
સુખડ બાજોઠી ઘડાવો રે, મારા ગણેશ દૂંદાળા.
ગણેશ દૂંદાળાને મોટી ફાંદાળા ,
પરથમ ગણેશ બેસાડો રે, મારા ગણેશ દૂંદાળા.
કૃષ્ણની જાને રૂડાં ઘોડલાં શણગારો,
ઘોડલિયે પીત્તળિયા પલાણ રે, મારા ગણેશ દૂંદાળા.
કૃષ્ણની જાને રૂડાં હાથીડાં શણગારો,
હાથીડે લાલ અંબાડી રે, મારા ગણેશ દૂંદાળા.
કૃષ્ણની જાને રૂડી વેલડી શણગારો,
વેલડીએ મીણીયા માફા રે, મારા ગણેશ દૂંદાળા.
કૃષ્ણની જાને રૂડાં દેવતા શણગારો,
નવખંડ નોતરા દીધા રે, મારા ગણેશ દૂંદાળા.
કૃષ્ણની જાને રૂડાં જાનૈયા શણગારો,
જાનૈયા લાલ ગલાલ રે, મારા ગણેશ દૂંદાળા.
કૃષ્ણની જાને રૂડી જાનડી સોંડાડો,૪
જાનડીઉં કેશર ભીની રે, મારા ગણેશ દૂંદાળા.
દેશો તે દેશના દેવતા તેડાવ્યા,
ગણેશ મેલ્યા વિસારી રે, મારા ગણેશ દૂંદાળા.
પેટ છે મોટું ને સૂંઢ છે લાંબી,
ગણેશ આવે સૌ લાજે રે, મારા ગણેશ દૂંદાળા.
છેટે સીમાડે જાનું જયાં પહોંચિયું.
ઈશ્ર્વરનો રથ ભાંગ્યો રે, મારા ગણેશ દૂંદાળા.
ભાંગી પીંજણીઉં ને ભાંગ્યા તળાવા,
ઘોરીડે તૂટી બેવડ રાશું રે, મારા ગણેશ દૂંદાળા.
ઉઘાડે વાંસે ને અણવાણે પગે,
ગણેશ મનાવા જાય રે, મારા ગણેશ દૂંદાળા.
તમો ગણેશ ને તમે પરમેશર,
તમ આવ્યે રથ ચાલે રે, મારા? ગણેશ દૂંદાળા.
અમે દૂંદાળા ને મોટી ફાંદાળા,
અમ આવ્યે તમે લાજો રે, મારા ગણેશ દૂંદાળા.
અમારે જોશે મણના રે લાડું,
મણના જોશે તો સવાના દેશું રે, મારા ગણેશ દૂંદાળા.
જાગ જનોઈ ને લગન અઘરણી,
પરથમ ગણેશ બેસારો રે, મારા ગણેશ દૂંદાળા.