
એક દેવકી જશોદા બે બેનડી હરનું હાલરડું,
બે બેની પાણીડાંની હાર્યું રે ગોવિંદજીનું હાલરડું.
દેવકી પૂછે જશોદા કેમ દૂબળાં રે હરનું હાલરડું,
બાઈ તારે તે કેટલા છે માસ રે ગોવિંદજીનું હાલરડું.
મેં તો સાત જણ્યાં તોય વાંઝીઆં રે હરનું હાલરડું,
હવે આઠમાની કરવી શી આશ રે ગોવિંદજીનું હાલરડું.
પેલે માસે તે જાણ્યું અજાણ્યું રે હરનું હાલરડું,
બીજે માસે તે હૈયડામાં જાણ્યું રે ગોવિંદજીનું હાલરડું.
ત્રીજે માસે સૈયરને સંભળાવીઆં રે હરનું હાલરડું,
ચોથે માસે તે ચૂરમાંના ભાવા રે ગોવિંદજીનું હાલરડું.
પાંચમે માસે તે પંચમાસી બાંધી રે હરનું હાલરડું,
છઠ્ઠે માસે તે મૈયર કાગળ વળાવ્યાં રે ગોવિંદજીનું હાલરડું.
સાતમે માસે તે ખોળલા ભરીઆ રે હરનું હાલરડું,
આઠમે માસે મૈયરીએ વળાવ્યાં રે ગોવિંદજીનું હાલરડું.
નવમે માસે તે કાનકુંવર જલમીઆ રે હરનું હાલરડું,
સોના – છરીએ તે નાળ વધેર્યાં રે ગોવિંદજીનું હાલરડું.
એ તો રૂપલાની કોશે ભંડાર્યા રે હરનું હાલરડું,
પાણી સાટે દૂધડીએ જવરાવ્યાં રે ગોવિંદજીનું હાલરડું.
હીર સાટે તે ચીરમાં વીંટાળ્યાં રે હરનું હાલરડું,
ચોખા સાટે મોતીડે વધાવ્યાં રે ગોવિંદજીનું હાલરડું.
બાર વાસાનું બાળક બોલિયું રે હરનું હાલરડું,
માડી મને રમકડાં લૈ આલો રે ગોવિંદજીનું હાલરડું.
સોનાગેડી ને રૂપલાં દડૂલીઓ રે હરનું હાલરડું,
જળ જમનાને કાંઠડે દોટાવ્યો રે ગોવિંદજીનું હાલરડું.