
સને ૧૯૨૬ની વાત છે. રાજાજીની યોઠવણ મુજબ બાપુ દક્ષિણમાં ખાદીયાત્રા કરતા હતા. ફરતા ફરતા અમે શિમાગો પાસે પહોંચ્યા. ત્યાંથી ગેરસપ્પાનો ધોધ નજીકમાં છે. ત્યાં જવા માટે રાજાજીએ મોટર, વગેરેનો પૂરેપૂરો બંદોબસ્ત કર્યો હતો. દસબાર માઈલનો રસ્તો હતો. રાજાજી, તેમનાં બાળકો, દેવદાસ, ગંગાધરરાવ દેશપાંડે, હું, મણિબહેન પટેલ (વલ્લભભાઈ પટેલનાં દીકરી) એમ ઘણાં જણ તૈયાર થયાં. મેં બાપુને પણ સાથે આવવા વિનંતી કરી. તેમનું મન ન જોયું એટલે મેં કહ્યું, ‘લૉર્ડ કર્ઝન હિંદુસ્તાન આવ્યો ત્યારે પહેલી તકે ગેરસપ્પા જોવા આવેલો. આ ધોધ આખી દુનિયામાં ઊંચામાં ઊંચો છે.‘ બાપુએ પૂછ્યું, ‘નાયગરા કરતાં પણ ઊંચો ?‘ મેં મારું જ્ઞાન બતાવતાં જવાબ આપ્યો, ‘નાયગરામાં પડતા પાણીનું ઘનમાપ સૌથી વધારે છે પણ ઊંચાઈમાં તો તેનાથી ચડતા સેંકડો ધોધ આપણે ત્યાં તથા બીજા દેશોમાં છે. ગેરસપ્પાનું પાણી ૯૬૦ ફૂટની ઊંચાઈએથી સીધું નીચે પડે છે. દુનિયામાં ક્યાંયે એટલો ઊંચો ધોધ નથી.‘
મારા મનમાં એમ કે આ બધું જાણીને બાપુને પણ પાણી ચડે. પરંતુ તેમણે મારા પર ઊલટું ટાઢું પાણી રેડ્યું ! ધીમે પૂછ્યું, ‘અને આકાશમાંથી વરસાદ પડે છે તે કેટલી ઊંચાઈએથી પડે છે ?‘ હું મનમાં ભોંઠો પડ્યો. પછી ભાન આવ્યું કે હું એક સ્થિતપ્રજ્ઞ સાથે વાત કરુ; છું. એટલે બાપુને પટાવવાનું છોડી મેં બીજી દરખાસ્ત મૂકી : ‘ઠીક, આપ ન આવો તો ભલે; પણ મહાદેવભાઈને મોકલો. આપના કહ્યા વિના તે નહીં આવે.‘ બાપુએ જરાયે અચકાયા વગર કહ્યું, ‘મહાદેવ નહીં આવે, હું જ એને ગેરસપ્પા છું.‘ મને ખ્યાલ નહીં કે તે દિવસે એમનો યંગ ઇંડિયાનો દિવસ હતો. એ વંટોળિયા જેવા પ્રવાસમાં પણ યંગ ઇંડિયા ને નવજીવન એ બે પત્રો ચલાવવાનો ભાર તેમણે બંનેએ પોતાને માથે રાખ્યો હતો. તે દિવસે તેઓ ન લખે તો નિશ્ચિત દિવસે છાપુ નીકળે નહીં. હું ચિડાઈને બોલ્યો, ‘નથી તમે આવતા, નથી મહાદેવને મોકલતા; ત્યારે હું પણ શું કામ જાઉં ? મારે પણ નથી. જવું !‘ બાપુ કોમળતાથી સમજાવવા લાગ્યા, ‘ગેરસપ્પા જોવા જવાનો તમારો ધર્મ છે. તમે શિક્ષક છો ને ? તમે જોશો તો વિદ્યાર્થીઓને ભૂગોળનો એક સારો પાઠ શીખવી શકશો. તમારે જવું જ જોઈએ.‘
જે ગેરસપ્પાની નાનપણથી વાતો સાંભળતો આવ્યો હતો અને જે જોવાનો સંકલ્પ કરતો કરતો હું નાનેથી મોટો થયો હતો તે જોવા જવાને માટે આથી વધારે આગ્રહની મારે જરૂર નહોતી. ત્યાં જવા હું તલપી રહ્યો હતો પણ બાપુનો આદેશ થયો એટલે હવે ત્યાં જવાનું કર્તવ્યરૂપ થઈ ગયું. હું ખુશીથી તૈયાર થયો ને ‘ગેરસપ્પાનું દર્શન‘ કરી કૃતાર્થ થયો.
બાપુ પરની ચીડનો આ આખો કિસ્સો મેં ક્યાંક બહાર પાડ્યો બાપુએ પણ તે વાંચ્યો જ હશે. કેમ કે લગભગ પંદર વરસ પછી બાપુએ કોઈક કારણસર મહાદેવભાઈને મૈસૂરના દીવાન સર મિરઝા ઇસ્માઈલ પાસે મોકલ્યા હતા. કંઈ નાજુક વાટાઘાટ કરવાની હોય ત્યારે બાપુ મહાદેવભાઈને જ મોકલતા.
મહાદેવભાઈ જવા નીકળ્યા ત્યારે બાપુએ કહ્યું, ‘જુઓ, તમે મૈસૂર જાઓ છો; ને કામને માટે ત્યાં થોડું રોકાવાનું પણ થશે. અહીં જલદી પાછા આવવાની જરૂર પણ નથી. એટલે આ વખતે ગેરસપ્પા જરૂર જોતા આવજો. મેં સર મિરઝાને લખ્યું છે. તેઓ તમને બધો બંદોબસ્ત કરી આપશે.‘
મહાદેવભાઈ ગેરસપ્પા જોઈ આવ્યા. મને લાગે છે કે એથી એમને થયો હશે તેના કરતાંયે વધારે સંતોષ મને થયો. અને બાપુ કદાચ એક જ કામથી બેને સંતોષ થયો એમ માની સંતોષ પામ્યા હશે.
- કાકાસાહેબ કાલેલકર