
ગણેશ પાટ બેસાડીયે, ભલાં નીપજે પકવાન,
સગાં તે સમરથ તેડીએ, જો પૂજયા હોય ભગવાન.
ઘૂઘરિયાળો ઝાંપલો, સાંકળિયાળી છે વાડ્ય,
વાડ્યે વછેરાં ઊછરે, જો પૂજયા હોય ભગવાન.
સોનલા ગોળી ગોરસ ભરી, નેતરે વળગી નાર,
નત્ય નત્ય ગોરસ ઘૂમતી, જો પૂજયા હોય ભગવાન.
સાંકળિયાળી જોટડી, બાંધી હોય ઘરને બાર,
સાંજ સવારે મેળીએ, જો પૂજયા હોય ભગવાન.
માતાજી ઘી તાવણે, મારી ભાભી પીરસણે હોય,
ભેળો બેસારું ભતરીજને, જો પૂજયા હોય ભગવાન.