી છે.