
૧૯૧૯ની સાલની વાત છે. અમૃતસરના અત્યાચાર પછી સરકારે અત્યાચારોની તપાસ કરવા હંટર કમિટી નીમી હતી. કૉંગ્રેસને તેનાથી સંતોષ ન થયો એટલે તેણે તેનો બહિષ્કાર કર્યો.
બહિષ્કાર ઉપરાંત પણ આપણે કંઈક કરી શકીએ એ વાત બીજાઓના ખ્યાલ બહાર હતી. પણ બાપુએ કૉંગ્રેસ પાસે એક સ્વતંત્ર તપાસ કમિટી નિમાવી તપાસ શરૂ કરી. તે કમિટીમાં ચિત્તરંજનદાસ, મોતીલાલ નહેરુ, જયકર, અબ્બાસ તૈયબજી તથા બાપુ વગેરે હતા. ત્રણ મહિના સુધી તપાસ ચાલી. ૧૭૦૦ જણનાં નિવેદન લેવામાં આવ્યાં. તેમાંથી ૬૫૦નાં નિવદેન બહાર પાડવામાં આવ્યાં. હવે અહેવાલ રજૂ કરવાનો હતો.
આ બધો મસાલો લઈ બાપુ આશ્રમમાં આવ્યા ને અહેવાલ લખવા લાગ્યા. અત્યાચારોનાં વર્ણનથી તેઓ ઊકળી રહ્યા હતા. અહેવાલ લખવાનું કામ રાતદિવસ ચાલવા લાગ્યું. અક્ષરશઃ દિવસ અને રાત ચોવીસે કલાક લખ્યા જ કરતા. રાત્રે બે કે અઢી કલાક માંડ સૂતા હશે. બપોરે લખતાં કોઈ વાર એટલા થાકી જતા કે શરીર કામ કરવાની ના પાડતું. એક દિવસ મેં જોયું કે ડાબા હાથમાં કાગળ છે, જમણા હાથમાં કલમ, તકિયા પર માથું મૂકીને ઊંઘી ગયા છે, મોં ખુલ્લું છે. જરા વારમાં એકદમ ચોંકીને ઊઠ્યા. કેમ જાણે કંઈક ગુનો કરતાં પકડાઈ ગયા ન હોય ! ઊઠીને પાછા લખવા લાગ્યા.
હેવાલ પૂરો થયો. કમિટી આગળ રજૂ કરવામાં આવ્યો. તેના પર બધા સભ્યોની સહી થયા પછી બાપુએ બધાને કહ્યું : ‘આપણે સહી તો કરી પણ સાથે સાથે પ્રતિજ્ઞા કરીએ કે ક્યાં સુધી આપણા દેશમાં આવા અત્યાચારો થવાનું અશક્ય ન કરી દઈએ ત્યાં સુધી જંપીશું નહીં.‘ બધા સભ્યોએ પ્રતિજ્ઞા કરી.
ત્યાર પછીનો ઇતિહાસ સૌ જાણે છે.
- કાકાસાહેબ કાલેલકર