
નિલગીરીના પર્વત ઉપર રાજા ઇન્દ્રદયુગ્નએ ઘણા વર્ષો સુધી તપ કર્યું ત્યારે ભગવાને પ્રસન્ન થઇને રાજાને કહ્યું હે રાજન, બ્રહ્માદિક દેવતાઓને બોલાવી મારી આ સ્થાને જ પ્રતિષ્ઠા કરો. આ સ્થાન ખૂબ જ પવિત્ર છે. આ સ્થાનમાં મારો વાસ છે. તેથી આ ધામ સમગ્ર વિશ્વમાં સુપ્રસિદ્ધ થાય તેવી મારી ખેવના છે. રાજા ઇન્દ્રદયુગ્ને બ્રહ્માદિક દેવતાઓને આમંત્રણ આપી પૂજા - પ્રતિષ્ઠા કરી. ત્યાર બાદ તમામ દેવતાઓ પૂજા પૂર્ણ કરી તીર્થ પ્રસાદ લઇ સ્વસ્થાને વિદાય થયા.
સમય જતાં રાજાએ વિશ્વકર્માના વંશજોને ખબર આપી સુથારને બોલાવી અને લાકડામાંથી મુર્તિઓ તૈયાર કરવા જણાવ્યું. સુથારે કહ્યું હું જરૃર મુર્તિઓ બનાવું પરંતુ હું જે ઓરડામાં આ મુર્તિઓ તૈયાર કરું તે ઓરડાના દ્વાર તમારે સળંગ એકવિસ દિવસ સુધી બંધ રાખવા. મહારાજે સુથારની આ શરતને સ્વિકારી. સુથાર ઓરડામાં મુર્તિ સર્જનના કામમાં દિવસ રાત પરોવાઇ ગયો. અગિયારમા દિવસે રાજાને ઓરડામાં થતી મુર્તિ ઘડાવાનો અવાજ કે અન્ય આવાજ કાને ન પડતા ચિંતા થઇ. રાજાએ ઓરડાના દ્વાર ખોલી નાખ્યા. તેથી મૂર્તિનું કામ અધૂરું રહ્યું. સુથારે કહ્યું હાથ અને પગ બાકી રહ્યા છે જે હવે હું નહીં બનાવું. સુથારના આ વચનથી રાજા ખુબ દુઃખી થયો અને પોતાની જાત પર ધિક્કારવા લાગ્યો. રાજા જ્યારે આત્મવિલાપ કરી રહ્યાં હતા ત્યારે અચાનક આકાશવાણી થઇ કે, હે રાજન! તમે લેશ માત્ર શોક કરશો નહીં. મુર્તિઓ જો પૂર્ણ સ્વરૃપમાં બનતી હોત તો સંસારમાંથી કર્મફળ નષ્ટ થાત. જેના કારણે અહીં દર્શને આવેલો ભક્ત દર્શન કરતા જ ચતુર્ભૂજ બનતો. માટે જ અમારી અપૂર્ણ હાથ પગ વગરની મૂર્તિઓ બની છે અને તેમાં જ મારી પ્રાણપ્રતિષ્ઠા કરો. હવે પછી આજ પ્રમાણેની લાકડાની મુર્તિઓ દર બાર વર્ષે અવશ્ય બદલતા રહેવું.