
સાવ રે સોનાનું મારું પારણિયું
ને ઘૂઘરીના ઘમકાર, બાળા પોઢો ને !
ચાર પાયે ચાર પૂતળિયું
ને મોરવાયે બે મોર, બાળા પોઢો ને !
સુવડાવ્યા સૂવે નહિ
ને આ શાં કળજગ રૂપ, બાળા પોઢો ને !
જેમ તેમ કરી બાળ સુવારીઆં
ને કરવાં ઘરનાં કામ, બાળા પોઢો ને !
કામકાજ કરીને ઊભાં રિયાં ને
તોય ન જાગ્યાં બાળ, બાળા પોઢો ને !
બાઈ રે પાડોશણ બેનડી
ને હજી નો જાગે બાળ, બાળા જાગોને !
બાઈ તારું બાળક બીનું છે
ને લાવો ઉતારીએ લૂણ, બાળા પોઢો ને !
સરખી સાહેલી ભેળી થઈ
ને જગાડયાં નાનાં બાળ, બાળા પોઢો ને !