ડો. બી. જી. ચંદારાણા
રાહુ વિશેની કથા વિવિધ પુરાણોમાં મળે છે. રાહુની કથામાં જેવી વિચિત્રતા અને વિશિષ્ટતા છે તેવી જ વિચિત્રતા અને વિશિષ્ટતા જ્યોતિષમાં રાહુના ફલાદેશ વિશે પણ છે.
પૌરાણિક કથા મુજબ દેવો અને દાનવોએ ભેગા મળીને સમુદ્રમંથન કર્યું. સમુદ્રમંથન કરતાં જે ચૌદ રત્નો મળ્યાં તેમાં સૌથી છેલ્લે અમૃત નીકળ્યું. અમૃતનું પાન માત્ર દેવો જ કરે, જેથી દેવો અમર થાય એવું વિષ્ણુ તથા અન્ય દેવોએ વિચાર્યું. આથી વિષ્ણુ યુક્તિપૂર્વક દેવોને અમૃત આપવા લાગ્યા. રાહુ તો દાનવ હતો. તેથી તેણે દેવનું માયાવી સ્વરૂપ લીધું અને અમૃત મેળવ્યું. રાહુ અમૃતનું પાન કરણતો હતો એ જ સમયે સૂર્ય અને ચંદ્રે વિષ્ણુનું ધ્યાન દોર્યું. આતી તૂર્ત જ વિષ્ણુએ પોતાના ચક્રથી રાહુનું મસ્તક છેદી નાખ્યું. મસ્તક અને ધડ જુદાં પડી ગયાં. મસ્તક રાહુ તરીકે ઓળખાયું અને ધડ કેતુ તરીકે ઓળખાયું. રાહુએ અમૃતપાન તો કર્યું, પરંતુ તે હજુ ગળા સુધી જ પહોંચ્યું હતું તેથી રાહુના મસ્તકને અમરત્વ મળી ગયું. સૂર્ય અને ચંદ્રએ રાહુ વિરુદ્ધ વિષ્ણુનું ધ્યાન દોર્યું હતું તેથી આજ પણ રાહુ સમયે સમયે સૂર્ય-ચંદ્રનો ગ્રાસ કરે છે, જે અનુક્રમે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ તરીકે ઓળખાય છે.
રાહુ વિશેની આ કથા જ્યોતિષના સંદર્ભમાં ઘણી ઉપયુક્ત બને છે, કારણ કે કુંડલીમાં સૂર્ય કે ચંદ્ર સાથે રહેલ રાહુ જાતકના ફલાદેશ ઉપર વિપરીત અસર કરે છે.
રાહુ વિપ્રચિતિ અને સિંહિકાનો પુત્ર છે. તેથી તે સૈંહિકેય તરીકે તરીકે પણ ઓળખાય છે. આ ઉપરાંત સર્પ, અસુર, કૂર્ણ, તમસ, અગુ વગેરે નામથી પણ ઓળખાય છે.
આમ તો અન્ય ગ્રહોની જેમ રાહુ અને કેતુ પદાર્થ રૂપે ગ્રહ નથી, પરંતુ એ બંને કલ્પિત બિંદુઓ છે, પરંતુ કુંડળીમાં રાહુ તથા કેતુ એ બંનેને ગ્રહ જેવું જ સ્થાન આપવામાં આવ્યું છે અને ફલાદેશમાં પણ તેમની ગણતરી એ જ રીતે કરવામાં આવે છે.
‘બૃહત્ પારાશર હોરા‘ પ્રમાણે રાહુ કન્યા રાશિમાં સ્વગ્રહી બને છે. મીન તેની અસ્તરાશિ છે, રાહુ વૃષભ રાશિમાં ઉચ્ચનો બને છે તથા વૃશ્ચિક રાશિમાં નીચનો બને છે. કેટલાક વિદ્વાનોના મતે રાહુ મિથુન રાશિમાં સ્વગૃ્હી અને ધન રાશિમાં અસ્તનો બને છે. તો કેટલાકને મતે રાહુ મિથુન રાશિમાં ઉચ્ચનો અને ધન રાશિમાં નીચનો બને છે. રાહુ હંમેશા વક્રી ગતિથી જ ચાલે છે અને એક રાશિમાં તે સામાન્ય રીતે ૪૫ દિવસ સુધી રહે છે. આથી આખું રાશિચક્ર પૂર્ણ કરતાં રાહુને દોઢ વર્ષ કે અઢાર મહિના લાગે છે.
રાહુનું શાસ્ત્રીય વર્ણન આ મુજબ છેઃ
રાહુ ઊંચો છે. રંગે કાળો છે, દુષ્ટ સ્ત્રીઓ, નીચ લોકો, ભૌતિક બાબતો સાથે તે સંકળાયેલો છે. માનવ શરીરમાં ત્વચા અને લોહી ઉપર રાહુનું આધિપત્ય છે. લોહી વિકાર, કોલેરા, શિતળા, ચામડીનાં વિવિધ દર્દો, પ્લેગ વગેરે રોગો દુષતિ રાહુને કારણે થાય છે. રાહુ નેઋત્ય દિશાનો અધિપતિ છે.
રાહુનું સ્વરૂપ ભયાનક છે, તેની આંખો ક્રોધથી લાલ છે, તેની ત્વચા બરછટ છે.
રાહુ સ્વભાવે ક્રોધી, નીચ કર્મ કરનાર, છળકપટ કરનાર તથા વૈરવૃત્તિનો દર્શાવાયો છે. તે દુરાગ્રહી અને એકલવાયાપણું પસંદ કરનાર છે.
આ બધાં લક્ષણો વચ્ચે રાહુનું સૌથી નોંધપાત્ર અને પ્રશંસાપાત્ર લક્ષણ એ છે કે રાહુ ઉપાસના, સાધના, ભક્તિ અને આધ્યાત્મિકતાનુ; વલણ આપરનાર છે. વળી તે યાત્રા-મુસાફરીનો પણ કારક છે. રાહુ શત્રુઓનો મારક પણ છે. અચાનક ભાગ્યોદયમાં રાહુ ખૂબ કારણભૂત છે.
રાહુ મુત્સદી હોવાથી તે જાતકને રાજકારણના ક્ષેત્રમાં લઈ જાય છે. રાહુના વ્યવસાયિક ક્ષેત્રોમાં કર્મકાંડ, તંત્ર, નશાકારક વસ્તુઓ, ફેકટરી, સરકસ, હિપ્નોટિઝમ-મેસ્મેરિઝમ જેવી બાબતો આવે છે.
રાહુના નિવાસ સ્થાન તરીકે પર્વતો, ગુફાઓ, જલાશયો, ગીચ જંગલો વગેરે ગણવામાં આવ્યાં છે.
રાહુ સંધ્યા સમયે બળવાન ગણાય છે.
સામાન્ય રીતે દરેક ગ્રહ પોતે જ્યાં હોય ત્યાંથી સાતમા સ્થાને ર્દષ્ટિ કરે છે. પરંતુ રાહુ સપ્તમ ઉપરાંત પોતાને સ્થાનેથી બીજે અને બારમે સ્થાને પણ ર્દષ્ટિ કરે છે. રાહુ જો સાતમે હોય તો તેની ર્દષ્ટ છઠા શત્રુ સ્થાને તથા આઠમા આયુષ્ય સ્થાને પડે.
કુંડળીમાં રાહુ ક્યા સ્થાને છે, કઈ રાશિમાં છે, કયા ગ્રહની યુતિમાં છે, ક્યા ગ્રહની ર્દષ્ટિમાં છે, પોતે કેટલા અંશનો છે વગેરે બાબતોને ધ્યાનમાં લઈને કુંડળીનો ફળાદેશ કરતાં પહેલાં રાહુ વિશે આટલી પ્રાથમિક બાબતો જાણી લેવી અત્યંત આવશ્યક ગણાય.