પરિચય :
આયુર્વેદમાં હરડે (હરિતકી, હરડ/હર્ર)નો ખાસ પેટના દર્દો અને કબજિયાત માટે ખૂબ વ્યાપક ઉપયોગ થાય છે. ગુજરાતના સામાન્ય લોકો પણ હરડેના જુલાબકર્તા ગુણથી પરિચિત છે. ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, ડાંગ, છોટાઉદેપુર બાજુ હરડે ત્યાંના જંગલોમાં ખૂબ થાય છે. હરડેની ૭-૮ જાતો થાય છે. હરડેના નાના કૂમળા ફળને સૂકવી તેને બાળ હરડે કે હીમેજ રૂપે વેચાય છે. હરડેના ઝાડ ખૂબ મોટા અને ૮૦ થી ૧૦૦ ફૂટ ઊંચા થાય છે. થડ ભૂખરા અને લીલા પીળા રંગની આભાવાળા પાન અરડૂસીના પાન જેવા, ૩ થી ૮ ઈંચ લાંબા, ૨ થી ૪ ઈંચ પહોળાં થાય છે. જે શિયાળામાં ખરી જાય છે. તેની પર સફેદ કે પીળા રંગના અને ઉગ્રગંધના ફૂલ અને ફળ ૫ ઉપસેલી શિરાવાળા અને એક થી દોઢ ઈંચ લાંબા થાય છે. ફળની આકૃતિ જાત મુજબ અલગ થાય છે. ફળ ઉપરની છાલ થોડી જાડી અને અંદર કઠણ ઠળિયો હોય છે. ઠળિયામાં સફેદ રંગનો મીંજ થાય છે. વ્યવહારમાં મોટી-કાબૂલી, મધ્યમ કદની (ગુજરાતમાં થતી) હરડે (હરડાં) અને હીમેજ વપરાય છે.
ગુણધર્મો :
આયુર્વેદમાં હરડેના ખૂબ જ ગુણગાન ગાય છે. તે અનેક દર્દોમાં ખાસ ઉપયોગી છે. પેટની અને જુલાબની દવાઓ હરડેથી જ બને છે. હરડેના ફળની છાલ જ દવામાં વપરાય છે. હરડેમાં ખાસ રસ સિવાયના બીજા પાંસ રસો છે. ખાસ તે મીઠી-તૂરી લાગે છે. હરડે, લૂખી, ગરમ, જઠરાગ્નિ, બુદ્ધિ તથા આયુષ્યવર્ધક, રસાયન, નેત્રોને હિતકર અને ત્રિદોષશામક છે. તે વાયુ, પિત્ત, કફ, ખાંસી, શ્વાસ, પ્રમેહ, હરસ, કબજિયાત, કોઢ, કૃમિ, સોજો, પેટના દર્દો, ગોળો, તરસ, ઉલટી, હેડકી, સ્વરભંગ, ખરજ, કમળો, બરોળ, હ્રદયરોગ અને મૂત્રકષ્ટને મટાડે છે.
ઔષધિ પ્રયોગ :
(૧)
વાતર્કત (ગાઉટ-સાંધામાં ગાંઠો) : સુરવારી (મોટી) હરડે અથવા હીમેજનું ચૂર્ણ ગોળમાં રોજ લેવું.
(૨)
દમ અને હેડકી : હરડે છાલ અને સૂંઠનો ઉકાળો કરી, તેમાં જૂનો ગોળ તથા ચપટી સંચળ મેળવી પીવો.
(૩)
ઝાડામાં જળસ (કફ) પડે : હરડે, સૂંઠ અને ગોળ સમભાગે લઈ, તેમાં લીમડાનો રસ નાંખી ગોળી બનાવી લેવી.
(૪)
અમ્લપિત્ત : હરડે છાલ ૧ ભાગ, કાળી દ્રાક્ષ ૧ ભાગ (બી કાઢીને) અને સાકર ૨ ભાગની ૫-૧૦ ગ્રામની ગોળીઓ બનાવી, સવાર સાંજ રોજ ખાવી.
(૫)
હાથી પગુ : હીમજને દિવેલમાં સાંતળી બનાવેલું ચૂર્ણ રોજ ગોમૂત્ર સાથે લેવું.
(૬)
કબજિયાત : હીમેજ, મીંઢી આવક, વરિયાળી અને સંચળનું ચૂર્ણ કરી રોજ રાતે લેવું. અથવા એકલી હરડે છાલનું ચૂર્ણ કે હીમેજને દિવેલમાં સાંતળી બનાવેલું ચૂર્ણ લેવું. અથવા હરડે, બહેડાં અને આમળા (ત્રણે ઠળિયા રહિત)નું બનેલ ‘ત્રિફળા‘ ચૂર્ણ રોજ સવારે કે રાતે લેવું. તે હરસમાં પણ લાભ કરે.
(૭)
મેદ (ચરબી) વધવી : ત્રિફળાનો ઉકાળો મધ નાંખી પીવો કે રોજ હરડે છાલનું ચૂર્ણ પાણીમાં લેવું. પરેજી પાળવી.
(૮)
આંખ, કાન, નાક, ગળા અને માથાના તમામ દર્દો માટે : ત્રિફળા, કરિયાતું, હળદર, કડવો લીમડો અને ગળોનો ‘પથ્યાદિ‘ ક્વાથ બનાવી. તેમાં ગોળ નાંખી સવાર-સાંજ પીવાથી દરેક જાતના મસ્તકશૂળ અને ઉપર કહેલા દર્દો અવશ્ય મટે છે.
(૯)
આમવાત, અંડવૃદ્ધિને ભગંદર : હરડે છાલને સૂંઠના ઉકાળામાં દિવેલ ૧-૨ ચમચી નાંખી રોજ પીવો.
(૧૦)
વધુ પડતો પરસેવો થવો : ત્રિફળા, વરિયાળી અને જેઠીમધનું ચૂર્ણ રોજ ૧ ચમચી, પાણીમાં લેવું તથા ત્રિફળા, જેઠીમધ અને સુખડના ચૂર્ણથી સ્નાન કરવું.