પ્રશ્ન: કરોળિયો ઘણી વખત હવામાં તરતો જોવા મળે છે, જે વખતે તેનો બારીક તાર પણ દેખાય છે. ઊડવા માટે કરોળિયાને પાંખો ન હોવા છતાં તે અદ્ધર કેમ રહી શકે છે ?
જવાબ: કરોળિયા માટે સામાન્ય લોકો એવું માનતા હોય છે કે રેશમના તારનું જાળું ગૂંથ્યા પછી તેમાં શિકારના આગમનને ટાંપી રહેતા એ બગભગત જરાય હલેચલે નહિ. માન્યતા ખોટી નથી, છતાં અનેક જાતના કરોળિયા અમુક સીઝનમાં હજારો કિલોમીટર લાંબો પ્રવાસ ખેડે છે. પંખીડાંની જેમ તેઓ સ્થળાંતર કરી જાણે છે. પ્રવાસ શરૂ કરવા માટે પહેલાં સરેરાશ કરોળિયો ઊંચા ખડક પર, ઝાડની ટોચ પર કે થાંભલા પર ચડી રેશમનો તાર કાઢે છે. ક્યારેક તે સૌ પ્રથમ લંગર જેવું ટોચકું ગૂંથે છે અને પછી તેના સાથે જોડાયેલો બારીક તાર બનાવવા માંડે છે. પવનમાં એ ટોચકું ખરેખર ટચૂકડી અમથી પતંગનું કાર્ય બજાવતું જાય તેમ કરોળિયો વધુને વધુ તાર કાઢી ઢીલ મૂકતો રહે છે—અને દરમ્યાન પગ વડે તે પાંદડાને કે ખડકને બરાબર પકડી રાખવાનુંયે ચૂકતો નથી. તારણશક્તિ વધાર્યા કરતો રેશમી તાર છેવટે એટલો લાંબો થાય છે કે કરોળિયાના વજનને તે આસાનીપૂર્વક પકડી લે. કરોળિયો એ વખતે જમીનથી પકડ છોડી હવામાં ઝુલાવાનું શરૂ કરી દે છે.
પેરાગ્લાઇડિંગ જેવો કરોળિયાનો લાંબો પ્રવાસ તેને કેટલે દૂર પહોંચાડી શકે તેનું અનુમાન કરવાને બદલે પરબારા આંકડા જ વાંચો : ઉત્ક્રાંતિવાદ માટે જાણીતા ચાર્લ્સ ડાર્વિને આર્જેન્ટિના દેશના પૂર્વ કાંઠે મધદરિયે કરોળિયાને હવામાં તરતા જોયા હતા. સાગરકાંઠો ત્યારે ડાર્વિનના વહાણ કરતાં ૧૫૦ કિલોમીટર છેટે હતો. બલૂન દ્વારા પ્રવાસ ખેડતા એક અમેરિકન સાહસિકે ૧૯૭૦ માં ઍટલાન્ટિક મહાસાગરના ભરઆકાશે બે કરોળિયા દીઠા હતા. આસપાસમાં ૧,૨૦૦ કિલોમીટર સુધી ક્યાંય જમીન ન હતી. પેરાગ્લાઇડિંગ કરીને જ બન્ને કરોળિયા અફાટ મહાસાગર ઓળંગી રહ્યા હતા ! હિમાલયનાં ૨૨,૦૦૦ ફીટ ઊંચાં શિખરોને પાર કરી જવા માટે એ લેવલે ઊડતા સંખ્યાબંધ કરોળિયાને પણ એક પર્વતારોહક ટીમે પોતાની નેટમાં સપડાવ્યા હતા !
અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં સેન્ટિનલ રૉક નામનો ખડતલ ટેકરો છે. વસંત ઋતુ દરમ્યાન તેના પર લાખો કરોળિયા ભેગા થાય છે અને પોતપોતાના તાંતણાને સામટા હવામાં પ્રસારવાનું શરૂ કરે છે. થોડા કલાક પછી દ્રશ્ય જોયું હોય તો નજર સામે રેશમી સફેદ રેષાનો ૬,૫૦૦ ફીટના વ્યાસનો ગુંબજ—અને તેય વળી ૪૦૦૦ ફૂટ ઊંચો. ટૂંક સમય બાદ લાખો કરોળિયા ટેકરાની પકડ છોડી દે, એટલે રાક્ષસી પેરેશૂટ જેવો ગુંબજ હવામાં અને તેના ભેગા લાખો કરોળિયા પણ હવામાં !