
‘વો તો હમારી ગુજરાતન હૈ‘
સરદારની અને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની અનેક યાદગાર તસવીરો ખેંચનાર -
પ્રથમ મહિલા ન્યૂઝ ફોટોગ્રાફર - હોમાય વ્યારાવાલા
‘યે લડકી કૌન હૈ ? કહાં સે આઈ હૈ ? પૂછનારે પ્રશ્ન શુદ્ધ જિજ્ઞાસા અને કુતૂહલથી પૂછ્યો હતો. આઝાદ ભારતની રાજધાની દિલ્હીનો એ વરસાદી દિવસ હતો. તેમાં ગાંધીજીની સમાધિ પાસે એક યુવતી એક હાથમાં ખુલ્લી છત્રી અને બીજા હાથમાં કેમેરા પકડીને ઉભી હોય, પોતે પલળે એનો વાંધો નહીં, પણ પોતાનો કેમેરા ન ભીંજાય તેનું ધ્યાન રાખીને એ તસવીરો લેતી હોય એટલે કોઈને પણ નવાઈ લાગે. એ કોઈમાં આઝાદ ભારતના પહેલા રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદ પણ બાકાત નહીં. તેમણે
‘લડકી‘ વિશે જેમને સવાલ પૂછ્યો એ હતા ભારતના નાયબ વડાપ્રધાન
‘સરદાર‘ વલ્લભભાઈ પટેલ.
એ દિવસનું ઐતિહાસિક મહત્વ હતું. કેમ કે ભારત પ્રજાસત્તાક બનવાનું હતું અને ભારતના બંધારણીય વડા તેમજ પ્રથમ નાગરિક એવા ભારતના રાષ્ટ્રપતિનો શપથવિધિ સમારંભ ૨૬મી જાન્યુઆરી, ૧૯૫૦ના દિવસે યોજાવાનો હતો. રાષ્ટ્રપતિ તરીકે શપથ લેતાં પહેલાં ડૉ. રાજેન્દ્રપ્રસાદે રાજઘાટ જવાની ઈચ્છા વ્યક્ત કરી. તેમની સાથે તેમનાં પત્ની, તેમનાં બહેન, વલ્લભભાઈ અને મણિબહેન પણ હતાં. દિલ્હીમાં સ્થાયી થયેલાં ફોટોગ્રાફર હોમાય વ્યાવાલા આ ઘટનાનું ઐતિહાસિક મહત્વ પૂરેપૂરું સમજતાં હતાં. તેથી જ વિપરીત વાતાવરણ વચ્ચે પણ તે આ ક્ષણ કેમેરામાં ઝડપી લેવા હાજર હતાં. એ જમાનામાં ન્યૂઝ ફોટોગ્રાફર્સ જૂજ સંખ્યામાં અને મહિલા ન્યૂઝ ફોટોગ્રાફર તો આ એક જ. એટલે રાજેન્દ્રબાબુના સવાલના જવાબમાં વલ્લભભાઈએ ભારે ગૌરવથી જવાબ આપ્યો,
‘વો તો હમારી ગુજરાતન હૈ‘. વલ્લભભાઈ સાથે રહેતા તેમના મદદનીશ અને ભત્રીજા ઈશ્વરલાલે પછીથી હોમાયબહેનને આ વાત કહી હતી.
હોમાય વ્યારાવાલાને સરદાર પટેલ સાથે ‘પુરાની પહેચાન‘ હતી. આઝાદી મળ્યા પછી હજુ
‘પ્રેસ ઈન્ફર્મેશન બ્યુરો‘ શરૂ થયો ન હતો. માહિતી અને પ્રસારણ ખાતું એ વખતે પોતાનો ફોટોગ્રાફી સંબંધી વિભાગ શરૂ કરવાની તૈયારીમાં હતું. સરદાર પટેલ આ ખાતાના વડા. ફોટોગ્રાફીના વિભાગ માટે ફોટોગ્રાફર્સની નિમણૂંક કરવા અંગે
‘માહિતી અને પ્રસારણ મંત્રાલય‘ તરફથી જાહેરખબર પ્રકાશિત કરવામાં આવી. તેમાં છેલ્લે મૂકાયેલા બે શબ્દો ખાસ ધ્યાન ખેંચે એવા હતા. એમાં લખ્યું હતું :
‘વીમેન એલીજીબલ.‘ એ વખતે અન્ય કોઈ મહિલા ફોટોગ્રાફર હતી જ નહીં. હોમાયબહેન એ વાત યાદ કરતાં કહે છે, ‘મને લાગે છે કે એ શબ્દો મારા માટે જ હતા. સરદારે મને ધ્યાનમાં રાખીને જ એ બે શબ્દો ઉમેરાવ્યા હશે.‘ સરકારી નોકરી કરવાની હોમાયબહેનની જરાય ઇચ્છા નહોતી. આથી તેમણે અરજી કરી નહીં.

સરદાર સાથે તેમને અંગત કહેવાય એવો સંબંધ ન હતો, પણ વારે તહેવારે ફોટોગ્રાફરનું કામ પડે ત્યારે સરદારને ‘બહેન‘ જ યાદ આવતાં હતાં. એક વખત દિવાળીની રાત્રે સરદારના દિલ્હીના નિવાસને કોડિયાંના દીવાઓથી સજાવેલો. રાત્રે દસેક વાગ્યે સરદારે રોશનીનું દ્શ્ય જોયું. તેમને એ દ્રશ્ય ગમી જતાં તેમણે ઈશ્વરલાલને કહ્યું, ‘બહેનને જઈને કહે કે ઘરની રોશનીનો ફોટો પાડી જાય.‘ ઈશ્વરલાલ હોમાયબહેનના કોનોટ પ્લેસના નિવાસસ્થાને ઉપડ્યા. રાત્રે અગિયાર વાગે હોમાયબહેને બંગલાની સાદી છતાં મનમોહક રોશનીની તસવીરો લીધી. ખાસ્સું એક મિનિટ સુધીનું એક્સપોઝર આપીને તેમણે લીધેલી એ તસવીર આજે પણ હોમાયબહેનનો ખજાનો શોભાવે છે. ‘એ તસવીરો જોઈને સરદારે શું કહ્યું હતું?‘ એવા સવાલના જવાબમાં હોમાયબહેને કહ્યું, ‘મેં એમને એ ફોટો મોકલી આપેલો. એ ફોટો જોઈને એ રાજી થયા હશે. બસ, પછીથી અમારે એ વિશે કંઈ વાત થઈ ન હતી. એમાં શું વાત કરવાની ?
હોમાયબહેનના મતે સરદારનો સ્વભાવ એવો બહિર્મુખી હતો જ નહીં ! પહેલી નજરે જ એ દઢતા અને મક્કમતાની એ પ્રતિકૃતિ જણાતા. એમની ઢબછબ, બોલચાલ આ બધામાં એક પ્રકારની ગંભીરતા અને મક્કમતા દેખાતી હતી. પંડિતજી (જવાહરલાલ નેહરુ)નું વ્યક્તિત્વ સરદારથી તદ્દન વિપરીત પ્રકારનું હતું. તસવીરકારો પાસે પણ નહેરુ સામેથી મળવા પહોંચી જતા. તેમની સરખામણીમાં સરદાર તો પોતાના કામમાં જ વ્યસ્ત. સદા ગંભીર અને શાંત છતાં મક્કમ.
સરદારના વ્યક્તિત્વનાં પ્રશંસક હોમાયબહેને ભાગલાનો સ્વીકાર કરવાના સરદારના નિર્ણયને સ્વીકારી શક્યાં ન હતાં. ભારતના ભાગલાનો નિર્ણય લેવાયો એ મિટિંગમાં કેવળ બે તસવીરકારો હાજર હતા. એમાંના એક હોમાયબહેન પણ હતાં. ભારતના ભાગલાની તરફેણમાં સરદારે કહેલા શબ્દો હોમાયબહેનને આજે ૯3 વરસની ઉંમરે પણ યાદ છે. સરદારે કહેલું, ‘આપણા એક હાથમાં સડો લાગે અને તેમાં ધનુર થાય તો હાથને કાપી નાખવો પડે. નહીંતર સડો આખા શરીરમાં ફેલાઈ જાય.
સરદારના આ શબ્દો સાંભળીને એ વખતે હોમાયબહેનને થયું હતું કે શું આ વાત સડો લાગેલા ભાગને કાપીને ફેંકી દેવા જેટલી સીધી અને સરળ છે ?
સરદાર પટેલનું મુંબઈમાં અવસાન થયું ત્યારે હોમાયબહેન દિલ્હીમાં હતાં. માટે એ સરદારની અંતિમ યાત્રાની તસવીરો લેવાનું હોમાયબહેન માટે શક્ય ન બન્યું. એ વખતે (બિરલા પરિવારના અખબાર)
‘હિન્દુસ્તાન ટાઈમ્સ‘ના કાર્યાલય પર સરદાર સાહેબના મૃત્યુની જાહેરતની તસવીર ખેંચીને હોમાયબહેનને સંતોષ માનવો પડ્યો હતા. સરદારને યાદ કરતાં હોમાયબહેન કહે છે, “ તે ઘણા વહેલા ગુજરી ગયા. બાકી પંચોતેર વરસ એ કંઈ મૃત્યુની ઉંમર છે ?”