
પહેલાં ગાંધીજી કોટ, પાટલૂન અને ટોપો પહેરતા. પછી તેમણે પહેરણ અને લુંગી પહેર્યાં. ત્યાર પછી તેઓ ધોતિયું, અંગરખું તથા ફેંટો ધારણ કરવા લાગ્યા.
તે બાદ ગાંધીજીએ ખાદીની પોતડી, ખાદીનું પહેરણ અને ખાદીની ટોપી પહેર્યાં. પાછળથી તેઓ કેવળ કચ્છ પહેરતા.
પોશાકમાં આવા ફેરફારો ગાંધીજીએ કેમ કર્યા એ જાણવા જેવું છે.
તેઓશ્રી જુવાનીમાં દ ક્ષિણ આફ્રિકામાં રહેવા ગયા હતા. ત્યાં વકીલાત કરતા અને બધા વકીલ-બારિસ્ટરોની જેમ પરદેશી ઢબનો પોશાક પહેરતા.
પણ એ દેશમાં હિંદીઓનતું પારાવાર અપમાન થતું હોવાથી ગાંધીજીએ આપણી પ્રજાને કેળવી સત્યાગ્રહ કર્યો.
એમની સેનામાં ગરીબ હિંદી મજૂરો હતા. તેમની સરદારી લેવી અને એમના કરતાં સારો પોશાક પહેરવો, સારો ખોરાક ખાવો એ કેમ ફાવે ? અને ગાંધીજી જેવા સત્યાગ્રહી સરદારથી તો એ ભેદ કેમ જ સહન થાય ?
તે વખતથી તેમણે નિશ્ચય કરી નાખ્યો કે મારા મજૂર ભાઈઓ જેવાં જ કપડાં હું પહેરીશ.
હવે એ સત્યાગ્રહી સૈન્યના સરદારે પણ લુંગીપહેરણ પહેર્યાં અને પરદેશી ઢબનાં કોટ – પાટલૂનને વિદાય આપી.
દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહમાં હિંદીઓની જીત થયા પછી ગાંધીજીએ વિચાર્યું કે હવે દેશમાં જઈ ભારતમાતાની સેવા કરવી.
દેશમાં જઈને કેવો પોશાક રાખવો ? ગાંધીજી તો સત્યાગ્રહી રહ્યા અને આવી ઝીણી વાતમાં પણ સત્યની શોધ કરીને જ પગલું ભરનાર રહ્યા. તેમને ફાવે તેવો પોશાક પહેરીને દેશમાં ઊતરવું પસંદગ કેમ હોય ? ઘરને આંગણી આવીને વિલાયતી કોટ-પાટલૂન પહેરવાનાં તો હોય જ નહીં. લુંગી પણ પરદેશમાં લુંગીધારી લોકો સાથે પહેરી તે શોભી, પણ તેયે દેશમાં ન શોભે.
વિચાર કરતાં તેમણે નિશ્ચય કર્યો કે જન્મભૂમિ કાઠિયાવાડનો પોશાક પહેરીને જ હિંદભૂમિને કિનારે ઊતરીશ.
એ રીતે હિંદુસ્તાન પાછા ફર્યા પછી ગાંધીજી ધોતિયું-અંગરખું પહેરતા, ખભે ખેસ રાખતા અને માથે ધોળો ફેંટો બાંધતા.