હાલોનેતો ગોરી,
ભાઈને પારણે હીરની દોરી;
ભાઈ તો મારો ગોરો,
એની કેડહીરાનોકંદોરો.
હાલો ! હાલો !
ભાઈ મારો એવડો,
શેરડીના સાંઠા જેવડો;
શેરડીને સાંઠેકીડી,
ભાઈના મુખમાં પાનની બીડી.
હાલો ! હાલો !
મારા ભાઈને કોઈ તેડે,
તેને લાડવા બાંધુ ચારે છેડે;
હાલ વાલ ને હલકીઆં,
ભાઈ ને ઘોડીએ રમે ચરકલીઆં,
ચરકલીઆં તો ઊડી ગયાં,
ભાઈનાં દુઃખડાં લેતાં ગયાં.
હાલો ! હાલો !
ગોરી ને રે ગોરી,
ભાઈને મોટી પાલ રે વોરી;
પાલનો વાંસ છે પોલો,
ભાઈની મામીને લઈ ગયો કરણ ગોલો.
હાલો ! હાલો !
હાલો ભાઈને, હાલો ને ગોરી,
નવાનગરની ઊંચી બારી;
છોકરા પરણે ને મા કુંવારી,
જુઓ રે લોકો કળીનાં કૌતક.
હાલો ! હાલો !
ઓ પેલા ચાંદાને કીડી ધાવે,
બહેશે કહે કે બચ બચ બોલે;
આંધળો કહે કે દેખાઈ જઈએ,
નાગો કહે કે લૂંટાઈ જઈએ;
પાડો દૂઝે ને ભેંસ વલોવે,
મીનીબાઈ બેઠાં માખણ ચોરે.
હાલો ! હાલો !
સૂત્તા રે સૂડા ને સૂત્તા પોપટ,
સૂત્તા રૂડા રામ;
એક ન સૂતો મારો વનુભા,
જગાડ્યું આખું ગામ,
એક ઘડી તું સૂઇ જા રે ભાઈ !
મારે ઘરમાં ઝાઝાં રે કામ;
કામ ને કાજ સૌ રહેવા દેજો,
નાનકડીઆને લઈ રહેજો;
કામકાજ મૂકો ને પડતાં,
રે ભાઈ ને રાખો ને રડતા.
હાલો ! હાલો !
નાઘડીઆ નિદ્રાળુ રે પાતળીઆ ભૂખાળુ !
આખાને રૂવે રે બાવા ! ક્ક્કો ખાઈ ને સૂવે.
હાલો ! હાલો !
પાલણે પોલા વાંસ,
રે બાવા ! ઘોડીએ મોર ને હંસ.
પાલણીઆં પડીઆલા,
રે? ભાઈનાં ઘોડીઆં છે રળીઆળાં.
હાલો ! હાલો !
નાઘડીઆનું પાલણું મેં તો ઘણેક દહેલે દીઠું;
ઓવારીને નાખું રે હું તો રાઈને મીઠું.
હાલો ! હાલો !
હાંલકડે ને ફૂલકડે કાંઈ મોતીના દડા,
સઘળા રે નિશાળીમાં વનુભા મારા વડા;
વડા ને નિશાળીઆ જોડે ભાઈ મારાને લેજો,
ભણ્યાં ગણ્યાં નથી ભૂલ્યા, ભાઈની પરીક્ષા કરી લેજો.
હાલો ! હાલો !
હોલકડે ને ફૂલકડે કાંઈ મોતીના રે બખીઆ,
ભાઈ મારાને ઘોડીએ કાંઈ ચાંદો ને સૂરજ લખીઆ.
હાલો ! હાલો !
નાઘડીઆના પખી રે મારે સૂના હૂતા સંસાર,
જાગ્યા જયારે વનભા ત્યારે રાંધ્યા હતા કંસાર.
હાલો ! હાલો !
ભાઈ રે મારો ભાઈ ! મહારાજાન જમાઈ,
રાજાની કુંરી કાળી, ભાઈએ જાન પાછી વાળી;
રાજાની કુંવરી ગોરી, ભાઈએ વહેલો પાછી જોડી,
મોટા જોડયા ઘોરી, રે ભાઈ એ પાસે બેસાડયા ગોરી.
હાલો ! હાલો !
હાલો રે હાલો ! ભાઈને હાલો ઘણો વાલો,
ભાઇને ગોરીડાં રે ગાજો, ભાઈને રમવા તેડી જાજો;
ગોરી ગાયનાં દૂધ, ભાઈ પીશે ઊગતે સૂર,
ભાઈ માડીને છે વાલો, ભાઈ મામાને છે વાલો;
મામા પોહોડે સેજડી, વાયુ ઢોળે બેન ભાણેજડી.
હાલો ! હાલો !
હાથે ને પગે કલ્લાં સાંકળાં,
રે માથે મગીઆ ટોપી;
અટલસનાં અંગરખાં,
રે એને બખીએ બખીએ મોતી;
ભાઈ મારાનાં મુખડાંહું ફરી ફરીને જોતી.
હાલો ! હાલો !
ભાઈ મારો ભમતો,
શેરીએ શેરીએ રમતો;
શેરીએ શેરીએ દીવા કરું,
ભાઈ રમે ને હું જોતી ફરું.
હાલો ! હાલો !