શું કોઇ પ્રાણી વર્ષો સુધી ખોરાક વિના જીવતું રહી શકે ?
એકાદ વર્ષ જેટલા સમય સુધી કોઇક પ્રાણી આહાર વિના જીવી શકે તેવા દાખલાઓ, બનાવો જોવા મળે છે, જેમાં માણસો પણ આઠ માસ જેટલા સમય સુધી ખોરાક વિના (પાણી નહીં) ઉપવાસ કરીને જીવતા રહેલા છે; જયારે અન્ય પ્રાણીઓમાં ઊંટ અમુક દિવસો સુધી આહાર અને પાણી વિના રહી શકે તેવા કિસ્સાઓ જોવા મળ્યા છે. તદુઉપરાંત સાપ અને વીંછી જેવાં પ્રાણીઓ આહાર વિના ૪૨૦ દિવસ સુધી જીવતા રહેવાના કિસ્સાઓ જોવામાં આવ્યા છે. આ બધાં પ્રાણીઓમાં નાના શરીરવાળાં પ્રાણીઓની, આ રીતે ખોરાક વિના લાંબો સમય જીવી શકવાની, જીવન ટકાવી શકવાની શકિત વિશેષ જોવા મળી છે.
આવાં પ્રાણીઓને ખોરાક ન મળે તો તેમનાં શરીર સુકાઇ જાય છે, શોષાય છે અને મૃતઃપ્રાય જેવાં થઇને ઘણાં વર્ષો સુધી તે પડયાં રહે છે અને તેમને ભેજનો સહારો મળતાં જ પાછાં ચેતન અવસ્થામાં આવી જાય છે.
આવાં પ્રાણીઓ મોટાં ભાગે ભેજવાળાં વાતાવરણમાં રહેતાં હોય છે અને જયારે ભેજ સુકાઇ જાય છે ત્યારે તેમનાં શરીર પણ સંકોચાઇ જાય છે, સુકાઇ જાય છે. તેમનું હલનચલન ધીમે ધીમે બંધ થઇ જાય છે અને તેમનાં શરીર જાણે ધૂળ કે રેતીનો થર જામી ગયો હોય તેવાં થઇ જાય છે. આવી સ્થિતિમાં તે વર્ષ પછી વર્ષો સુધી પડયાં રહે છે અને દેખાવમાં બધી રીતે મૃત લાગે છે.
આમ છતાં, આવી સ્થિતિમાં જો તેમને પાણીની અંદર મૂકવામાં આવે તો થોડી મિનિટોમાં જ તે ચેતનાવસ્થામાં આવી જશે. તેમનાં શરીર સંકોચાવાથી પડેલી કરચલીઓ દૂર થઇ જશે, પગ પહોળા થશે અને ધીમે ધીમે તે હલનચલન કરવા લાગશે. એકાદ કલાકમાં તો તે હંમેશની જેમ પૂરેપૂરા સક્રિય બની જશે.
આવાં પ્રાણીઓમાં ગોકળગાય પણ આવે છે. તે વર્ષો સુધી ખોરાક વિના અને મરી ગઇ હોય તેવી સ્થિતિમાં પડી રહેશે અને પછી એકાએક જાણે તેને કશું જ થયું ન હોય તેમ, હલનચલન કરવા લાગશે.
આનું એક ખાસ નોંધપાત્ર દ્રષ્ટાંત ઇજિપ્તનાં રણની એક ગોકળગાયનું છે. તેને મરી ગયેલી માનવામાં આવી હતી અને બ્રિટનના સંગ્રહસ્થાનમાં ઇ.સ. ૧૮૪૬ના ૨૫મી માર્ચથી રાખવામાં આવી હતી. ઇ.સ. ૧૮૫૦ના ૭મી માર્ચના રોજ એવું જોવામાં આવ્યું કે, તે પોતાની લાંબી ઊંઘમાંથી જાગી હતી અને તેના શંખ-ઘરમાંથી બહાર નીકળી શતી. તે પછી તે ઘણા વખત સુધી જીવી હતી.